‘બ્રિક્સ’માં ભારતનો કૂટનીતિક વિજયઃ પાક.પ્રેરિત આતંકની આકરી ટીકા

Wednesday 06th September 2017 10:02 EDT
 
 

શિયામેનઃ ચીનના શિયામેન શહેરમાં આયોજિત ‘બ્રિક્સ’ના ૯મા શિખર સંમેલનમાં સોમવારે જારી કરાયેલા જાહેરનામામાં પહેલી વાર પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનો લશ્કર-એ-તોયબા અને જૈશ-એ-મોહમ્મદનો ઉલ્લેખ કરાતાં પાકિસ્તાન અને તેને છાવરી રહેલા ચીનને મોટો ફટકો પડયો છે. ‘બ્રિક્સ’ દેશોએ જણાવ્યું હતું કે, આતંકી સંગઠનો તૈયાર કરતાં, આતંકી હુમલાઓને અંજામ આપતા અથવા તો આતંકી કૃત્યોને સહાય આપનારા તમામને આતંકવાદ માટે જવાબદાર ગણાવવા જોઇએ.
સોમવારે ‘બ્રિક્સ’ સંમેલનમાં વડા પ્રધાન મોદી, ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ, રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન, બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ માઇકલ તેમેર અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટપ્રમુખ જેકબ ઝુમાએ દુનિયામાં આતંક ફેલાવતા સંગઠનોની આકરી ઝાટકણી કાઢી હતી. તેમજ આતંકવાદ સામે એકસંપ થઇને લડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં ભારતનો મહત્ત્વનો રાજદ્વારી વિજય થયો હતો.
૪૩ પાનાના શિયામેન ડેક્લેરેશનમાં અફઘાનિસ્તાનની હિંસાનો તાત્કાલિક અંત લાવવા પર પણ ભાર મુકાયો હતો. સંમેલનમાં આતંકવાદના તમામ સ્વરૂપને વખોડી કઢાયાં હતાં. ‘બ્રિક્સ’ નેતાઓએ જણાવ્યું હતું કે, કોઇ પણ પ્રકારના આતંકવાદી કૃત્યને ઉચિત ગણાવી શકાય નહીં. ડેક્લેરેશનમાં જણાવાયું હતું કે, આતંકવાદને અટકાવવાની જવાબદારી તમામ દેશોની છે. આ માટે આંતરરાષ્ટ્રીય કાયદાના સિદ્ધાંતો પ્રમાણે આતંકવાદ સામે આંતરરાષ્ટ્રીય સહકાર કરવાની જરૂર છે.

વિકાસ માટે શક્તિશાળી ભાગીદારી જરૂરીઃ મોદી

બ્રિકસ’ દેશોના શિખર સંમેલનને સંબોધન કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસને વેગ આપવા ‘બ્રિક્સ’ દેશોમાં શક્તિશાળી ભાગીદારીનું આહવાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, બ્રિક્સે સહકાર માટેનું શ્રેષ્ઠ માળખું તૈયાર કર્યું છે. અનિશ્ચિતતા તરફ ધસી રહેલા વિશ્વમાં સ્થિરતા સ્થાપવા મહત્ત્વનું યોગદાન આપ્યું છે. ‘બ્રિક્સ’ દેશોમાં સહકારનો આધાર વેપાર અને અર્થતંત્ર છે. ‘બ્રિક્સ’ દેશો મધ્યે ડિજિટલ ઇકોનોમીમાં મજબૂત ભાગીદારી, પારદર્શકતાને પ્રોત્સાહન અને હાંસલ કરી શકાય તેવા વિકાસના લક્ષ્યાંકોમાં સહકાર વિકાસને વેગ આપી શકે છે.
વડા પ્રધાને ‘બ્રિક્સ’ બેન્કના સભ્ય દેશોને તેમની ક્ષમતાઓ મજબૂત બનાવવા અને ‘બ્રિક્સ’ના અનામત ભંડોળ તથા આંતરરાષ્ટ્રીય મુદ્દા ભંડોળ વચ્ચેના સહકારને પ્રોત્સાહન આપવા જણાવ્યું હતું. મોદીએ સ્માર્ટ સિટી, શહેરીકરણ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં સહકારને વેગ આપવા પર ભાર મૂક્યો હતો. મોદીએ જણાવ્યું હતુંકે, ‘બ્રિક્સ’ સંગઠન ગરીબી નાબૂદી, આરોગ્ય સેવાઓ, સેનિટેશન, કૌશલ્યવિકાસ, ખાદ્યસુરક્ષા, લિંગસમાનતા, ઊર્જા અને શિક્ષણ ક્ષેત્રે મહત્ત્વની કામગીરી બજાવી રહ્યું છે.

પરસ્પરના મતભેદો ભૂલીએઃ જિનપિંગ

ચીનના પ્રમુખ જિનપિંગે ‘બ્રિક્સ’ સમિટના પ્રારંભે વિવિધ દેશના વડાને સંબોધતા કહ્યું હતું કે, સભ્ય દેશોએ મતભેદોને અભેરાઈએ ચડાવી દેવા જોઈએ. એકબીજાની મુશ્કેલીઓ સમજીને પરસ્પરનો વિશ્વાસ વધારવા વ્યૂહાત્મક સંવાદ કરવો જોઈએ.
‘બ્રિક્સ’ના તમામ સભ્ય દેશો વચ્ચે સહકાર વધવો જોઈએ એ મુદ્દે ભાર મૂકતા જિનપિંગે કહ્યું હતું કે, એક ઊંચું બિલ્ડિંગ બાંધવાની શરૂઆત પાયો ખોદવાથી થાય છે. આપણે ‘બ્રિક્સ’ સમિટમાં ભાગીદારી કરીને પાયો ખોદી નાંખ્યો છે. ‘બ્રિક્સ’માં એક દેશ નહીં પણ ચર્ચાવિમર્શ કર્યા પછી નિર્ણયો લેવાય છે. આપણે દરેક દેશના વિકાસના મોડેલનું સન્માન કરીએ છીએ, એકબીજાની ચિંતાઓ સમજીએ છીએ અને વ્યૂહાત્મક સંવાદ થકી પરસ્પરનો વિશ્વાસ વધારીએ છીએ.

પાકિસ્તાને ‘બ્રિક્સ’નું નિવેદન ફગાવ્યુંૉ

પાકિસ્તાનની ધરતી પર સક્રિયા આતંકવાદી સંગઠનો પ્રાદેશિક સુરક્ષા માટે ચિંતાનો વિષય છે તેવા ‘બ્રિક્સ’ દેશોના નિવેદનને મંગળવારે પાકિસ્તાને નકારી કાઢયું હતું. પાકિસ્તાનના સંરક્ષણપ્રધાન ખુર્રમ દસ્તગીરે જણાવ્યું હતું કે, પાકિસ્તાનમાં કોઇ આતંકવાદી સંગઠન સક્રિય નથી. ‘બ્રિક્સ’ના નિવેદનમાં જે સંગઠનોના નામ લેવાયાં છે તેમના કેટલાંક આતંકી નેતાઓ પાકિસ્તાનમાં છે પરંતુ અમે તેમની સાફસૂફી કરી રહ્યાં છીએ. પરંતુ પાકિસ્તાનમાં આતંકી સંગઠનોને સેફ હેવન આપવામાં આવે છે તેવા આરોપને અમે નકારી કાઢીએ છીએ. સોમવારે
પહેલીવાર ‘બ્રિક્સ’ના નિવેદનમાં પાકિસ્તાનની ધરતી પર સક્રિય એવા ભારત વિરોધી લશ્કર એ તોયબા અને જૈશ એ મોહમ્મદ જેવા આતંકી સંગઠનોના નામ લેવાયાં હતાં.

મોદીની સફળ નીતિ

મોદીની મુલાકાત પહેલાં ચીની મીડિયાએ ચેતવણીઓ ઉચ્ચારી હતી કે મોદી ‘બ્રિક્સ’ ખાતે આતંકવાદનો મુદ્દો ન ઉઠાવે. પરંતુ મોદીએ ‘બ્રિક્સ’ ખાતે પાક. પ્રેરિત આતંકનો મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો હતો. ‘બ્રિક્સ’ના નેતાઓ પણ આ કોરસમાં જોડાઇ ગયાં હતાં. જિનપિંગને પણ મોદીને સમર્થન આપવાની ફરજ પડી હતી.

ઘોષણાપત્રના મહત્ત્વના મુદ્દા

• ઓછામાં ઓછા ૧૭ વાર આતંકવાદ શબ્દનો ઉલ્લેખ કરાયો • કટ્ટરવાદ મુદ્દે કોન્ફરન્સનું આયોજન કરવા ભારતની ઓફર ૩. બધા દેશ આતંકવાદ સામેની લડાઈમાં સામુહિક અભિગમ અપનાવે. • કટ્ટરવાદ, આતંકવાદીઓની ભરતી અને વિદેશી આતંકવાદીઓને અટકાવો • આતંકવાદને ફન્ડિંગ કરતા સ્ત્રોતોને અટકાવાય ૬. આતંકી જૂથો દ્વારા થતા ઈન્ટરનેટના ઉપયોગ અટકાવાય
• યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલના ઠરાવોનો અસરકારક અમલ કરવામાં આવે.

ઘોષણાપત્રમાં આતંકી સંગઠનો

• લશ્કર-એ-તોયબા • જૈશ-એ-મોહમ્મદ
• તહરિક-એ-તાલિબાન પાકિસ્તાન • હિઝબ ઉત તહરિર • હક્કાની નેટવર્ક • તાલિબાન • અલ કાયદા • ઈસ્લામિક સ્ટેટ • ઈસ્ટર્ન તુર્કસ્તાન ઈસ્લામિક મુવમેન્ટ • ઇસ્લામિક મૂવમેન્ટ ઓફ ઉઝબેકિસ્તાન


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter