65થી વધુ વયના લોકોની મજબૂરીઃ 173,000 વયોવૃદ્ધો ફરી કામે ચડ્યાં

Wednesday 24th August 2022 03:51 EDT
 
 

લંડનઃ ફૂગાવાના કારણે પેન્શન્સની રકમ પૂરતી ન રહેતા હવે 65 વર્ષથી વધુ વયના લોકો પણ કામે જવા લાગ્યા છે. સત્તાવાર આંકડા મુજબ જૂન સુધીના ત્રિમાસિક ગાળામાં 173,000 વયોવૃદ્ધો ફરી કામ પર જોડાયા છે જે એક વિક્રમ છે. વેતનમાં થોડો વધારો થયો છે જે આસમાને પહોંચેલા જીવનનિર્વાર્હ ખર્ચની સરખામણીએ નહિવત્ છે. વધતા એનર્જી બિલ્સ અને ખાદ્યાન્નના ભાવથી ગ્રાહકોના ખિસ્સાનું ધોવાણ કરી નાખ્યું છે. બેન્ક ઓફ ઈંગ્લેન્ડે હાલ 10.1 ટકાએ પહોંચેલો ફૂગાવાનો દર ઓક્ટોબરમાં 13 ટકાએ પહોંચશે તેવી આગાહી કરી છે.

તાજેતરના વર્ષોમાં પેન્શનવયમાં કરાયેલા નિયમોના ફેરફાર પછી 65 વર્ષીય લોકો સરકારી પેન્શન મેળવી શકવાને હજુ એક વર્ષ દૂર છે. સ્પિંગમાં પેન્શન્સમાં 3.1 ટકાનો વધારો કરાયો હતો પરંતુ, જૂન મહિનામાં ફૂગાવાનો દર ચાર દાયકાના વિક્રમ સમાન 9.4 ટકાનો થયો હતો અને હવે તે 10.1 ટકાએ પહોંચ્યો છે. આના પરિણામે પેન્શનરોને આવકજાવકના છેડાં મેળવવાનું મુશ્કેલ બન્યું છે. મહામારીના ગાળામાં વૃદ્ધો નોકરીઓ-વર્કફોર્સ છોડી રહ્યા હતા તે પ્રવાહ હવે ઉલટાયો છે જેના માટે જીવનનિર્વાહ કટોકટી જવાબદાર ગણાય છે.

મંદીનો ભય ઝળુંબી રહ્યો છે ત્યારે ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના લેબર માર્કેટના આંકડા મુજબ બેરોજગારી 3.8 ટકાના દરે સ્થિર છે જે પાંચ દાયકાના તળિયાની નજીક છે. સમગ્રતયા આશરે 160,000 લોકો રોજગારીમાં જોડાયા છે છતાં, આંકડો અપેક્ષા કરતાં ઓછો છે. જુલાઈ મહિનામાં ખાલી જગ્યાની સંખ્યા ઘટીને 1.274 મિલિયન થઈ હતી.

================


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter