સ્વીડને લોકડાઉન વિના પણ કોરોના મહામારીનો સામનો કર્યો

સોશિયલ ડિસ્ટન્સિંગ અને હાથ ધોવા અને વ્યક્તિગત જવાબદારી પર વધુ ભાર

Saturday 25th April 2020 01:03 EDT
 
 

લંડનઃ યુરોપમાં યુકે સહિત લગભગ તમામ દેશોમાં લોકડાઉન છે છતાં, કોરોના મહામારીથી ઈન્ફેક્શન અને મોતની સંખ્યા વધતી જાય છે. એક માત્ર સ્વીડનમાં શરૂઆતથી જ લોકડાઉન ન હોવાં છતાં અન્ય દેશોની સરખામણીએ વધુ સારી સ્થિતિ છે. સ્વીડનમાં પ્રતિ એક મિલિયનની વસ્તીએ દૈનિક સરેરાશ ૫૩ કોરોના કેસ જોવા મળે છે, જેનું યુકેમાં વર્તમાન પ્રમાણ ૬૬નું છે. સ્વીડને સોશિયલ ડિસ્ટન્સિંગ અને હાથ ધોવા અને વ્યક્તિગત જવાબદારી પર વધુ ભાર મૂક્યો છે.

બ્રિટનની સરખામણીએ સ્વીડનમાં કોરોના વાઈરસના કેસીસ વધવાની ઝડપ ઘણી ઓછી રહી છે અને દેશની આર્થિક હાલતનું પતન લાવનારા લોકડાઉન વિના આમ થયું છે. યુકેમાં કોરોના વાઈરસથી ૧૮,૧૦૦ અથવા પ્રતિ મિલિયન આશરે ૨૮૩ મોતની સરખામણીએ સ્વીડનમાં કુલ મૃતાંક ૨,૦૨૧ અથવા પ્રતિ મિલિયન આશરે ૧૯૫ રહ્યો છે તે સૂચક ગણી શકાય. વડા પ્રધાન બોરિસ જ્હોન્સને લોકડાઉનની જાહેરાત કરી તેના પાંચ દિવસ ૨૮ માર્ચ પછી બ્રિટનના કેસીસની સરેરાશનો ગ્રાફ ૯૮૦ સુધી ઊંચો ગયો હતો. સ્વીડનનો સર્વોચ્ચ દર ૭૫૧ રહ્યો છે.

સ્વીડને લોકડાઉન જાહેર કર્યા વિના જ વ્યક્તિગત જવાબદારી પર વધુ ભાર મૂક્યો હતો. તેની દલીલ હતી કે સ્વૈચ્છિક સામાજિક અંતર જાળવવાના પગલાં વધુ ટકાઉ નીવડશે કારણકે લોકો તેને લાંબા સમય સુધી સ્વીકારશે. બ્રિટનમાં બિઝનેસીસ ઠપ છે તેની સરખામણીએ સ્વીડનમાં સૌથી ખરાબ હાલતમાં મૂકાયેલી રાજધાની સ્ટોકહોમમાં દુકાનો, બાર અને રેસ્ટોરાં ખુલ્લા જ રહ્યાં હતાં.

ઓક્સફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર કાર્લ હેનેગાનનું કહેવું છે કે માર્ચની મધ્યમાં બ્રિટને લોકડાઉન વિના હેન્ડ વોશિંગ અને સોશિયલ ડિસ્ટન્સિંગને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો ત્યારે રોગચાળો તેના શિખર પરથી નીચે આવવાની શરૂઆત થઈ હતી. હવે કોરોનાની નુકસાનકારી અસરો કરતાં લોકડાઉનની ખરાબ અસર વધી રહી હોવાની ચેતવણી તેમણે આપી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter