સ્ટીફન હોકિંગની વિદાયથી પૃથ્વીનો આઇક્યૂ ઘટી ગયો

Thursday 15th March 2018 08:43 EDT
 
 

લંડનઃ જગવિખ્યાત વિજ્ઞાની સ્ટીફન હોકિંગનું ૭૬ વર્ષની વયે નિધન થયું. તેમણે રિલેટિવિટી, બ્લેક હોલ અને બિગ બેંગ થિયરી સમજાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. શારીરિક અક્ષમતા છતાં તેમણે પોતાના કામથી દુનિયાના કરોડો યુવાનોને વિજ્ઞાનનો અભ્યાસ કરવા માટે પ્રેરિત કર્યા. હોકિંગ એક એવી બીમારીથી પીડિત હતા જેના કારણે તેમના શરીરના સ્નાયુઓ સંકોચાઇ ગયા હતા અને અનેક ભાગને લકવો થઈ ગયો હતો. આમ છતાં તેમણે ક્યારેય હાર સ્વીકારી નહીં. વિજ્ઞાનના ક્ષેત્રમાં નવી શોધ ચાલુ રાખી.
હોકિંગે શારીરિક અક્ષમતાઓને પાછળ છોડીને સાબિત કર્યું કે ઇચ્છાશક્તિ હોય તો માણસ કંઈ પણ કરી શકે છે. હોકિંગે બે લગ્ન કર્યાં. બન્ને નિષ્ફળ રહ્યા. બીજાં પત્ની મેસને તેમના પર અત્યાચારનો આરોપ લગાવ્યો. પોલીસ કેસ કર્યો. તપાસ દરમિયાન મેસને નરમ વલણ અપનાવતા પોલીસે હોકિંગને છોડી મૂક્યા. જોકે હોકિંગ આ કોર્ટ કોન્ટ્રોવર્સિથી ઘણા જ ખુશ હતા. થોડાં વર્ષો બાદ તેમણે મહિલાઓ અંગે કહ્યું કે મહિલાઓ સંપૂર્ણપણે એક રહસ્ય છે.

બાળપણઃ બીજા વિશ્વયુદ્ધમાં પિતા જર્મનીથી લંડન આવી ગયા

૧૯૪૨માં ૮ જાન્યુઆરીએ સ્ટીફન હોકિંગનો જન્મ ઇંગ્લેન્ડના ઓક્સફર્ડમાં થયો હતો. ઓક્સફર્ડમાં જન્મેલા હોકિંગના પિતા રિસર્ચ બાયોલોજિસ્ટ હતાં. જર્મનીના બોમ્બમારાથી બચવા માટે લંડનથી ત્યાં જઈને વસી ગયા હતા.

અભ્યાસઃ ઓક્સફર્ડથી ગ્રેજ્યુએશન અને કેમ્બ્રિજથી પીએચ.ડી.
૧૯૫૯માં તેઓ નેચરલ સાયન્સનો અભ્યાસ કરવા ઓક્સફર્ડ પહોંચ્યા અને બાદમાં કેમ્બ્રિજમાં પીએચ.ડી. કરવા માટે ગયા. તેમના પીએચ.ડી શોધનિબંધને જાહેર કરતા પહેલાં ૨૦ લાખથી વધુ લોકોએ જોયો. આ શોધનિબંધ એટલો લોકપ્રિય બની ગયો કે તેને જારી કરતાં જ કેમ્બ્રિજની વેબસાઇટ ઠપ થઈ ગઈ હતી.

લગ્નઃ દુર્લભ બીમારીના ૨ વર્ષ બાદ મિત્ર જેન સાથે લગ્ન કર્યાં
હોકિંગે ૧૯૬૫માં બીમારીનાં બે વર્ષ બાદ જેન વિન્ડે સાથે લગ્ન કર્યાં. બન્ને પહેલી વાર ૧૯૬૨માં મળ્યા હતા. હોકિંગ સાથે લગ્ન કરવા બાબતે જેનના મિત્રોએ કહ્યું કે તું એક પાગલ વ્યક્તિ સાથે લગ્ન કરવા જઈ રહી છે. આ સમયે જેને કહ્યું હતું કે સ્ટીફન મને ખુશ રાખવાનું જાણે છે. લગ્નથી ૩ સંતાનો થયાં.

બીમારીઃ વર્ષ ૧૯૬૩માં જાણ થઈ કે તેઓ મોટર ન્યુરોન બીમારીથી પીડિત છે. એવું કહેવાયું કે તે ફક્ત બે વર્ષ જીવી શકશે. તેના પર હોકિંગે કહ્યું કે તમે લોકો સારી મજાક કરી લો છો. તેઓ આ પછી ૫૫ વર્ષ જીવ્યા. વર્ષ ૨૦૧૪માં તેમના જીવન પરથી ‘ધી થિયરી ઓફ એવરીથિંગ’ ફિલ્મ બની. ફિલ્મમાં એડી રેડમેને હોકિંગનું પાત્ર ભજવ્યું હતું. યુએસએ તેમને સર્વોચ્ચ નાગરિક સન્માનથી બિરદાવ્યા હતા.

હોકિંગની વ્યક્તિત્વની ઝલક દર્શાવતા ચાર પ્રસંગ

ફર્સ્ટ ક્લાસની ડિગ્રી આપશો તો પીએચ.ડી. કરીશ

સ્ટીફન હોકિંગે કોલેજના દિવસોમાં જોયું કે ઓક્સફર્ડમાં ત્રણ વર્ષ દરમિયાન તેમણે માત્ર ૧,૦૦૦ કલાક જ કામ કર્યું. તેના કારણે તેમણે અધ્યાપકોના ગુસ્સાનો ભોગ બનવું પડતું હતું. પરંતુ ટીચર તેમની ગુણવત્તાને જોતા અંદાજ લગાવી શકતા નહોતા કે તેમને ફર્સ્ટ ક્લાસ આપવો કે સેકન્ડ ક્લાસ. આ અંગે હોકિંગે કહ્યું કે જો તમે મને ફર્સ્ટ ક્લાસ પાસ કરશો તો હું કેમ્બ્રિજથી પીએચ.ડી. કરીશ. ટીચરે તેમને ફર્સ્ટ ક્લાસ ડિગ્રી આપી દીધી અને આગળનો અભ્યાસ તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી કર્યો.

ઇઝરાયલ જવાનો ઇનકાર કર્યો કેમ કે...

સ્ટીફન હોકિંગે પર્યાવરણની દુર્દશા પર તીખી ટિપ્પણીઓ કરી અને ગ્લોબલ વોર્મિંગના જોખમ અંગે દુનિયાને ચેતવણી આપી. તેમણે આ જ સંદર્ભમાં એલિયનની માન્યતાને પણ પોતાના મજાકિયા અને વ્યંગાત્મક અંદાજમાં ઉડાવી દીધી. રાજકીયરૂપે જાગૃત હોકિંગને પેલેસ્ટાઇન તરફ સહાનુભૂતિ હતી. તેમણે ગાઝા પર ઈઝરાયલના કબજાના વિરોધમાં ૨૦૧૩માં એક સેમિનાર માટે ઇઝરાયલ જવાનો ઇનકાર કરી દીધો. આ સિવાય જ્યારે અમેરિકાએ વિયેતનામ પર આક્રમણ કર્યું ત્યારે પણ હોકિંગે વિરોધમાં માર્ચ કાઢી હતી.

ઘડિયાળને પાછી ફેરવવી શક્ય નથી

હોકિંગને સમય બરબાદ કરવાનું ગમતું નહીં. તેમણે સમય પર પોતાનું સંશોધન પૂરું કર્યું હતું. તેમણે પોતાનું આ સંશોધન એ ટિપ્પણી સાથે ખતમ કર્યું કે ઘડિયાળને પાછી ફેરવવી અસંભવ છે. સંદેશ સ્પષ્ટ હતો કે આપણે નાણાં બનાવી શકીએ છીએ, પરંતુ ગયેલો સમય ક્યારેય પાછો ફરતો નથી. તેથી આપણે બુદ્ધિપૂર્વક તેનો ઉપયોગ કરવો જોઈએ. સક્રિય મગજ હંમેશા મારા અસ્તિત્વનું કારણ રહ્યું. તેનાથી હું હંમેશા પોતાની સેન્સ ઓફ હ્યુમર જાળવી રાખી શક્યો છું, નહીં તો જીવન ખૂબ જ કંટાળાજનક લાગ્યું હોત.

મોતની આશંકાએ મને જીવવા માટે પ્રેર્યો

સ્ટીફન હોકિંગને દુનિયામાં તમામ એવોર્ડ અને સન્માનથી સન્માનિત કરાયા, પરંતુ નોબેલ પુરસ્કાર તેમનાથી દૂર જ રહ્યો. હોકિંગે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ‘મોટર ન્યૂરોન બીમારીની ઝપટમાં આવતા પહેલાં હું જીવનથી કંટાળી ગયો હતો, પરંતુ મૃત્યુની આશંકાથી મને ખ્યાલ આવ્યો કે જીવન તો ખરેખર જીવવા લાયક છે. મારે હજી ઘણું કરવાનું છે. મને ગર્વ છે કે મેં મારી આ સ્થિતિ છતાં મનુષ્ય જ્ઞાનને સમર્થ બનાવવામાં એક નાનું પણ મહત્ત્વનું યોગદાન આપ્યું છે.’

હોકિંગ વિશે જાણવા જેવી ચાર રસપ્રદ બાબત

ફિલ્મઃ હોકિંગ જેગુઆર બ્રાન્ડની એક કારની ટીવી એડમાં પણ જોવા મળ્યા. ટીવી સિરિયલ અને ફિલ્મોમાં પઠણ કામ કર્યું. તેમણે સ્ટાર ટ્રેકઃ ધી નેક્સ્ટ જનરેશન (૧૯૮૭)માં કામ કર્યું. ૧૯૯૯માં ફ્યુચરમાં અને ધી બિગ બેન્ગ થિયરીમાં કામ કર્યું.

ઇચ્છાઃ તેઓ એક ટાઇમ મશીન બનાવવા માગતા હતા. તેમણે એકવાર કહ્યું હતું કે જો તેમની પાસે ટાઈમ મશીન હોત તો તે હોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રી મનાતી મર્લિન મુનરો અને વિજ્ઞાની ન્યૂટનને મળવા ગયા હોત.

નાસ્તિકઃ હોકિંગે તેમના પુસ્તક ‘ધી ગ્રાન્ડ ડિઝાઇન’માં ભગવાનના અસ્તિત્વને નકાર્યું છે. કહ્યું કે સ્વર્ગની કથાઓ અંધકારથી બચાવવા માટે બનાવાઈ છે. મગજ એક કમ્પ્યુટર છે જ્યારે તેના પાર્ટસ બગડી જશે તો તે કામ કરવાનું બંધ કરી દેશે.

ચેતવણીઃ હોકિંગે કહ્યું હતું કે માનવીએ પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે આગામી ૧૦૦ વર્ષમાં એ તૈયારી પૂર્ણ કરવી જોઈએ જેનાથી તે પૃથ્વી છોડીને જઈ શકે. આપણે જાણીએ છીએ પ્રદૂષણથી પૃથ્વી આગનો ગોળો બની રહી છે અને આપણે અવગણના કરી રહ્યા છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter