સામાન્ય નાગરિકના જીવન અને વિચારની સુરક્ષા માટે અમે કટિબધ્ધ છીએ: મોદી

- કમલ રાવ Tuesday 17th November 2015 13:42 EST
 

'મારા બ્રિટનના આગમન પર કદી પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો નથી. હું ૨૦૦૩માં પણ યુકે આવ્યો હતો અને તે પછી સમયના અભાવના કારણે આવી શક્યો નથી. ભારત ગૌતમ બુધ્ધ અને મહાત્મા ગાંધીની ધરતી છે અને અમારા સંસ્કારોમાં અને રગોમાં સમાજના મૂળભૂત મૂલ્યો વિરુધ્ધની કોઇ વાતને અમે સ્વીકારતા નથી. ભારતના કોઇ પણ ખૂણામાં બનતી એક, બે કે ત્રણ ઘટના અમારા સવાસો કરોડની વસતી ધરાવતા દેશ માટે ગંભીર છે અને અમે તેને સહન કરીશું નહિં. કાનૂન કઠોરતાથી તે ઘટના પર કામ કરશે. ભારત એક વાઇબ્રન્ટ લોકશાહી છે અને સંવિધાન મુજબ સામાન્ય નાગરિકના જીવન અને વિચારની સુરક્ષા માટે અમે કટિબધ્ધ છીએ' એમ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ લંડન સ્થિત ફોરેન એન્ડ કોમનવેલ્થ અોફિસ ખાતે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું.

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને બ્રિટનના વડાપ્રધાન ડેવિડ કેમરનની સંયુક્ત પત્રકાર પરિષદ દરમિયાન ગુજરાતના ગોધરા કાંડના રમખાણોથી લઇને અન્ય બાબતો પર પ્રશ્નો થયા હતા. વડાપ્રધાન ડેવિડ કેમરને જણાવ્યું હતું કે 'વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરતા મને બહુ જ આંનંદ થઇ રહ્યો છે. તેઅો વિશાળ જનાદેશ સાથે ભારતમાં ચૂંટાઇ આવ્યા છે અને પહેલા જે કાંઇ થયું તેના પર ભારતમાં કાયદેસર કાર્યવાહી થઇ ચૂકી છે અને અમે હવે ભવિષ્ય બાબતે વિચાર વિમર્શ કરી રહ્યા છીએ.'

વડાપ્રધાન ડેવિડ કેમરને પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે 'વડાપ્રધાન પદે આરૂઢ થયા બાદ શ્રી મોદી પ્રથમ વખત યુકેની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે હું તેમનું સ્વાગત કરતા ખૂબજ આનંદ અનુભવું છું. છેલ્લા દસકામાં યુકેની મુલાકાત લેનાર તેઅો પ્રથમ ભારતીય વડાપ્રધાન છે. બન્ને દેશો વચ્ચેના સંબંધોને સુદ્રઢ કરવાના આ નવો અધ્યાય છે. બન્ને દેશ કુદરતી રીતે જ ભાગીદાર છે. દુનિયાની સૌથી જુની લોકશાહી અને વિશ્વની સૌથી વિશાળ લોકશાહી દેશ તરીકે અમે સરખા મુલ્યો ધરાવીએ છીએ અને ભારતના ૧.૫ મિલિયન લોકો આ દેશમાં રહે છે. ૨૧ની સદીમાં બન્ને દેશ સાથે કામ કરીને સહભાગીદારીને વિકસીત કરવા માંગે છે. બન્ને દેશમાં વધુ રોજગારી અને વેપારની તકોના નિર્માણનો અમારો હેતુ છે. બ્રિટન ભારતમાં રોકાણ કરનાર સૌથી વિશાળ દેશ છે. બ્રિટિશ વેપાર દ્વારા ૭ લાખ નોકરીઅો ભારતમાં ઉભી કરાઇ છે. જ્યારે ભારતે સમગ્ર યુરોપ કરતા વધુ માત્રામાં યુકેમાં રોકાણ કર્યું છે અને માત્ર ગયા વર્ષે જ ૮ હજાર નોકરીઅો ઉભી કરી છે. બન્ને દેશની કંપનીઅોએ £૯ બિલીયનના રોકાણના કરાર કર્યા છે. ભારતના વડાપ્રધાન શ્રી મોદીનું સ્વપ્ન ભારતના અર્થ તંત્રમાં સુધારા લાવવાનું છે. તેઅો સો નવા સ્માર્ટ સીટી બનાવવા માંગે છે અને ૫૦૦ મિલિયન યુવાનોને કૌશલ્યની તાલીમ આપવા માંગે છે. આ ઉપરાંત ગામડાઅોમાં ૨૪ કલાક વીજળી, ૧૦,૦૦૦ કિમી રોડનું નિર્માણ કરવા માંગે છે જેમાં બ્રિટન પોતાનું યોગદાન આપવા માંગે છે.'

સામે પક્ષે ભારતના વડાપ્રધાન શ્રી મોદીએ જણાવ્યું હતું કે 'વડાપ્રધાન ડેવિડ કેમરને જે આશાવાદી દ્રષ્ટીકોણ અને ઉત્સાહ બતાવ્યો છે તે માટે હું તેમનો આભાર વ્યક્ત કરૂ છું. ભારત બ્રિટનના સંબંધોને સશક્ત કરવામાં આપનું યોગદાન મહત્વનું છે અને તે માટે હું આપનો આભારી છું. ભારત માટે આપણા સંબંધો આતુલ્ય છે અને તેમાં નિરંતર વિસ્તાર થઇ રહ્યો છે. ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ, ક્લીન એનર્જી, ટેક્કનોલોજી, ઇનોવેશન, કલા, સંસ્કૃતિ માટે બન્ને દેશો વચ્ચેના સહયોગ મહત્વપૂર્ણ છે. અણુ કરાર, સુરક્ષાની મજબૂતી, બ્રિટન સાથે સુરક્ષા માટેના ડિફેન્સ ટ્રેડ આગામી વર્ષોમાં વધાતા રહેશે.'

શ્રી મોદીએ જણાવ્યું હતંું કે 'ભારતના ડીફેન્સ ક્ષેત્રની જરૂરિયાતો માટેના મેક ઇન ઇન્ડિયા અભિયાનમાં યુકે જોડાનાર છે. ભારતમાં વેપાર ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રે અપાર સંભાવનાઅો છે. યુકેમાં આર્થિક ક્ષમતા છે અને યુકે ભારતમાં રોકાણ કરનાર ત્રીજા નંબરનો દેશ છે. સરકાર અને ખાનગી ક્ષેત્ર વચ્ચે ક્લીન એનર્જી અને રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે સહયોગ થશે. આજે સ્માર્ટ સીટી, સ્વાસ્થ્ય, સ્ટીલ, શિક્ષણ, ટેકનોલોજી રીસર્ચ ક્ષેત્ર સહિત ઘણાં ક્ષેત્રે ઠોસ પરિણામ આવ્યા છે.'

ઇયુના રેફરેન્ડમના પ્રશ્નનો જવાબ વાળતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે 'યુકેના નાગરીકો રેફરેન્ડમ માટે સમજદાર છે અને તેઅો જે નિર્ણય લેશે તે યોગ્ય જ હશે. મારે તેમને ટીપ આપવાની જરૂર નથી. અમારા માટે ઇયુનું પ્રવેશ દ્વાર બ્રિટન છે અને રોકાણ પણ બ્રિટનથી જ થાય છે.

પ્રેસ કોન્ફરન્સના અંશ

* અમરાવતી, પૂણે અને ઇન્દોરના વિકાસ માટે આગામી પાંચ વર્ષ માટે ભાગીદારી કરાઇ

* £ ૧ બિલિયનનો ભારતીય રેલવે માટે રૂપી બોન્ડ લંડનના સ્ટોક એક્સચેન્જમાં મૂકાશે.

* લો કાર્બન એનર્જી માટે બન્ને દેશના વૈજ્ઞાનિકો કામ કરશે.

* £૧૦ મિલીયનના ખર્ચે નવી ટેક્નોલોજીના ક્ષેત્રમાં સહભાગીદારીમાં સંશોધન થશે.

* મેક ઇન ઇન્ડિયા માટે યુકે જોડાશે.

* સુરક્ષા અને ઇન્ટરનેશનલ સિક્યુરીટી માટે સહમતી સધાઇ.

* યુકે ભારતને સુરક્ષા ઉપકરણોના નિર્માણ માટે મદદ કરશે.

* રોયલ નેવીના યુધ્ધ જહાજ બંગાળના ઉપસાગરમાં ફેબ્રુઆરીમા યોજાનાર ભારતના આંતરરાષ્ટ્રીય ડ્રીલમાં જોડાશે.

* ભારતના દસ લાખ સાયબર સિક્યુરીટી પ્રોફેશનલને યુકે તાલિમ આપશે અને નવું સાયબર ક્રાઇમ યુનિટ સ્થાપવામાં મદદ કરશે.

* યુએનની સિક્્યુરીટી કાઉન્સિલની સદસ્યતા માટે યુકે દ્‌વારા ટેકો આપવામાં આવ્યો.

* ૧.૭ બિલિયન લોકોને મદદરૂપ થાય તેવા ઇયુ અને ભારત વચ્ચેના સોદા માટે મદદ કરશે, જેનાથી ૧૫ બિલિયન પાઉન્ડનો વેપાર થશે.

* આતંકવાદના મુદ્દે યુએન અને અન્ય સ્થળે ખભેખભા મિલાવી કામ કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter