બાળકોના મૃત્યુનો ભય માતા-પિતાને સતાવે છે
પ્રથમ વખત માતા-પિતા બનનારા દંપતીઓમાંથી અડધાથી વધારેને ભય રહે છે કે તેમનું સંતાન જો આખી રાત ઘોડિયામાં ઉંઘતું રહેશે તો કદાચ મૃત્યુ પામશે. તેને કારણે આવો ભય ધરાવનારા દંપતીઓ પોતાના સંતાનને છાતીએ વળગાડીને, સોફામાં પોતાની સાથે રાખીને ઉંઘે છે. જેથી પોતે પણ નિરાંતની ઉંઘ માણી શકે. લુલાબી ટ્રસ્ટ દ્વારા હાથ ધરાયેલા એક અભ્યાસમાં ૪૬ ટકા દંપતીઓએ સ્વીકાર્યું કે તેમને આ ભય રહે છે અને રાત્રે તેઓ પોતાના નાના બાળકોને એકલા નથી ઉંઘાડતા.
માન્ચેસ્ટરમાં વૃદ્ધો આરામથી રસ્તો પાર કરી શકશે
ટ્રાફિક સિગ્નલ ખાતે રસ્તો ઓળંગતી વખતે વૃદ્ધજનો સૌથી વધારે સમય લગાવતા હોવાનું જાણકારીમાં આવ્યા પછી માન્ચેસ્ટરમાં ટ્રાફિક લાઈટમાં ફેરફાર કરાયો છે. હવેથી અહીં લાલ લાઇટ વધારે સમય સુધી ચાલુ રહેશે જેથી વૃદ્ધજનો આરામથી રસ્તા પાર કરી શકે. પ્રાયોગિક ધોરણે માન્ચેસ્ટરમાં ૫૦ ક્રોસિંગ ખાતે આ સુવિધા ઉમેરાઈ છે. જે સફળ થશે તો આવનારા સમયમાં સમગ્ર ગ્રેટર માન્ચેસ્ટરમાં તેનો અમલ કરાશે.
બ્રાઉન ઈંડા નહીં ખાવા ખેડૂતોની વિનંતી
ખેડૂતો બ્રાઉન ઇંડા નહીં ખાવા માટે વિનંતી કરી રહ્યાં છે. પશુ કલ્યાણના હિતમાં તેમણે રજૂઆત કરી છે કે બ્રાઉનને બદલે સફેદ ઇંડા ખાવા જોઇએ. તેમણે દુકાનદારોને પણ રજુઆત કરી છે. જોકે સફેદ અને બ્રાઉન ઇંડામાં પોષણ સરખુ જ મળે છે. મરઘીની જાતિના આધારે ઇંડાનો રંગ નક્કી થાય છે. સામાન્ય રીતે સફેદ પીંછાવાળી મરઘી સફેદ ઇંડા અને બ્રાઉન રંગના પીંછાવાળી મરઘી બ્રાઉન રંગના ઇંડા મુકે છે. એક રજુઆત અનુસાર મરઘીની ચાંચ પર ઈન્ફ્રારેડ લેસર બીમનો મારો ચલાવવામાં આવે છે જેને કારણે તે બ્રાઉન રંગના ઇંડા આપી શકે.
હોસ્પિટલમાં પુત્રને મળવા પાર્કિંગ માટે £૫૦૦૦ ચૂકવ્યા
હોસ્પિટલમાં દાખલ પોતાના સંતાનને મળવા માટે દંપતીએ ૫૦૦૦ પાઉન્ડ પાર્કિંગ ફી તરીકે ચૂકવવા પડ્યા છે. લિંકનશાયરના લાઉથના જય અને જોસ્ટરમેનનો ૧૧ વર્ષીય દિકરો ડેર્સી લ્યુકેમિયાથી પિડાય છે અને શીફિલ્ડ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હોસ્પિટલમાં તેને મળવા જનારા આ દંપતી પાસેથી હોસ્પિટલવાળાઓએ ૩૦ મહિનામાં પાર્કિંગ ફી પેટે દરરોજ ૧૬ પાઉન્ડ લેખે કુલ ૫૦૦૦ પાઉન્ડ વસૂલ્યા છે.
ચીનમાં વિદેશીઓને નાગરિકતા સામે વિરોધ
વિદેશીઓને ચીનમાં વસવાટ સાથે નાગરિકતા આપવા સામે સ્થાનિકો દ્વારા વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. સરકાર આ બાબતે એક દરખાસ્ત લાવવાની છે, જેનો હેતુ ચીનમાં વિદેશથી મૂડીરોકાણ અને કૌશલ્ય ધરાવતા વિદેશી નાગરિકો ખાસ કરીને આફ્રિકન દેશોમાંથી લોકોને ચીનમાં સ્થાયી થવા આકર્ષવાનો છે. આ નવા સૂચિત કાયદા હેઠળ જે વિદેશી નાગરિકો એડવાન્સ ડિગ્રી ધરાવતા હશે અને એક મિલિયન પાઉન્ડથી વધારે મૂડીરોકાણ કરી શકે અથવા ચીનની નાગરિકતા ધરાવનાર વ્યક્તિ સાથે સાથે પાંચ વર્ષ કરતાં વધુ સમયથી લગ્રગ્રંથિથી જોડાયેલ હશે તેઓ ચીનમાં કાયમી નિવાસ માટે અરજી કરી શકશે.