નવી દિલ્હીઃ મુંબઈના 26/11ના ભીષણ આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ તહવ્વુર રાણાએ સનસનાટી ભરેલી કબૂલાત કરી છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) દ્વારા થઈ રહેલી પૂછપરછ દરમિયાન તહવ્વુર રાણાએ પાકિસ્તાનની સેનાનું નામ પણ લીધું છે. એનઆઇએની પૂછપરછમાં રાણાએ સ્વીકાર કર્યો છે કે તે પાકિસ્તાની સેનાનો વિશ્વાસપાત્ર એજન્ટ હતો અને મુંબઈ આતંકી હુમલામાં પણ સામેલ હતો. પાકિસ્તાની મૂળના અને કેનેડાના નાગરિક 64 વર્ષીય તહવ્વુર રાણાએ કબૂલાત કરી છે કે તેણે પાકિસ્તાન આયોજિત શિબિરમાં ભાગ લીધો હતો અને મુખ્યત્વે લશ્કર-એ-તોઇબાના જાસૂસી નેટવર્કમાં કામ કર્યું હતું.
આ કારણસર કાવતરામાં સામેલ
રાણાએ કહ્યું કે સેના છોડ્યા પછી તે જર્મની, બ્રિટન અને અમેરિકામાં રહેતો હતો. કેનેડામાં સ્થાયી થઈ મીટ પ્રોસેસિંગ, રિયલ એસ્ટેટ અને ગ્રોસરીનો વ્યવસાય શરૂ કર્યો હતો. તેણે 1986માં રાવલપિંડીની આર્મી મેડિકલ કોલેજમાંથી એમબીબીએસ કર્યા બાદ ક્વેટામાં પાક. આર્મીમાં કેપ્ટન ડોક્ટર તરીકે નિયુક્ત કરાયો હતો. સિયાચીનમાં ફરજ દરમિયાન ફેફસાંમાં પાણી ભરાઈ જવાની બીમારી બાદ ફરજ પરથી ગેરહાજર રહેતા સેનાએ તેને ભાગેડુ જાહેર કર્યો હતો. હેડલીએ તેને ખાતરી આપી હતી કે એ તેનો રેકોર્ડ ક્લિયર કરાવશે, પછી તે આતંકી કાવતરામાં જોડાયો હતો.
પાક. અધિકારીના નામ પણ આપ્યા
રાણાએ એનઆઈએની પૂછપરછમાં કબૂલ્યું હતું કે તે પાકિસ્તાની અધિકારીઓ સાજિદ મીર, અબ્દુલ રહેમાન પાશા અને મેજર ઇકબાલને ઓળખે છે. આ તમામ 26/11 હુમલાના કાવતરામાં સામેલ હતા.
મુખ્ય કાવતરાબાજ ડેવિડ હેડલી ઉર્ફે દાઉદ ગિલાનીના સહયોગી રાણાને યુએસ કોર્ટે પ્રત્યર્પણ વિરોધની અરજી ફગાવી દીધા પછી ભારત લવાયો છે. ગયા મે મહિનામાં અમેરિકાથી લવાયેલો રાણા હાલ એનઆઈએની ન્યાયિક કસ્ટડીમાં છે. તેના પર કાવતરું, હત્યા, આતંકવાદી પ્રવૃત્તિ જેવા ગંભીર આરોપો છે. દિલ્હીની એક કોર્ટે તેની ન્યાયિક કસ્ટડી 9 જુલાઈ સુધી લંબાવી છે.
હુમલાએ 166 લોકોનો ભોગ લીધો
26 નવેમ્બરના રોજ મુંબઈમાં થયેલા આતંકી હુમલામાં 166 નિર્દોષ નાગરિકો માર્યા ગયા હતા. રાણાએ તે વાત પણ સ્વીકારી છે કે હુમલા થયો ત્યારે તે મુંબઈમાં જ હતો. તેણે સીએસટી જેવાં સ્થાનોની રેકી કરી હતી. આ પૂર્વે હેડલીએ ઇમિગ્રન્ટ લો સેન્ટર નામની એક કંપનીના પ્રતિનિધિના રૂપમાં દિલ્હી, મુંબઈ, પુષ્કર, ગોવા સહિતનાં સ્થળોની મુલાકાત કરી હતી. કંપનીની સ્થાપનાનો વિચાર તેનો જ હતો. તે કંપની એક મહિલા ચલાવતી હતી.
સમુદ્રમાર્ગે આવ્યા હતા 10 આતંકી
પાકિસ્તાનથી સમુદ્રમાર્ગે આવેલા 10 આતંકીએ 26 નવેમ્બર 2008ના રોજ મુંબઈમાં ઘૂસીને એક રેલવે સ્ટેશન, બે લક્ઝરી હોટેલ અને એક યહૂદી કેન્દ્ર પર હુમલો કર્યો હતો. લગભગ 60 કલાક સુધી ચાલેલી વળતી કાર્યવાહીના અંતે માત્ર એક આતંકવાદી મોહંમદ અજમલ આમીર કસાબ જીવતો ઝડપાયો હતો.