સ્પેસએક્સનું અર્થતંત્ર, નેતૃત્વ અને મસ્કની ભૂમિકા

Wednesday 27th May 2026 05:02 EDT
 
 

વોશિંગ્ટનઃ સ્પેસએક્સના આઇપીઓ સાથે જ એલોન મસ્ક વિશ્વના પ્રથમ ટ્રિલિયોનેર બની શકે છે. જો કંપનીનું વેલ્યુએશન 1.75 ટ્રિલિયન ડોલર સુધી પહોંચે, તો મસ્કનો શેરહિસ્સો જ લગભગ 850 બિલિયન ડોલરથી વધુનો થઈ શકે છે. કંપનીએ નાસ્ડેકમાં લિસ્ટ થવાની યોજના રજૂ કરી છે. આ સાથે જ કંપનીની ફાઇનાન્સ-લીડરશિપ જેવી અન્ય માહિતી પ્રથમ વખત જાહેર થઇ છે. આઈપીઓ બાદ પણ મસ્ક પાસે લગભગ 85 ટકા વોટિંગ પાવર રહેશે એટલે કંપની પર તેમનું સંપૂર્ણ નિયંત્રણ યથાવત રહેશે.

મસ્ક કેવી રીતે બનશે ટ્રિલિયોનેર?

સ્પેસએક્સે પોતાની વેલ્યુએશન 1.25 ટ્રિલિયન ડોલર આંકી છે. બીબીસી અનુસાર, આ વેલ્યુએશનથી સ્પેસએક્સમાં મસ્કની બહુમતી હિસ્સેદારીની કિંમત 600 બિલિયન ડોલરથી વધુ હોઈ શકે છે. તેમની વર્તમાન સંપત્તિ અને આ લિસ્ટિંગને ભેળવીને મસ્કની કુલ નેટવર્થ 1 ટ્રિલિયન ડોલરના આંકડાને પાર કરી શકે છે. ઉલ્લેખનીય છે કે ફોર્બ્સ બિલિયોનેર્સ લિસ્ટ અનુસાર, હાલમાં મસ્ક 807 બિલિયન ડોલર એટલે કે 77 લાખ કરોડ રૂપિયાની નેટવર્થ સાથે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે. મસ્ક ગયા વર્ષે જ 500 બિલિયન ડોલરની નેટવર્થ પાર કરનાર વિશ્વના પ્રથમ વ્યક્તિ બન્યા હતા. વળી, તેઓ ઇલેક્ટ્રિક વ્હીકલ કંપની ટેસ્લાના સીઇઓ પણ છે. સ્પેસએક્સમાં કોમન શેર્સ અને ક્લાસ-બી શેર્સના કોમ્બિનેશન દ્વારા મસ્ક પાસે 85.1 ટકા વોટિંગ પાવર છે.

પહેલી વાર જાહેર થયું લીડરશિપ સ્ટ્રક્ચર

આઇપીઓ ફાઇલિંગ સાથે જ સ્પેસએક્સના લીડરશિપ અને ઓનરશિપ સ્ટ્રક્ચરનો પહેલીવાર ખુલાસો થયો છે. મસ્ક કંપનીના ચેરમેન તરીકે કામ કરે છે, ઉપરાંત પ્રેસિડેન્ટ અને ચીફ ઓપરેટિંગ ઓફિસર ગ્વિન શોટવેલ બોર્ડમાં સામેલ છે. અન્ય ડિરેક્ટર્સમાં ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર બ્રેટ જ્હોન્સન, વેન્ચર કેપિટાલિસ્ટ રેન્ડી ગ્લેન, સ્ટીવ જર્વિટસન, લ્યુક નોઝેક, ઇરા એહરેનપ્રેઇસ, પ્રાઇવેટ ઇક્વિટી એક્ઝિક્યુટિવ એન્ટોનિયો ગ્રાસિયસ અને ગૂગલ એક્ઝિક્યુટિવ ડોનાલ્ડ હેરિસનનો સમાવેશ થાય છે.

મસ્કનું માર્સ મિશન અને સેલરીની શરતો

મસ્કને 2019થી દર વર્ષે 54,080 ડોલરનો ફિક્સ પગાર મળી રહ્યો છે. જોકે, સ્પેસએક્સે જણાવ્યું હતું કે મસ્કને 66,666,665 (6.66 કરોડ) શેર્સના 15 હપ્તા મળી શકે છે. શરત એ છે કે કંપની શેરબજારમાં 500 બિલિયન ડોલરના વધારા સાથે 7.5 ટ્રિલિયન ડોલરના વેલ્યુએશનના લક્ષ્યને સ્પર્શે અને ઓછામાં ઓછા 10 લાખ રહેવાસીઓ સાથે મંગળ ગ્રહ (Mars) પર એક કાયમી માનવ વસાહત સફળતાપૂર્વક સ્થાપિત કરે. આ બન્ને શરતો પૂરી થશે અને મસ્ક કંપનીમાં કાર્યરત રહેશે ત્યારે જ મસ્કને આ શેર્સ આપવામાં આવશે. આ ઉપરાંત, આ વર્ષની શરૂઆતમાં xAI સાથે મર્જર પછી, સ્પેસએક્સે AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) બિઝનેસમાંથી મસ્કની જૂની વળતર વ્યવસ્થાને 302 મિલિયન શેર્સના નવા એવોર્ડથી બદલી દીધી છે. આ એવોર્ડ ભવિષ્યના વેલ્યુએશન ટાર્ગેટ્સ અને વાર્ષિક 100 ટેરાવોટ કમ્પ્યુટિંગ પાવર પ્રદાન કરતા ડેટા સેન્ટર્સ લોન્ચ કરવા સાથે સંબંધિત છે.

એઆઇ, સ્ટારલિંક અને પૃથ્વીની બહાર જીવન પર ફોકસ

મસ્કે 2002માં સ્પેસએક્સની શરૂઆત એક રોકેટ કંપની તરીકે કરી હતી, જેણે 2021માં સ્ટારલિંક સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ લોન્ચ કરીને ટેલિકમ્યુનિકેશનમાં વિસ્તરણ કર્યું. કંપનીએ તેના 277 પાનના પ્રોસ્પેક્ટસમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), સેટેલાઇટ કનેક્ટિવિટી અને સ્પેસ એક્સપ્લોરેશન પર ફોકસને લઈને એક મહત્ત્વાકાંક્ષી લોંગ-ટર્મ વિઝન રજૂ કર્યું છે. કંપનીએ જણાવ્યું છે કે તેનું મિશન જીવનને મલ્ટિપ્લેનેટરી બનાવવું અને બ્રહ્માંડની વાસ્તવિક પ્રકૃતિને સમજવાનું છે. સ્પેસએક્સ સ્ટારલિંક નેટવર્ક માટે ઝડપથી સેટેલાઇટ્સ બનાવવાનું અને લોન્ચ કરવાનું ચાલુ રાખશે. સાથે જ તેનો ઉદ્દેશ્ય સૂર્યની ઊર્જાનો ઉપયોગ કરીને એક ટ્રુથ-સીકિંગ એઆઇને પાવર આપવાનો છે, જે સાયન્ટિફિક ડિસ્કવરીને આગળ વધારી શકે અને ચંદ્ર પર એક બેઝ અને અન્ય ગ્રહો પર શહેરોનું નિર્માણ કરી શકે.

28.5 ટ્રિલિયન ડોલરની મોટી માર્કેટ તક

કંપનીએ રોકાણકારોને જણાવ્યું કે તે અંતરિક્ષ ક્ષેત્રે 28.5 ટ્રિલિયન ડોલરની સંભવિત બજાર તક જુએ છે. આ બજારમાં સ્પેસ-ઇનેબલ્ડ સોલ્યુશન્સમાં 370 બિલિયન ડોલર, સ્ટારલિંક સેટેલાઇટ્સ દ્વારા કનેક્ટિવિટી સર્વિસીસમાં 1.6 ટ્રિલિયન ડોલર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે 26.5 ટ્રિલિયન ડોલરની બજાર તકનો સમાવેશ થાય છે. AI બિઝનેસમાં સ્પેસએક્સે અવકાશમાં ડેટા સેન્ટર્સ લોન્ચ કરવાથી 2.4 ટ્રિલિયન ડોલર, સંભવિત ગ્રાહક સબ્સ્ક્રિપ્શન્સથી 760 બિલિયન ડોલર, ડિજિટલ એડવર્ટાઇઝિંગથી 600 બિલિયન ડોલર અને એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન્સથી 22.7 ટ્રિલિયન ડોલરની આવકનો અંદાજ લગાવ્યો છે.

સ્પેસએક્સની સંપત્તિ અને સરવૈયું

સ્પેસએક્સના ટૂંકા નામે જાણીતી સ્પેસ એક્સપ્લોરેશન ટેકનોલોજીસ કોર્પોરેશને ગયા વર્ષે 18.6 બિલિયન ડોલરની આવક રળી હતી, જ્યારે 4.9 બિલિયન ડોલરનું ચોખ્ખું નુકસાન થયું હતું.
કંપનીની બેલેન્સ શીટ દર્શાવે છે કે તેની પાસે રોકેટ અને અન્ય સાધનો સહિત 102 બિલિયન ડોલરની સંપત્તિઓ છે, જ્યારે તેના પર 60.5 બિલિયન ડોલરનું દેવું (ડેબ્ટ) છે. AI અને સેટેલાઇટ ઓપરેશન્સના વિસ્તરણને કારણે સ્પેસએક્સના ખર્ચા ઝડપથી વધ્યા છે. કંપનીએ ગયા વર્ષે 20.7 બિલિયન ડોલર ખર્ચ્યા હતા, જેમાંથી 12.7 બિલિયન ડોલર માત્ર AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ થયા છે. જ્યારે કે 4.2 બિલિયન ડોલર સ્ટારલિંક પર અને 3.8 બિલિયન ડોલર રોકેટ તથા અન્ય સ્પેસ વેન્ચર્સ પર ખર્ચ કરાયા છે. આ ખર્ચ 2024માં થયેલા 11.2 બિલિયન ડોલરના ખર્ચ કરતાં લગભગ બમણો છે. આ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં સ્પેસએક્સ પહેલેથી જ 10.1 બિલિયન ડોલર ખર્ચ કરી ચૂક્યું છે, જેમાં AI સંબંધિત પ્રોજેક્ટ્સ પર ખર્ચ થયેલા 7.7 બિલિયન ડોલર શામેલ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter