સ્પેસએક્સઃ કાઉન્ટડાઉન શરૂ...

ઇતિહાસના સૌથી મોટા આઇપીઓનું અને એલોન મસ્ક માટે દુનિયાના પહેલા ટ્રિલિયોનેર બનવાનું

Wednesday 27th May 2026 05:01 EDT
 
 

વોશિંગ્ટનઃ એલોન મસ્કની કંપની સ્પેસએકસે ટેકસાસના સ્ટારબેઝ પરથી પોતાના નવા અને અપગ્રેડેડ સ્ટારશિપ V-3 રોકેટની ટેસ્ટ ફ્લાઈટનું સફળ પરીક્ષણ કર્યું છે. આ રોકેટ 400 ફૂટ ( લગભગ 40 માળની ઇમારત જેટલું) ઊંચું અને 33 અપગ્રેડેડ રેપ્ટર એન્જિનથી સજ્જ હતું. સ્પેસએક્સ માટે આ એક સામાન્ય રોકેટ લોન્ચિંગ નહોતું. રોકેટની સફળ ઉડાન સાથે કંપનીના મહત્ત્વાકાંક્ષી મૂન અને માર્શ મિશનની સફળતા તેમજ આવતા સપ્તાહે લોન્ચ થઇ રહેલા ઐતિહાસિક આઈપીઓનું ભવિષ્ય પણ જોડાયેલું હતું.
વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કની સ્પેસ કંપની મૂડીબજારમાં ઇતિહાસ રચવાના આરે છે. SpaceXના ટૂંકા નામે જાણીતી કંપની સ્પેસ એક્સપ્લોરેશન ટેક્નોલોજીસ કોર્પોરેશને તેના બહુચર્ચિત આઈપીઓ માટેના ડ્રાફ્ટ પેપર્સ યુએસ રેગ્યુલેટરી ઓથોરિટી સિક્યુરિટીસ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC)ને સબમિટ કરી દીધા છે, અને બધુ સમુસૂતરું પાર ઉતર્યું તો આવતા પખવાડિયે નાસ્ડેકમાં તેના શેર્સનું ટ્રેડિંગ થતું જોવા મળશે.
SpaceX માત્ર રોકેટ કંપની નથી...
એક સમય હતો જ્યારે સ્પેસએક્સને માત્ર રોકેટ લોન્ચ કરતી કંપની તરીકે ઓળખવામાં આવતી હતી, પરંતુ આજે તે સ્પેસથી લઇને સેટેલાઇટ મેન્યુફેક્ચરિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)થી લઇને ગ્લોબલ ઇન્ટરનેટ ક્ષેત્રે ધરમૂળથી ક્રાંતિ લાવી ચૂકી છે.

આ જ કારણ છે કે આઈપીઓ માટે સબમિટ થયેલા દસ્તાવેજોમાં સ્પેસએક્સે પોતાને માત્ર સ્પેસ કંપની તરીકે નહીં, પરંતુ એઆઈ, સેટેલાઈટ ઈન્ટરનેટ, ઓર્બિટલ કમ્પ્યુટિંગ અને ફ્યુચર માર્સ ઈકોનોમી જેવા બહુવિધ ક્ષેત્રે કાર્યરત મલ્ટી ટ્રિલિયન ડોલર કંપની તરીકે રજૂ કરી છે.
સ્પેસએક્સના ભાવિ પ્લાનમાં નવું સ્ટારશિપ રોકેટ પણ સામેલ છે. તે ‘નાસા’ના મહત્ત્વાકાંક્ષી આર્ટેમિસ મૂન મિશનમાં અવકાશયાત્રીઓને ચંદ્ર પર ઉતારવા, મંગળ પર માનવ વસાહત, ઓર્બિટમાં એઆઈ ડેટા સેન્ટર્સનું નિર્માણ, પૃથ્વી પર એક શહેરથી બીજા શહેર સુધી અલ્ટ્રા-ફાસ્ટ રોકેટ ટ્રાવેલ, સ્પેસ ટુરિઝમ, સ્પેસ બેઝડ ફેક્ટ્રીઝ અને ફયુલ પ્રોડકશનના કામમાં આવશે.
કંપનીને સફળતાના પંથે દોરી જનારા ત્રણ મુખ્ય પ્રોજેક્ટ પર નજર ફેરવીએ તો...
• સ્ટારલિંક (Starlink): સ્પેસએક્સનું સેટેલાઇટ ઇન્ટરનેટ નેટવર્ક 10 મિલિયન (1કરોડ)થી પણ વધુ ગ્રાહકો ધરાવે છે, જે દર મહિને કંપનીને અબજો ડોલરનો નફો રળી આપે છે.
• રિયુઝેબલ રોકેટ ટેકનોલોજી: સ્પેસએક્સે રોકેટ ક્ષેત્રે અત્યાધુનિક ટેક્નોલોજી અપનાવી છે. ફરીથી વાપરી શકાય તેવા રોકેટના કારણે અવકાશમાં સામાન મોકલવાનો ખર્ચ 80 ટકા જેટલો ઘટી ગયો છે.
• AI કનેક્શન: સ્પેસએક્સ હવે એલોન મસ્કની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપની 'xAI' માં પણ નોંધપાત્ર હિસ્સેદારી ધરાવે છે.

આઇપીઓનું મહાકાય કદ
બજારના નિષ્ણાતોના મતે, આ આઈપીઓનું મૂલ્યાંકન 1.75 ટ્રિલિયન ડોલરથી 2 ટ્રિલિયન ડોલર (આશરે 145 થી 166 લાખ કરોડ રૂપિયા) વચ્ચે હોઈ શકે છે, જે તેને અત્યાર સુધીનો વિશ્વનો સૌથી મોટો આઇપીઓ બનાવશે. અને જો બધું સમુસૂતરું પાર પડ્યું તો કંપનીના સ્થાપક એલોન મસ્કને દુનિયાના પહેલા ટ્રિલોયોનેર પણ બનાવશે. આ આઇપીઓના લિસ્ટિંગ સાથે જ સ્પેસએક્સ સાઉદી અરામ્કોના 2019ના સૌથી મોટા આઇપીઓના રેકોર્ડને તોડી શકે છે.

12 જૂને નાસ્ડેકમાં લિસ્ટીંગ
એક રિપોર્ટ મુજબ, સ્પેસએક્સ અમેરિકન સ્ટોક એક્સચેન્જ નાસ્ડેક (Nasdaq) પર 12 જૂનથી 'SPCX' ટિકર સાથે લિસ્ટ થાય તેવી શક્યતા છે. આઇપીઓના પ્રમોશન માટેનો રોડ શો ચોથી જૂનથી શરૂ થશે જ્યારે 11 જૂનના રોજ પ્રાઇસબેન્ડ જાહેર થવાની સંભાવના છે.

રોકાણકારોએ આ મુદ્દે વિચારવું રહ્યું...
સ્પેસએક્સનો આ આઈપીઓ જેટલો આકર્ષક અને લોભામણો દેખાય છે, તેમાં એટલા જ મોટા બે ગેરલાભ કહો કે મર્યાદા પણ છે. રોકાણકારોએ આ મુદ્દે જરૂર વિચારવું પડશે: એક તો, અતિશય ઊંચું મૂલ્યાંકન (ઓવરવેલ્યુએશન): વર્ષ 2025માં કંપનીની અંદાજિત આવક 18.7 બિલિયન ડોલર છે, જેની સામે 1.75 ટ્રિલિયન ડોલરનું મૂલ્યાંકન માંગવામાં આવી રહ્યું છે. આનો અર્થ એ થયો કે કંપની 90 ગણાથી વધુના પ્રાઇસ-ટુ-સેલ્સ (P/S) રેશિયો પર લિસ્ટ થશે. એપલ કે એનવીડિયા જેવી જાયન્ટ કંપનીઓ પણ આટલા ઊંચા વેલ્યુએશન પર ટ્રેડ કરતી નથી. અને બીજું...
સુપર-વોટિંગ શેર્સનો પાવર: આઈપીઓ પછી પણ કંપનીનો 43 ટકા શેરહિસ્સો એલોન મસ્ક પાસે જ રહેવાનો છે. ‘સુપર-વોટિંગ શેર’ની સિસ્ટમને કારણે કંપનીના 80 ટકા વોટિંગ રાઇટ્સ મસ્ક એકલા જ નિયંત્રિત કરશે. મતલબ કે, સામાન્ય લોકો પૈસા આપીને શેરહિસ્સો તો મેળવશે પણ કંપનીના નિર્ણયો પર તેમનો કોઈ હક કે કંટ્રોલ રહેશે નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter