સંઘપ્રદેશનો પત્ર (સંક્ષિપ્ત સમાચાર)

Friday 25th February 2022 09:02 EST
 

સંઘ પ્રદેશ દીવ - દમણ અને દાદરાનગર હવેલીના સંક્ષિપ્ત સમાચાર...

દમણમાં યોજાઇ ટી-૨૦ ક્રિકેટ ટૂર્નામેન્ટ

દમણઃ  સંઘ પ્રદેશ દાનહ-દમણ-દીવના રમત ગમત વિભાગ દ્વારા ૭૩ મા પ્રજાસત્તાક દિવસ અને દાનહ-દમણ-દીવના ત્રીજા એકીકરણ દિવસની ઉજવણી નિમિત્તે પ્રદેશનાં પ્રશાસક પ્રફુલભાઈ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ ૧૬ થી ૨૦ ફેબ્રુઆરી સુધી નાની દમણનાં સ્વામી વિવેકાનંદ ઓડીટોરીયમ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટી-૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજિત ટુર્નામેન્ટમાં કુલ ૮ ટીમો એ ઉત્સાહ ભેર ભાગ લીધો છે. જેમાં દમણ પોલીસ વિભાગ ટીમ, દમણ ઈન્ડસ્ટ્રીઝ એશો. ટીમ,  દમણ જિલ્લા પંચાયત ટીમ, સાંસદ ટીમ, વહીવટી તંત્રની ટીમ, હોટલ એશોશિયેશનની ટીમ, દમણ મ્યુનિસિપલ કાઉન્સિલની ટીમ તથા રમત ગમતના વડાઓની ટીમ એ ભાગ લીધો છે. ત્યારે આજરોજ થી શરૂ થયેલી ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદઘાટન યુવા કાર્યક્રમ અને રમત ગમત વિભાગનાં ડાયરેક્ટર અરૂણ ગુપ્તાના હાથે કરવામાં આવ્યું હતું. પ્રથમ મેચ દમણ પોલીસ વિભાગ અને દમણ ઈન્ડસ્ટ્રીઝ એશો. વચ્ચે રમાઈ હતી. જેમાં દમણ પોલીસે ટોસ જીતી બેટીંગ કરી ૨૧૪ રન બનાવ્યા હતા. જ્યારે દમણ ઈન્ડ. એશો. ની ટીમ ૯૫ રનમાં જ સમેટાઈ ગઈ હતી. મેન ઓફ ધી મેચ દિલિપ બામણીયા રહ્યા હતા. જેમને દમણ પોલીસ વિભાગનાં એસ.ડી.પી.ઓ. રજનીકાંત અવધિયાએ મેન ઓફ ધી મેચની ટ્રોફી આપી પ્રોત્સાહીત કર્યા હતા. 

દાનહ પોલીસે ૧.૨ કિલો ગાંજા સાથે ૨ આરોપીની કરી ધરપકડ

સેલવાસ:  દાદરા નગર હવેલી (દાનહ) પોલીસે ૧.૨ કિલો ગાંજા સાથે ૨ આરોપીની ધરપકડ કરી છે. પોલીસ વિભાગના વડા વિક્રમજીતસિંહના માર્ગદર્શન અને પોલીસ અધિક્ષક હરેશ્વર સ્વામીની દેખરેખ હેઠળ દાનહ પોલીસ સમગ્ર પ્રદેશમાં અવૈદ્ય રીતે વેચાતા માદક પદાર્થ પડકવાનું અને તેને વેચતા લોકોને પકડવાનું ઓપરેશન ચલાવી રહ્યા છે. ત્યારે આ ઓપરેશન અંતર્ગત સેલવાસના નરોલી વિસ્તારમાંથી પોલીસે ૧.૨૨૦ કિલો ગાંજો જપ્ત કર્યો હતો. અવૈદ્ય રીતે ગાંજાનો જથ્થો રાખવા બદલ મૂળ બિહારના અને હાલ અથાલ કચીગામ રોડ પાસે રહેતો ધરમનાથ રાજેન્દ્રપ્રસાદસિંહ અને નરોલી કુંભારવાડી પાસે રહેતા વિપુલ શંકરભાઈ પટેલની એનડીપીએસ એક્ટ હેઠળ ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દમણના રાજીવ ગાંધી સેતુ પુલ નજીકથી મળી લાશ

દમણ: સંઘ પ્રદેશ દમણનાં નાની દમણ એરપોર્ટ રોડ પાસે આવેલા અમર કોમ્પલેક્ષમાં વોચમેનનું કામ કરતો અને પત્ની અને બાળકો સાથે રહેતો ૪૨ વર્ષીય ભગતસિંહ જૌહરીને ૧૪ ફેબ્રુઆરીના રોજ અચાનક ચક્કર આવતા પરિવાર તેને મરવડ હોસ્પિટલમાં ઈલાજ માટે લઈ ગયા હતા. જ્યાં ઈલાજ દરમિયાન ભગતસિંહ માનસિક સંતુલન ખોઈ બેસતા તે જોર-જોરથી અવાજ કરવાની સાથે લવારે ચઢ્યો હતો અને હોસ્પિટલમાંથી ભાગી જવાની જીદે ચઢ્યો હતો. આથી હોસ્પિટલના કર્મચારીઓએ તેને મોડી રાત્રે જ ડિસ્ચાર્જ કરી દીધો હતો. મોડી રાત થઈ ગઈ હોવાથી કોઈ વાહન ન મળતાં ભગતસિંહ અને તેની પત્ની હોસ્પિટલ પરિસરમાં જ બેસી રહ્યા હતા. આ દરમિયાન ભગતસિંહની પત્નીને ઝોકું આવી જતાં ભગતસિંહ ભાગી ગયો.
પત્નીની આંખ ખુલી અને જોયું તો પતિ લાપતા હતો. તેણે પરિવારના અન્ય સદસ્યો સાથે દમણ તથા આસપાસના વિસ્તારોમાં શોધખોળ આદરી હતી, પરંતુ ભગતસિંહનો પત્તો લાગ્યો ન હતો. આખરે ૨૦ ફેબ્રુઆરીએ ભગતસિંહની લાશ રાજીવ ગાંધી સેતુ પુલ નજીક દમણગંગા નદી કિનારેથી સડેલી હાલતમાંથી મળી આવી હતી.

બે સિક્યુરિટી ગાર્ડ ચોરાઉ પ્લાસ્ટિક દાણા સાથે ઝડપાયા 

દમણ: સંઘ પ્રદેશ દમણ પોલીસ ૧૬ ફેબ્રુઆરીનાં રોજ મોડી રાતથી પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે મળસ્કે ૪-૩૦ કલાકની આસપાસ સ્કૂટર પર પ્લાસ્ટીકનાં દાણા ભરેલા બે થેલાઓ સાથે બે વ્યક્તિઓ જઈ રહ્યા હતા. જ્યાં પોલીસે તેમને રોકી જરૂરી પુછપરછ કરતાં તેઓ જવાબ ન આપતાં બન્નેને પોલીસ નાની દમણ પોલીસ મથકે લઈ જઈ સઘન પુછપરછ કરતાં તેમણે ૫૦ કિલો પ્લાસ્ટીકનાં દાણા મહીકા પેકેજીંગ કંપનીમાંથી ચોરી કરીને લાવ્યાનું જણાવ્યું હતું. આ બન્ને તે જ કંપનીમાં સિક્યુરિટી ગાર્ડનું કામ કરતા હતા. આ પછી પોલીસે નાની દમણના દૂનેઠામાં રહેતા અને મૂળ ઝારખંડના વતની ૨૧ વર્ષીય આનંદ દિગબ્બર રાણા અને રાજેન્દ્ર રામ પ્રસાદ હોપ  (ઝારખંડ)ની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter