10 ડાઉનિંગ સ્ટ્રીટમાં સૌપ્રથમ થાઈ પોંગલની ઉજવણી

રુપાંજના દત્તા Wednesday 25th January 2023 05:44 EST
 
પ્રાઈમ મિનિસ્ટરના નિવાસે સર્વપ્રથમ થાઈ પોંગલ ઉજવણીમાં ઉપસ્થિત તામિલ સમુદાયના સભ્યો(તસવીર સૌજન્યઃ Twitter @BTConservatives)
 

લંડનઃ યુકેમાં પ્રાઈમ મિનિસ્ટરના નિવાસસ્થાને સૌપ્રથમ વખત થાઈ પોંગલ તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. શુક્રવાર 20 જાન્યુઆરીની બપોરે બ્રિટિશ તામિલ કોમ્યુનિટીના સભ્યોને આવકારવા 10 ડાઉનિંગ સ્ટ્રીટ સજ્જ થયું હતું. ભગવાન માટે પોંગલ અને કેળા વડે નાના મંદિરની સ્થાપના પણ કરવામાં આવી હતી. તહેવારની ઉજવણી માટે ઉત્સાહિત આશરે 60 પ્રોફેશનલ્સ અને બિઝનેસમેન્સ સાથે આખો ખંડ ભરાઈ ગયો હતો.

મહેમાનોને વિવિધ પ્રકારના જ્યૂસ, સ્નેક્સ અને પોંગલનો બાઉલ ઓફર કરાયો હતો. કેટલીક મહિલાઓએ ઠંડી સહન કરીને પણ સાઉથ ઈન્ડિયન સિલ્ક સાડી ધારણ કરી હતી જ્યારે પુરુષો પરંપરાગત શ્વેત અને સોનેરી સિલ્કની ધોતીમાં સજ્જ થઈ તામિલ હેરિટેજના મહિના નિમિત્તે ગર્વ સાથે તામિલ સંસ્કૃતિનું પ્રદર્શન કરી રહ્યા હતા. આમંત્રિત મહેમાનોમાં રીજેન્ટ ગ્રૂપના CEO, પ્રિન્સિપાલ અને સહસ્થાપક સેલ્વા પંકજ, સિલ્ક રૂટ લીગલના પાર્ટનર વિવેકાનંદ જગનાથન, સ્ટાર ટીવ નેટવર્કના બિઝનેસ હેડ સારિકા શંકરનારાયણન, લંડન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના મેમ્બરશિપ એક્સ્પિરીઅન્સ મેનેજર એશ બાલાક્રિષ્ણન, વાઈબ્રન્ટ ફૂડ્સના ચીફ કોમર્શિયલ ઓફિસર વિજય વૈદ્યનાથન, ચોલા ઈન્ટરમીડિએટરીઝ લિમિટેડના ડાયરેક્ટર ડો. લોરેન્સ ફ્રેડરિક, એન્ટ્રેપ્રીન્યોર અને કોમ્યુનિટી અગ્રણી અરુ સિવાનાથન સહિત મહાનુભાવોનો સમાવેશ થયો હતો.

કન્ઝર્વેટિવ પાર્ટીના ચેરમેન નધિમ ઝાહાવીએ પ્રાઈમ મિનિસ્ટર વતી મહેમાનોના પ્રચંડ યોગદાન માટે આભાર વ્યક્ત કરી NHS માં તેમની ચાવીરૂપ ભૂમિકાઓને બિરદાવી હતી. થાઈ પોંગલ વિશે બોલતા મિ. ઝાહાવીએ જણાવ્યું હતું કે,‘ આ અસાધારણ સમયમાં થાઈ પોંગલનો સાર્વત્રિક સંદેશ આપણા સહુમાં વ્યાપી રહ્યો છે. થાઈ પોંગલ નવા આરંભ, આશા, પુનઃસંચારિત હિંમત સાથે નવેસરથી શરૂઆત કરવાની તકનું પ્રતિબિંબ પાડે છે. લણણી સીઝનના અંતે આવતા થાઈ પોંગલનો ઉત્સવ આપણા માટે અને ખાસ કરીને માતા પ્રકૃતિનો આભાર વ્યક્ત કરવાનું જણાવે છે જેને હવે આપણે અવગણી શકીએ નહિ. પોંગલ રાઈસ પુડિંગની સ્વાદિષ્ટ વાનગીની મીઠાશ પ્રેમ અને શાંતિનું પ્રતિનિધિત્વ કરે છે.’ યુકેમાં ભારતીય અને શ્રી લંકન હેરિટેજના આશરે 500,000 તામિલ લોકો વસે છે.

 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter