હેરોના ટોરી એમ.પી. બોબ બ્લેકમેનની "બોબ બ્લેકમેન્સ બીઝનેસ કલબ"

Wednesday 22nd July 2015 09:16 EDT
 

હેરો ઇસ્ટના ટોરી એમ.પી. શ્રી બોબ બ્લેકમેન દ્વારા "બોબ બ્લેકમેન્સ બીઝનેસ કલબ" શરૂ કરવામાં અાવી છે. જેનું સંચાલન છેલ્લા બેવર્ષથી બેલમોન્ટ વોર્ડના કાઉન્સિલર મીના પરમાર કરી રહ્યાં છે. કાઉન્સિલર મીનાબેન હેરોમાં "પરમારHR સોલ્યુશન લિ."ના ડાયરેકટર છે. ગત ૧૫ જુલાઇ, બુધવારે વહેલી સવારે ૮.૦૦ વાગ્યે હેરોની કમ્બરલેન્ડ હોટેલમાં મીના પરમારે બોબની બ્રેકફાસ્ટ કલબનું અાયોજન કર્યું હતું. જેના મુખ્ય અતિથિ વિશેષ પદે "ગુજરાત સમાચાર અને Asian Voice"ના તંત્રી-પ્રકાશક શ્રી સી.બી પટેલને ખાસ અામંત્રિત કરાયા હતા. અા બ્રેકફાસ્ટ મિટીંગમાં હેરો અને અાસપાસના વિસ્તારોમાં નાના-મોટા બીઝનેસ ધરાવતા ૩૫ જેટલા ધંધાદારી વ્યાપારીઅો અને વ્યવસાયીઅો ઉપસ્થિત રહ્યા હતા. બોબ દર મહિને અાવા બીઝનેસમેનોની મિટીંગ યોજી યોગ્ય દિશાસૂચન અથવા માર્ગદર્શન કરી શકે એવા નામાંકિત રાજકારણી કે વ્યવસાયિક હસ્તીને અામંત્રિત કરે છે. અાવી મિટીંગો દ્વારા નાના કે સામાન્ય બીઝનેસ ધરાવતા વ્યાપારીઅોને એમની પ્રોડક્ટ પ્રમોટ કરવા પ્લેટફોર્મ મળે, એકબીજા સાથે વિચાર વિમર્શ કરી અન્યોન્ય સહકાર અને સુમેળ વધે એવો અાશય રાખવામાં અાવે છે.

ગત મે મહિનાની ચૂંટણીમાં હેરો ઇસ્ટમાંથી ૫૦% વધુ મતોથી જીતનાર બોબ બ્લેકમેન છેલ્લા નવ વર્ષથી હેરોમાં ટોરી એમ.પી તરીકે કાર્યરત છે. શ્રી સી.બી. પટેલે બોબ બ્લેકમેન અને એમની પત્નીએ જે રીતે એશિયન કોમ સાથે જનસંપર્ક વધાર્યો જે એની પ્રશંસા કરી હતી. અા મિટીંગમાં ઉપસ્થિત ભાઇ-બહેનોએ શ્રી સી.બી. પટેલ સાથે કઇ રીતે સફળ બીઝનેસ થઇ શકે એ બાબત પ્રશ્નોત્તરી કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter