‘મોમ’નું મંગળ સાથે ઐતિહાસિક મિલન

Thursday 11th December 2014 11:09 EST
 
 

આ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બનવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળા, મુખ્ય પ્રધાન સિદ્ધારામૈયા સહિતના અગ્રણીઓ ‘ઈસરો’ના બેંગાલૂરુ સેન્ટરે ઉપસ્થિત રહ્યા હતા. મિશન સફળ થતાં જ વડા પ્રધાને ‘ઇસરો’ના ચેરમેન કે. રાધાકૃષ્ણનને ભેટીને અભિનંદન આપ્યા હતા.
સૂર્યમાળામાં પૃથ્વીથી સૌથી નજીકના ગ્રહ મંગળના બંધારણને પૃથ્વી સાથે ઘણું સામ્ય હોવાથી અંતરિક્ષ વિજ્ઞાનમાં મંગળ ગ્રહના અભ્યાસનું આગવું મહત્ત્વ છે. ભારતે પાંચમી નવેમ્બર, ૨૦૧૩ના રોજ માર્સ ઓર્બિટર મિશન (મોમ)ને રવાના કર્યું હતું, જે ૨૪ સપ્ટેમ્બરે સફળતાપૂર્વક મંગળની ભ્રમણ કક્ષામાં પહોંચ્યું છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ રશિયાએ ત્રણ વખત નિષ્ફળતા બાદ ચોથા મિશનમાં સફળતા મેળવી હતી. જ્યારે અમેરિકાની ‘નાસા’એ બીજા પ્રયાસે માર્સ મિશનમાં સફળતા મેળવી હતી. અત્યાર સુધીમાં માત્ર રશિયા, અમેરિકા અને યુરોપિયન યુનિયન જ મંગળ સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા. ભ્રમણ કક્ષામાં સ્થાન મેળવ્યાના બીજા જ દિવસે ‘મોમ’એ મંગળની તસવીર ‘ઇસરો’ને મોકલી હતી.
માર્સ મિશનમાં ગુજરાતનું પણ મહત્ત્વનું પ્રદાન રહ્યું છે. યાનમાં ઉપયોગમાં લેવાયેલા મહત્ત્વના સાધનો અમદાવાદ સ્થિત ‘ઇસરો’ ઉપરાંત ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (પીઆરએલ) અને સ્પેસ એપ્લીકેશન સેન્ટર (‘સેક’)માં બનાવાયા છે. આ ઉપરાંત કેટલાક ભાગ રાજકોટ અને સુરતની ખાનગી કંપનીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે.
૧૩૫૦ કિલોગ્રામના મંગળ યાનને મંગળ સુધી પહોંચવા માટે ૬૬.૬ કરોડ કિલોમીટરનો પ્રવાસ કરવો પડયો છે. મંગળ અને પૃથ્વી વચ્ચેનું સીધી લીટીનું અંતર તો ૨૨ કરોડ કિલોમીટર જેટલું જ છે. પરંતુ મંગળાનનો પ્રવાસ સીધી લીટીનો ન હોવાથી યાને ખાસ્સું લાંબુ અંતર કાપવુ પડયું હતું.
ભારત પહેલા એશિયામાંથી ચીન અને જાપાન પણ મંગળ પર પહોંચવા પ્રયાસ કરી ચૂક્યા હતાં, જેમાં તેમને નિષ્ફળતા મળી છે. ભારત કરતાં ટેકનોલોજી અને સાધન-સમૃદ્ધિમાં આગળ પડતાં આ દેશોની નિષ્ફળતા પછી ભારતને પ્રથમ પ્રયાસે સફળતા મળી એ ભારતીય વિજ્ઞાનીઓ ઉપરાંત સમગ્ર દેશ માટે મોટી ઉપલબ્ધિ છે.

ઐતિહાસિક ક્ષણ: વડા પ્રધાન
વડા પ્રધાને ભારતીય અંતરિક્ષ વિજ્ઞાનીઓની આ સિદ્ધિને બિરદાવતા કહ્યું હતું કે મંગળ મિશનની સફળતાને શબ્દોમાં વર્ણવવી અઘરી છે. આ ઐતિહાસિક ક્ષણે સફળતા કેમ, ક્યારે અને કેવી રીતે મળી તે જાણવા કરતાં સફળતાનો ગર્વ અનુભવવાનું દરેક ભારતવાસીને ગમશે. આજે મંગળ યાનને ‘ઇસરો’ના વૈજ્ઞાનિકોએ સફળતાપૂર્ક મંગળ ગ્રહની કક્ષામાં સ્થાપિત કરી દીધું. પ્રથમ જ પ્રયત્ને આ સફળતા હાંસલ કરનારો ભારત પ્રથમ દેશ બની ગયો છે. અમેરિકા સહિતના દેશો તેમના પ્રથમ પ્રયત્નમાં નિષ્ફળ જ રહ્યા છે. ભારતે લિક્વિડ એન્જિનની મદદથી મંગળ યાનને મંગળની કક્ષામાં સ્થાપિત કર્યું છે. સામાન્ય રીતે, ચંદ્ર સુધી પહોંચવા માટે આ ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે, પરંતુ આટલાં લાંબાં મિશન માટે ભારત પહેલાં અન્ય કોઈ પણ દેશે લિક્વિડ મોટર એન્જિનનો ઉપયોગ કર્યો નથી. ‘મોમ’નું મંગળ સાથે મિલન થઈ ગયું છે. આ પાર યા પેલી પાર જેવી આ સ્થિતિ હતી, કારણ કે તમામ કૌશલ્યો હોવા છતાં નાનકડી ભૂલ આ મિશનને નિષ્ફળ બનાવવા પૂરતી હતી.

મંગળ મિશનનો ઉદ્દેશ
ભારતના મંગળ યાનનો મુખ્ય ઉદ્દેશ મંગળની સપાટી પર ધાતુઓનું પ્રમાણ તપાસવાનો અને હવામાનનો અભ્યાસ કરવાનો છે. ખાસ કરીને મંગળ યાનમાં ફીટ થયેલા મિથેન સેન્સર દ્વારા મંગળ પર મિથેન વાયુ છે કે કેમ? છે તો કેટલો છે? અને ક્યાંથી આવ્યો છે? એ તપાસ કરવાની છે. જો મિથેનની હાજરી હોય તો મંગળ પર સુક્ષ્મ બેક્ટેરિયા સ્વરૂપે પણ જીવ હોવાની શક્યતા નકારી શકાતી નથી. મંગળ ભ્રમણ કક્ષામાં પહોંચ્યાની ૧૨મી મિનિટે ‘મોમ’ના સિગ્નલો ઓસ્ટ્રેલિયાના કેનબરામાં આવેલા ‘નાસા’ના સેન્ટર પર મળ્યા હતા. આ સંકેત મળતાં જ ‘ઈસરો’એ મિશનની સફળતાની ગૌરવપૂર્વક જાહેરાત કરી હતી.
સફળતા બાદ હવે શું?
મંગળ મિશનની સફળતાને પગલે ‘ઇસરો’ના વિજ્ઞાનીઓ મંગળનાં વાતાવરણનું અધ્યયન કરી શકશે. ભવિષ્યમાં મંગળ ગ્રહ પર મોકલવામાં આવનારાં માનવ મિશન માટે આ ખૂબ જ જરૂરી છે. મંગળના મિશનની સફળતાને પરિણામે અંતરિક્ષ કાર્યક્રમોમાં ભારતનો આત્મવિશ્વાસ વધ્યો છે. આમ હવે, અંતરિક્ષમાં માનવને મોકલવાનાં મિશન પર અમલ કરવાની દિશામાં કામ થશે. ૨૦૧૭ બાદ આ મિશન હાથ ધરાશે. ૨૦૨૦ સુધીમાં ‘ઈસરો’ અંતરિક્ષમાં માનવ સાથે યાન મોકલશે. આ યોજના પર આશરે ૧૨ હજાર કરોડ રૂપિયા ખર્ચાશે. ‘ઇસરો’ માટે ચંદ્રયાન-૨ અને અંતરિક્ષમાં માનવ મોકલવાનું મિશન હવે અઘરા નથી. ભવિષ્યમાં જો મંગળ ગ્રહ પર મિથેન, હાઇડ્રોજન અને અન્ય ખજાનાનો ભંડાર મળશે તો તેના પર અમેરિકા, રશિયા અને ભારતની દાવેદારી પણ હશે.

મંગળ મિશન પર એક નજર
• મંગળ પર પ્રથમ પ્રયાસે પહોંચનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ બન્યો • મંગળ પર પહોંચવાની સિદ્ધિ મેળવનાર પ્રથમ એશિયન દેશ • દુનિયામાં અમેરિકા, રશિયા અને યુરોપિયન યુનિયન બાદ ભારતને સફળતા સાંપડી • ૬૫ કરોડ કિમીની સફર પાર કરી યાને મંગળ ગ્રહની કક્ષામાં પ્રથમ પ્રયાસે પ્રવેશ કર્યો • વિશ્વનું આ સૌથી સસ્તું માર્સ મિશન છે, માત્ર ૪૫૦ કરોડ રૂપિયામાં પ્રોજેક્ટ સાકાર થયો
• હોલિવૂડની ફિલ્મ ‘ગ્રેવિટી’ પાછળ પણ મંગળ મિશન કરતાં વધુ ખર્ચ થયો છે • ખર્ચને દૃષ્ટિએ જોઇએ તો પ્રત્યેક ભારતીયના માથાદીઠ માત્ર ચાર રૂપિયાનો બોજ આવ્યો છે • ‘નાસા’ના મેવન યાને ગ્રહની કક્ષામાં પ્રવેશ કર્યાના ૪૮ કલાક બાદ ભારતીય મંગળ યાને પ્રવેશ કર્યો • મંગળ યાનને માત્ર ૧૫ મહિનામાં જ તૈયાર કરાયું છે, જેનું કદ નેનો કાર જેટલું છે • અત્યાર સુધીમાં ૪૧ મંગળ મિશનમાંથી માત્ર ૧૬ને જ સફળતા મળી છે • વિશ્વના ૨૫૦ વૈજ્ઞાનિકોની મંગળ યાન પર નજર • મંગળ યાનમાં લગાવાયેલા સાધનોનો ઉપયોગ હવામાન, જમીન, ખેતી, સંચાર ઉપગ્રહોની માહિતી મેળવવા થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter