'ગુજરાત સમાચાર – એશિયન વોઇસ' અને 'ગુજરાત હિન્દુ સોસાયટી, પ્રેસ્ટન'ના ઉપક્રમે ૮૦ વર્ષ કરતા વધુ વયના વડિલોના ગૌરવપૂર્ણ સન્માન સમારોહનું શાનદાર આયોજન તા. ૧૨ એપ્રિલ ૨૦૧૫ના રોજ 'ગુજરાત હિન્દુ સોસાયટી, પ્રેસ્ટન' ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લેન્કેશાયરના હાઇ શેરીફ આમન્ડા પાર્કર, ડેપ્યુટી મેયર કોન્સ્ટન્સ માર્ગારેટ મેકમેનસ, કાઉન્સિલર લીન્ડા ક્રોમ્પ્ટન, કાઉન્સિર પીટર મોલીનીક્ષ, પીટર કેલી ઉપસ્થિત રહ્યા હતા અને ૧૦૨ વર્ષના શાંતાબેન બચુભાઇ નાયી સહિત ૮૦ વર્ષથી ઉપરની વયના ૫૧ વડિલોનું ભાવભીનું સન્માન કરાયું હતું. કાર્યક્રમની પરંપરાના ભાગરૂપે સર્વે સન્માનીત વડિલોની આરતી ઉતારવામાં આવી હતી.
દીપ પ્રાગટ્ય બાદ કાર્યક્રમને સંબોધન કરતા ગુજરાત હિન્દુ સોસાયટીના પ્રમુખ અને કાઉન્સિલર તેમજ ભૂતપૂર્વ મેયર શ્રી ભીખુભાઇ પટેલે જણાવ્યું હતું કે "આ સૌ વડિલો આપણા પાયોનીયર છે એમણે આપણા સૌ માટે ખૂબ જ મહેનત કરી છે. તેમણે સૌએ આપણા માટે ભોજન, ઠંડી અને ઘર સહિતની વિવિધ મુશ્કેલીઅો સહન કરી છે અને તેના મીઠા ફળ આજે આપણે મેળવી રહ્યા છીએ.આજે આપણે તેમનું સન્માન કરીને ગૌરવ અનુભવી રહ્યા છીએ.
કાર્યક્રમના મુખ્ય મહેમાન હાઇશેરીફ આમન્ડા પાર્કરે જણાવ્યું હતું કે 'આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતા મને ખૂબજ આનંદ થાય છે. તમે આ સૌ વડિલોના સન્માન કરી આનંદની ઉજવણી કરી રહ્યા છો તે ખરેખર ગૌરવપૂર્ણ છે. આપના સમુદાયમાં પરિવાર અને વડિલો પ્રતિ જે આદર છે અને આજે વડિલોનું જે સન્માન કરી રહ્યા છો તો ખરેખર સરાહનીય છે. આપ સૌએ ભલે દેશ બદલ્યો હોય પણ પરિવાર પ્રત્યે જે આદર હોવો જોઇએ તેને તમે સૌએ જાળવી રાખ્યો છે. ઇંગ્લેન્ડમાં આજે સૌ પરિવારજનો અને ખાસ કરીને વૃધ્ધો માટે મુશ્કેલીઅો વધી છે.પરંતુ આજે મને અહિં તેનાથી જુદુ જ જોવા મળી રહ્યું છે. આપના દેશની આવી સુંદર સંસ્કૃતિને આ દેશમાં લાવવા બદલ આજે હું આપ સૌને આભિનંદન પાઠવું છું.'
ડેપ્યુટી મેયર કાઉન્સિલર માર્ગારેટ મેકમનસે જણાવ્યું હતું કે 'આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતા મને ખૂબ જ ગૌરવ થાય છે. અહિ પ્રેસ્ટનમાં ગુજરાતી સમુદાયના લોકો વિશાળ સંખ્યામાં વસી રહ્યા છે. આજે જે વડિલોનું સન્માન કરાઇ રહ્યું છે તેમણે ખરેખર ખૂબ જ મોટી સફળતા હાંસલ કરી છે. માત્ર તેમણે ઘર વસાવી પૈસા જ નથી કમાયા તેમણે પોતાના પરિવારને અહિં વસાવવા સાથે પોતાની સંસ્કૃતિનું જતન પણ કર્યું છે. આજે આપ સૌ વડિલોનું સન્માન કરો છે તે ખૂબ જ પ્રસંશનીય અને આવકારદાયક કાર્ય છે.
વડિલ સન્માન કાર્યક્રમના પ્રેરણાસ્તોત્ર અને 'ગુજરાત સમાચાર - એશિયન વોઇસ'ના તંત્રી - પ્રકાશક શ્રી સીબીએ જણાવ્યું હતું કે 'ભારતમાં ભાદરણ અને યુકેમાં પ્રેસ્ટન મારૂ ગામ છે. આજે જે વડિલોનું સન્માન કરવા માટે અમે સદ્ભાગી થયા છીએ તેમાંના કેટલાય વડિલો આ વિસ્તારમાં છેક ૧૯૬૦થી આવ્યા હતા. તે સમયે તેમની પાસે કોઇ મૂડી નહોતી. આજે આપણા યુવાનોએ ખૂબ જ સફળતા મેળવી છે અને તેઅો પણ પોતાના વડિલોની ખૂબ જ સરસ દરકાર રાખે છે. મારી નજર સમક્ષ જ આશા સમનર નામની કિશોરી છે જેને હું જોઇ રહ્યો છું કે તેના દાદીની કેટલી બધી સરભરા અને વ્હાલ કરે છે. આજે આપ સૌ હોલમાંબેઠા છો અને મંદિરના દર્શન કરો છો તે સમગ્ર કોમ્પલેક્સને માત્ર ૬૦૦ પરિવાર દ્વારા ઉભુ કરાયું હતું. જે તેમની ક્ષમતા દર્શાવે છે.'
શ્રી સીબીએ સવિનય ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે 'સૌ પ્રેસ્ટનવાસીઅો સન્માનના અધિકારી હોવા છતાં વાસ્તવિકતાને નજર સમક્ષ રાખી માત્ર પ્રતિકસમા જ કેટલાક મહાનુભાવોનું સન્માન કરવાની અત્યારે અમારી મજબૂરી છે.'
આ પ્રસંગે ગુજરાત હિન્દુ સોસાયટી તરફથી પત્રકારત્વના માધ્યમથી તેમજ વ્યક્તિગત રીતે છેલ્લા ૩૦ વર્ષ કરતા વધારે વર્ષોથી બ્રિટનના ભારતીય અને ગુજરાતી સમુદાયની સેવા કરનાર 'ગુજરાત સમાચાર – એશિયન વોઇસ'ના તંત્રી અને પ્રકાશક શ્રી સીબી પટેલનું શાલ અોઢાડીને પ્રશસ્તીપત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું. કર્મયોગા ફાઉન્ડેશન વતી શ્રીમતી કોકિલાબેન પટેલે સંસ્થાના પ્રમુખ શ્રી ભીખુભાઇ પટેલને £૧૦૦૧નો ચેક અર્પણ કર્યો હતો.
આ પ્રસંગે શબ્દો દ્વારા ગુજરાતી ભાષાની અનેરી સેવા કરનાર લોકલાડીલા કવિ અને ગઝલકાર અદમભાઇ ટંકારવી તેમજ ગુજરાત હિન્દુ સોસાયટીના વિકાસમાં તન, મન અને ધનથી સંપૂર્ણ સહયોગ આપનાર ગુજરાત હિન્દુ સોસાયટીના અગ્રણી, ભૂતપૂર્વ પ્રમુખ, સેક્રેટરી અને ખજાનચી છોટાલાલ લિંબાચીયા, વર્તમાન પ્રમુખ ભીખુભાઇ પટેલ, સેક્રેટરી પ્રહલાદભાઇ નાયી, વાઇસ પ્રેસિડેન્ટ ચંદ્રકાન્તભાઇ લિંબાચીયા, ભૂતપૂર્વ પ્રમુખ અને કમિટી સદસ્ય ઇશ્વરભાઇ ટેલર, સંસ્થાના વોલંટીયર શ્રીમતી ભાનુબેન માલી, ટ્રસ્ટી અમરતભાઇ લિંબાચીયા, ભૂતપૂર્વ ખજાનચી ભગવાનજી નાવેકર, ભૂતપૂર્વ સેક્રેટરી દશરથભાઇ નાયી, આસી. સેક્રેટરી વૈજયંતીબેન ચૌહાણ, ટ્રસ્ટી ગોવિંદભાઇ મારૂ તેમજ સુખાભાઇ મિસ્ત્રીનું 'કર્મયોગી સન્માન' એનાયત કરી સન્માન કરાયું હતું.
કાર્યક્રમના પ્રારંભે સૌ સન્માનીત વડિલોએ સાથે મળીને ભોજન લીધું હતું અને સ્નેહમિલનનો લાભ લીધો હતો. કાર્યક્રમનું સ્વાગત પ્રવચન GHSના આસી. સેક્રેેટરી વૈજયંતીબેન (ઉમા) ચૌહાણે કર્યુ હતું. કાર્યક્રમના પ્રારંભે નાનકડી બાળાઅો અદિતી, વરાન્યા, સીરી, પ્રિયા આનંદ અને ઇષા ગણેશરાજે સ્વાગત નૃત્ય પુષ્પાંજલિ રજૂ કર્યું હતું. જેની કોરીયોગ્રાફી સંસ્થાના જ અભિનંદનાબેને કરી હતી.
ડો. રોમેશભાઇ ગુપ્તાએ આરોગ્યની જાળવણી કઇ રીતે રાખવી તે અંગે સમજ આપી હતી.
આ પ્રસંગે સૌએ ગઝલકાર અદમભાઇ ટંકારવીની કેટલી રચનાઅોનો આસ્વાદ માણ્યો હતો તો બીજી તરફ પ્રસ્ટનના જ ધડકન ગૃપના કલાકારો ભાવના નાવેકરે, મહેશ નાવેકર (કીબોર્ડ) અને દીપક પંચાલ (ધોલક અને ડ્રમ)ના સથવારે સમુધુર સ્વરે સુંદર ભક્તિ ગીતો રજૂ કર્યા હતા.
કાર્યક્રમનું સંચાલન સંસ્થાના કમીટી મેમ્બર અને ભૂતપૂર્વ પ્રમુખ ઇશ્વરભાઇ ટેલર તેમજ કાર્યક્રમના કો-અોર્ડીનેટર 'ગુજરાત સમાચાર'ના ન્યુઝ એડિટર કમલ રાવે કર્યું હતું.
(તસવીર સૌજન્ય: મહેન્દ્રભાઇ લુહાર લુહાર અને નરેશ રાઠોડ)
વિશેષ નોંધ: 'ગુજરાત સમાચાર – એશિયન વોઇસ' અને 'ગુજરાત હિન્દુ સોસાયટી, પ્રેસ્ટન'ના ઉપક્રમે ૮૦ વર્ષ કરતા વધુ વયના વડિલોના ગૌરવપૂર્ણ સન્માન સમારોહનો વિશેષ અહેવાલ આગામી સપ્તાહોમાં 'એશિયન વોઇસ'માં રજૂ થશે.
૦૦૦૦૦૦૦
સવિતાબેન લુહારનું સન્માન કરતા ડાબેથી આમન્ડા પાર્કર, યોગેશભાઇ, સીબી, ઉષાબેન અને પ્રતિભાબેન
૦૦૦
અદિતી, વરાન્યા, સીરી, પ્રિયા આનંદ અને ઇષા ગણેશરાજ
૦૦૦૦૦