૧૯૮૬માં મુંબઈ એરપોર્ટ પર સી.બી. પટેલની નવ કલાકની અટકાયત

ડો.અરુણ જે. ત્રિવેદી Monday 29th December 2014 06:35 EST
 

ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા (તા.૨૯-૧૧-૧૯૮૬)ના પ્રથમ પાને પ્રકાશિત સમાચાર જ એક રીતે પૂર્ણ માહિતી આપે છે. સી.બી. પટેલ અંગત રીતે તમારા અને મારા જેવી સામાન્ય વ્યક્તિ હોવાની સાથોસાથ એક સાથે ત્રણ અલગ વ્યક્તિત્વ ધરાવે છે. તેઓ ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના પ્રકાશક અને તંત્રીની આગવી જવાબદારીઓ સંભાળવાની સાથે જ સમુદાયના અનેક સંગઠનોમાં પણ સંકળાયેલા છે, જ્યાં તેઓ સ્પષ્ટપણે પોતાની મનની વાત કહેવાની તેમ જ આવશ્યક જણાય ત્યાં યોગ્ય દૃષ્ટિબંદુ વ્યક્ત કરવાની ફરજનિષ્ઠાથી બંધાયેલા છે.

પૂર્વ વરિષ્ઠ રાજદ્વારી અને ભારતના વડા પ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધીનાં રહસ્યસચિવ તથા યુકેસ્થિત તત્કાલીન ભારતીય હાઈ કમિશનર ડો.પી.સી. એલેકઝાન્ડરે પોતાની જાહેર સેવાઓ વિશે નોંધપાત્ર પુસ્તક લખ્યું છે. આ પુસ્તકમાં તેમણે ૧૯૮૬માં ૨૮ નવેમ્બરે મુંબઈ એરપોર્ટ ખાતે સી.બી. પટેલની ૯ કલાકની આશ્ચર્યકારક અને આઘાતપૂર્ણ અટકાયતની ઘટના વિશે ત્રણ પાના ફાળવ્યા છે.

કેટલીક તકવાદી વ્યક્તિઓએ સરદાર વલ્લભભાઈ પટેલની યાદગીરીમાં અયોગ્ય કહી શકાય તેવા જાહેર કાર્યક્રમનું આયોજન કર્યું હતું તેના વિરોધમાં લંડનમાં માર્ચ, ૧૯૮૬માં જાહેર વિશાળ વિરોધ પ્રદર્શન યોજાયું હતું તેનો ઉલ્લેખ ડો. એલેકઝાન્ડરે આ પુસ્તકમાં કર્યો છે. આ વિરોધ પ્રદર્શનમાં સી.બી. પટેલની અગ્ર ભૂમિકા રહી હતી.

લંડનસ્થિત એક વ્યક્તિએ નવી દિલ્હીના સત્તાવાળાઓને ખોટી અને ગેરમાર્ગે દોરતી માહિતી પૂરી પાડી હતી, જેના પરિણામે સી.બી. પટેલની અટકાયત થઈ હતી. લંડનમાં ભારતીય હાઈ કમિશનરને સી.બી.ની અટકાયત વિશે જાણ થતાં જ તેમણે તત્કાળ દિલ્હીમાં સર્વોચ્ચ સત્તાવાળાઓનો સંપર્ક સાધ્યો હતો અને પરિણામે સી.બી. પટેલની મુક્તિના આદેશ અપાયા હતા. મેં આ હકીકત મારા ગત લેખમાં જણાવી હતી.

લંડનસ્થિત એક ગુજરાતી પ્રકાશને ૧૯૮૬ની ૬ અને ૧૩ ડિસેમ્બરે ગુજરાતી અને ઈંગ્લિશમાં અનેક લેખો પ્રસિદ્ધ કર્યાં હતાં, જેમાં એમ સૂચવાયું હતું કે ભારતીય રાષ્ટ્રભક્ત હોવાનો દાવો કરતા સી.બી. પટેલ વાસ્તવમાં સંપૂર્ણપણે બિનવફાદાર અને દેશદ્રોહી હતા, જેઓ પોતાના અખબારોમાં ભારતવિરોધી અને પાકિસ્તાનતરફી તેમ જ પંજાબમાં સ્વતંત્ર ખાલિસ્તાનની માગણી કરતા અલગતાવાદીઓની ચળવળ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા લેખો પ્રસિદ્ધ કરતા હતા.

દેખીતી રીતે જ આવા આક્ષેપો તદ્દન અસત્ય અને તથ્યહીન હતાં. સંબંધિત એડિટર વિરુદ્ધ રોયલ કોર્ટ ઓફ જસ્ટિસમાં સી.બી. પટેલનો વિજય થયો હતો. અને તે ગુજરાતી સાપ્તાહિક અખબારે આવાં બદનક્ષીપૂર્ણ અને સંપૂર્ણ અસત્ય લેખો બદલ બિનશરતી માફી માગવી પડી હતી. એડિટર અને તેમના અખબારે આક્ષેપો બિનશરતી પાછા ખેંચ્યા એટલું જ નહિ, તેમના કારણે સી.બી. પટેલને સહન કરવા પડેલા માનસિક ત્રાસ અને ક્ષોભ બદલ માફી માગી હતી. તેઓ નોંધપાત્ર વળતર અને કાનૂની ખર્ચા ચુકવવા પણ સંમત થયા હતા. બદનક્ષીની આવી કાનૂની કાર્યવાહીનું સંપૂર્ણ બિલ આશરે ૨,૦૦,૦૦૦ પાઉન્ડ હોઈ શકે.

(નોંધ: ૧૯૮૬માં ‘મુંબઇ એરપોર્ટ પર સીબીની અટકાયત’ વિષે ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઇસ’માં પ્રકાશિત થયેલા અહેવાલને વાંચીને ઘણાં બધા વાચક મિત્રોએ પત્ર અને ફોન દ્વારા પોતાના અભિપ્રાયો વ્યક્ત કર્યા હતા. વાચક મિત્રોની લાગણી પણ સમજી શકાય તેમ છે. ગત તા. ૨૦ ડિસેમ્બર, ૨૦૧૪ના અંકમાં સ્થળસંકોચના કારણે પ્રકાશિત ન કરી શકાયેલા લેખનો આ બીજો ભાગ આ અંકમાં પ્રસિદ્ધ કરાયો છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter