"સમાજ સેવા કરવાની તક અમારા માટે આશીર્વાદ સમાન" ડો. રમેશચંદ્ર મહેતા

- જ્યોત્સના શાહ Tuesday 02nd March 2021 15:04 EST
 
 

મિત્રો, સમાજનો ચહેરો બદલવામાં પોતાનું અનુદાન આપતાં ઘર દીવડાંઓ આપણા સમાજમાં યત્ર-તત્ર-સર્વત્ર દેખા દે છે. આ નામાવલિમાં આપને લેસ્ટરના સમાજસેવી જી.પી.નો આપને પરિચય કરાવીશ. એમણે નિવૃત્તિ બાદ સમાજસેવાના વિવિધલક્ષી કાર્યોમાં સમર્પિત છે. એમના આ કાર્યમાં અને સફળતામાં એમનાં ધર્મપત્ની ડો.શશીબહેનો સંપૂર્ણ સહકાર છે. તેઓ ખભેખભા મિલાવી પતિને સમાજસેવાના કાર્યમાં પ્રેરક બળ બની રહ્યાં છે. શશીબહેન ડોક્ટર હોવા ઉપરાંત એક ઉચ્ચ કક્ષાના કલાકાર પણ છે. આજે આ દંપતિના સમાજિક જીવન પર એક દ્રષ્ટિપાત કરીએ.

ડો.રમેશચંદ્ર મહેતાનો જન્મ ઝાંઝીબારમાં ૨ નવેમ્બર ૧૯૪૮માં થયો હતો. બાળપણથી જ સમાજસેવાના ગુણ પિતાશ્રી લાલજીભાઇ મહેતા અને મામાશ્રી વીર્યેશભાઇ પાસેથી મળેલ. ભારતમાં મૂળ જામનગર નજીકના નાના ગામ પીપરતોડાના વતની. ૯ વર્ષની વયે ઝાંઝીબારથી નૈરોબી આવ્યા. ત્યાં ઓ લેવલ્સ કરી વધુ અભ્યાસાર્થે મુંબઇ ગયા. મુંબઇની નાયર હોસ્પીટલમાંથી દાક્તરીનો અભ્યાસ કરતા હતા દરમિયાનમાં શશીબહેન સાથે પરિચય થયો અને ૧૯૭૪માં અભ્યાસ પૂર્ણ કરી લગ્નગ્રંથિથી જોડાયાં. ત્યારબાદ યુ.કે. આવી લેસ્ટરમાં સ્થાયી થયાં અને જી.પી.ની પ્રેક્ટીસ શરૂ કરી.

૧૯૭૭માં જૈન સમાજ યુરોપની એક્ઝીક્યુટીવ કમિટીના સભ્ય બન્યા. લેસ્ટરનું ભવ્ય જૈન દેરાસર ઉભું કરવામાં સિંહફાળો આપનાર ડો. નટુભાઇ શાહની આગેવાની હેઠળના આ પ્રોજેક્ટમાં એમની પાસેથી ઘણું શીખવાનું મળ્યું એમ જણાવતાં ડો.રમેશચંદ્ર એમને પોતાના રોલમોડેલ તરીકે સ્વીકારે છે. ડો.મહેતાના આ સામજિક કાર્યમાં પીઠબળ બની ધર્મપત્ની શશીબહેનનું અનુદાન પણ નોંધનીય છે. તેઓ સેન્ટરના ધાર્મિક પ્રસંગોએ સમાજના યુવા વર્ગને નૃત્ય, નાટક, સંગીત વગેરેની પ્રસ્તુતી માટે તાલીમ આપતાં અને પોતે પણ સક્રિય ભાગ લેતાં.

ડો.મહેતાએ જૈન સમાજ યુરોપના કમિટી મેમ્બરથી માંડી સેક્રેટરી, વાઇસ પ્રેસિડેન્ટ, પ્રેસિડેન્ટ, ટ્રસ્ટી, ફંડ રેઇઝીંગ કમિટી સભ્ય વગેરે હોદ્દાઓ પરથી સેવા આપવા સહિત દેરાસરના ૧૦, ૨૦ અને ૩૦મા પ્રતિષ્ઠા મહોત્સવોમાં અમૂલ્ય અનુદાન આપ્યું છે.

રવિવારીય ગુજરાતી શાળા અને ધાર્મિક શિક્ષણ શરૂ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. જૈન સેન્ટરમાં જૈન ઇતિહાસ અને કલા કારીગરીના નમૂનાનું પ્રદર્શન બનાવવામાં ફાળો આપ્યો છે. સમાજમાં પર્યાવરણ અને આરોગ્ય વિષયક જાગૃતતા લાવવા વિવિધ કાર્યક્રમો યોજ્યા છે. શાકાહાર અને અહિંસાના પ્રચાર-પ્રસાર કર્યા છે. આ ઉપરાંત જાણિતી હસ્તિઓને જૈન સેન્ટરની મુલાકાત માટે આમંત્રી જૈન ધર્મના મૂલ્યોનું મહત્વ દર્શાવ્યું છે. જેમાં બ્રિટનના એ સમયના વડાપ્રધાન જ્હોન મેજર, ધ અર્લ ઓફ કાઉન્ટેસ ઓફ વેસેક્સ, આર્ચબીશપ ઓફ યોર્ક, બોલીવુડ ફિલ્મ અભિનેત્રી વૈજયંતિમાલા, પદ્મિની કોલ્હાપુરી આદીનો સમાવેશ થાય છે.

 નેશનલ કાઉન્સિલ ઓફ વણિક એસોસિએશનના સભ્ય, જૈન સોસીયલ ગૃપ મીડલેન્ડ્સ અને નોર્થના પ્રેસિડેન્ટનો હોદ્દો શોભાવ્યો છે. કાઉન્સિલ ઓફ ફેઇથ્સમાં વર્ષો સુધી સેવા સાદર કરી બધા ધર્મો વચ્ચે સાહચર્ય, મૈત્રીભાવ જાગે એના પુષ્ટિકર્તા તરીકે નોંધપાત્ર ફાળો આપેલ છે. લેસ્ટરશાયર અહિંસા સોસાયટી ફોર ધ કેર ઓફ નેચર તેમજ ભારત અને યુ.કે.ના પ્રાણીઓની સુખાકારી માટે પ્રદાન કર્યું છે. લેસ્ટરની ડી મોન્ટફોર્ડ યુનિવર્સિટીના જૈન અને સાઉથ ઇન્ડીયન સ્ટડીઝના વ્યાખ્યાતા તરીકે નિમણુંક થયેલ.

જૈન નેટવર્કના ટ્રસ્ટી તરીકે દોઢેક વર્ષ અગાઉ કોલીન્ડલ સેન્ટરના કામ માટે ડો.નટુભાઇ સાથે ભારતની મુલાકાત લીધી હતી. આ પ્રોજેક્ટના સપોર્ટ માટે લેસ્ટર સમાજ યુરોપની કમિટીને પ્રોત્સાહિત કરી લેસ્ટરના જૈન સેન્ટર ઉભું કરવામાં ડો.નટુભાઇના ફાળાના ઋણ રૂપે £૨૦૦,૦૦૦ અર્પણ કરવા મનાવવામાં સફળતા મેળવી છે.

સ્થાનિક અને ભારતની નાની-મોટી અનેક ચેરિટીઓમાં સક્રિય બન્યા છે. મોરબી હોનારત હોય કે કચ્છ ભૂકંપ બધાયમાં આગલી હરોળમાં રહી નોંધપાત્ર સેવા આપી છે. એમની સેવાઓની કદરરુપે કચ્છ લાયન્સ ક્લબે સન્માન કરેલ. લાયન્સ ક્લબ ઓફ ભૂજ તરફથી ભૂજમાં યોજાયેલ ફ્રી આઇ કેમ્પમાં ૪૦૦ મોતીયાના ઓપરેશન થયેલ એમાં ય સેવા સાદર કરી હતી.

કચ્છના ભુકંપમાં પગ ગુમાવેલાઓ માટે કૃત્રિમ પગ બનાવતી જયપુર લીમ્સ અપીલ માટે ફંડ એકત્ર કરી ત્યાં જઇ પગ બેસાડવામાં પણ મદદનીશ તરીકે સેવા આપેલ.

કોવિદ-૧૯ લોકડાઉનમાં ય મદદરૂપ બનવા ફાળો એકત્ર કરવામાં અનુદાન આપેલ. ડો.શશીબહેન પણ સમાજના વડિલોને કાઉન્સેલીંગ સેવા ફોન દ્વારા, જી.પી. ના સંપર્ક માટે કે હોસ્પીટલમાં લઇ જવામાં , જરૂરતમંદોને ભોજન સેવા પૂરી પાડવા સહિતની વિવિધ સેવાઓ આપી માનવતાના દીપ જલાવી રહ્યાં છે. આ દંપતિને સમાજસેવાના અસંખ્ય કાર્યો કરવાની તકને પોતાનું સૌભાગ્ય ગણે છે. ધન્ય છે આવા સેવાભાવી દંપતિને!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter