લંડનઃ વડાપ્રધાન બન્યા પછી પહેલીવાર ભારતની સત્તાવાર મુલાકાતે પહોંચેલા સર કેર સ્ટાર્મરે ગુરુવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુંબઇમાં દ્વિપક્ષીય બેઠક કરી હતી. બંને નેતાઓની દ્વિપક્ષીય મંત્રણામાં વેપાર, ટેકનોલોજીમાં સહકાર અને વ્યૂહાત્મક સંબંધો મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું.
સર કેર સ્ટાર્મર સાથે સંયુક્ત નિવેદન જારી કરતા નરેન્દ્ર મોદીએ ભારત અને યુકે વચ્ચેના મુક્ત વેપાર કરારની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન સ્ટાર્મરના નેતૃત્વમાં ભારત અને યુકે વચ્ચેના સંબંધોમાં નોંધપાત્ર પ્રગતિ થઇ છે. બંને દેશો વચ્ચેના સંબંધમાં નવી ઉર્જા અનુભવાઇ રહી છે. બંને દેશ વચ્ચેના સંબંધના મૂળ લોકશાહી, સ્વતંત્રતા અને કાયદાના શાસનમાં આપણા વિશ્વાસમાં પડેલાં છે. વડાપ્રધાન મોદીએ તેમના સંબોધનમાં એજ્યુકેશન, ડિફેન્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ટ્રેડ એગ્રિમેન્ટ અને જનસંપર્કમાં નવી ભાગીદારીઓનો ઉલ્લેખ કર્યો હતો.
ભારતના વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, આ કરાર અમલી બનતાં બંને દેશની આયાત કિંમતોમાં મોટો ઘટાડો થશે, યુવાઓ માટે રોજગારીની નવી તકો સર્જાશે, વેપાર વધશે જેના પગલે ઉદ્યોગો અને ગ્રાહકોને લાભ થશે. સ્ટાર્મરની મુલાકાતની પ્રશંસા કરતા મોદીએ જણાવ્યું હતું કે, વેપાર કરાર પર હસ્તાક્ષરના થોડા જ મહિનામાં તમે એક મોટા પ્રતિનિધિમંડળ સાથે ભારત આવ્યા છો જે બંને દેશ વચ્ચેની ભાગીદારીનો નવો અધ્યાય છે. ભારત અને યુકે કુદરતી ભાગીદાર દેશો છે.
સંયુક્ત નિવેદનમાં બ્રિટિશ વડાપ્રધાન સ્ટાર્મરે જણાવ્યું હતું કે, બંને દેશ વચ્ચેનો વેપાર કરાર મોટી સફળતા છે. અમે ભવિષ્યને ધ્યાનમાં રાખીને નવી આધુનિક ભાગીદારીની રચના કરી રહ્યાં છીએ. ટેરિફમાં ઘટાડો અને એકબીજાના બજાર વધુ ખુલ્લા મૂકવાથી વિકાસને વેગ મળશે, નવી નોકરીઓનું સર્જન થતાં બંને દેશમાં જીવનધોરણ ઊંચા આવશે.
પીએમ મોદીએ શું કહ્યું?
• વિઝન 2035 અંતર્ગત બંને દેશો વચ્ચે ડિજિટલ ક્ષેત્રે સહયોગ કરાશે.
• ભારતની ઈકોનોમીમાં મોટા સુધારા કરાઈ રહ્યા છે, જેનો હેતુ વેપારને વધારે આસાન કરવાનો છે. નિયમો વધારે સરળ બનાવાઈ રહ્યા છે.
• ભારત સરકારે GSTમાં મોટા સુધારા કર્યા છે. જેને કારણે યુકેના રોકાણકારો માટે નવી તકો ખુલશે.
• ભારતનું પરમાણુ ઉર્જા ક્ષેત્ર યુકેની ખાનગી કંપનીઓ માટે ખોલવામાં આવશે.
• ઈન્ફ્રાસ્ટ્રકચરનાં વિકાસને પ્રાથમિકતા અપાશે. 2030 સુધીમાં 500 ગીગાવૉટ અક્ષય ઉર્જાનાં લક્ષ્યને હાંસલ કરાશે.
• CETA કરાર ભારતનાં યુવાનો માટે નોકરીની નવી તકો સર્જશે.
• ભારત અને બ્રિટન ખનિજ ક્ષેત્રે મહત્ત્વનો સહયોગ સાધશે.