હવે ગાંધીજીને વધુ જાણો અને માણો આંગળીના ટેરવે

વિરેન વ્યાસ Thursday 09th April 2015 06:39 EDT
 
 

અમદાવાદઃ આધુનિક ટેક્નોલોજીના જમાનામાં ‘વિશ્વમાનવ’ મહાત્મા ગાંધી પણ હવે ડિજિટલ સ્વરૂપ પામ્યા છે. અમદાવાદના સાબરમતી આશ્રમ પ્રીઝર્વેશન અને મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા થોડા સમય અગાઉ ગાંધી હેરિટેજ અંગેનું પોર્ટલ-gandhiheritageportal.org લોન્ચ કરવામાં આવ્યું છે, જેનું લોકાર્પણ તત્કાલીન વડા પ્રધાન ડો. મનમોહન સિંહે નવી દિલ્હીમાં કર્યું હતું. આ અનોખા પોર્ટલમાં ગાંધીજી વિષેની અધિકૃત અને વિશ્વાસપાત્ર માહિતી તેના પર ક્લિક કરતાં જ ગણતરીની ક્ષણોમાં ઉપલબ્ધ બને છે. આ પોર્ટલના પ્રોજેક્ટ ડાયરેક્ટર અને જાણીતા કોમ્યુનિકેશન નિષ્ણાત બી. એસ. ભાટિયાએ જણાવ્યું હતું કે, ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયના સહકારથી શરૂ થયેલા આ પોર્ટલમાં ગાંધીજીને સંલગ્ન લગભગ તમામ પ્રવૃત્તિ-કાર્યને આવરી લેવાનો પ્રયાસ થયો છે, જેમાં અલભ્ય ફોટોગ્રાફ્સ, વીડિયો, ગાંધીજીનો અવાજ, તેમના લખાણો વગેરે જોવા-સાંભળવા મળે છે. આ પોર્ટલમાં આવરી લેવાયેલી તમામ માહિતી-ફોટો-વીડિયો-અવાજ, લખાણો વગેરે સત્તાવાર હોવાથી તેની અધિકૃતતાનો પ્રશ્ન ઊભો થતો નથી.

આ પોર્ટલના મુખ્ય સંપાદક ત્રિદીપ સૃહદ કહે છે કે, અમને ગાંધીજી અંગેની માહિતી વિશ્વના કોઇ પણ ખૂણામાં હોય ત્યાંથી મેળવવાનો પ્રયાસ કરીએ છીએ. આ પોર્ટલમાં ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં શરૂ કરેલા ‘ઇન્ડિયન ઓપિનિ.યન’ અખબારના બાકીના પ્રકાશનો મેળવવા માટે ત્યાંની સરકાર સાથે કેન્દ્રએ કરાર કર્યા છે. આ પોર્ટલ પર અત્યારે દર મહિને પાંચથી દસ હજાર પેજ અપલોડ થાય છે, જેની સંખ્યા અંદાજે સાડા સાત લાખ પેજ પર પહોંચી છે, જે વધતી રહેશે.. અહીં મુકાયેલી તમામ માહિતીની ગાંધીજી વિષેના નિષ્ણાત અભ્યાસુ દ્વારા પહેલા ચકાસણી થાય છે.

આ પોર્ટલના મુખ્ય ટેકનિકલ અધિકારી વિરાટ કોઠારી કહે છે કે, ટેક્નોક્રેટ સેમ પિત્રોડા, ઇન્ફોસિસ અને તેના સ્થાપક નારાયણમૂર્તિના માર્ગદર્શનથી શરૂ થયેલી આ સાઇટને વિકસાવવામાં ૨૨ લોકોએ સહકાર આપ્યો છે. ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ભાષામાં તૈયાર થયેલી આ વેબસાઇટ ક્યારેય હેક ન થઇ શકે તે રીતે સુરક્ષિત બનાવવામાં આવી છે. સાઇટના ઉપયોગમાં અડચણ ન આવે અને તેની ઝડપ જળવાઇ રહે તેવા પગલા લેવાયા છે. 

આ પોર્ટલમાં શું જોવા-જાણવા મળશે

ગાંધીજીનું જીવન

  • જીવન, કૂચ, ઉપવાસ, જેલવાસ, યાત્રા, સત્યાગ્રહ, હુમલા અને હત્યા

    ગાંધીજીનો અક્ષરદેહ

    મહાત્મા ગાંધીના બીજ ગ્રંથ

  • હિન્દ સ્વરાજ, દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ, સત્યના પ્રયોગો અથવા આત્મકથા, અનાસક્તિયોગ, રચનાત્મક કાર્યક્રમ તેનું રહસ્ય અને સ્થાન

  • ગાંધીજીનું વંશવૃક્ષ

  • ગાંધીજીની દિનવારી, ઘટનાક્રમ

  • ગાંધીજી પરના કાર્ટૂન, પોસ્ટર, ટિકિટ વગેરે


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter