૮૦ ટકા બ્રિટિશરના મતે સામાન્ય જીવન હાલ સલામત નથી

Monday 20th April 2020 21:24 EDT
 

લંડનઃ બ્રિટનમાં કોરોના વાઈરસનો કહેર વધી રહ્યો છે ત્યારે લોકડાઉન હળવું કરવાની માગણી વચ્ચે વધુ ત્રણ સપ્તાહ લંબાવી દેવાયું છે. આ સંજોગોમાં ૮૦ ટકા બ્રિટિશર લોકડાઉન હળવું કરવાની તરફેણમાં જણાતા નથી. એક સંશોધન અભ્યાસ અનુસાર પાંચમાંથી ચાર અથવા તો ૮૦ ટકા બ્રિટિશરો માને છે કે વર્તમાન પરિસ્થિતિમાં સામાન્ય જીવન તરફ વળવું સલામત નથી જ્યારે, ૬૦ ટકા લોકોએ જણાવ્યું હતું કે તેઓ ઘરની બહાર નીકળવાનું યોગ્ય માનતા નથી. બીજી તરફ, ૫૦ ટકા બ્રિટિશરોએ સ્વીકારી લીધું છે કે સોશિયલ ડિસ્ટન્સિંગના કઠોર નિયંત્રણો જૂન મહિના સુધી યથાવત રહેશે.

રેડફિલ્ડ એન્ડ વિલ્ટનના પોલમાં જણાયું છે કે સરકાર ઈચ્છે તો પણ બ્રિટિશરો કોરોના વાઈરસ લોકડાઉન ઉઠાવી લેવાય તે માટે તૈયાર નથી. પોલમાં ૩૭ ટકા લોકોએ જણાવ્યું હતું કે સરકારને જરૂરી લાગતું હોય તો તેઓ અમર્યાદિત ગાળા સુધી નિયમોનું પાલન કરવા તૈયાર છે. જોકે, ૪૩ ટકા મતદારે જણાવ્યું હતું કે આ કટોકટી તેમના માનસિક આરોગ્યને નુકસાન કરી રહી છે. NHS ને બચાવવા લોકોએ ઘરમાં જ રહેવું જોઈએ તેવા સરકારના અભિયાનને અભૂતપૂર્વ સફળતા સાંપડી હોવાનું આ પોલમાં જાણી શકાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter