લંડનઃ અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતી (BAME) બ્રિટિશરો કોરોના વાઈરસ ફર્લો સમયગાળા દરમિયાન નોકરી ગુમાવી હોય તેવી બમણી શક્યતા હોવાનું ચેરિટી સંસ્થા ‘Hope Not Hate’ના નવા અભ્યાસમાં બહાર આવ્યું છે. લગભગ ૩૩ ટકા BAME વર્કર્સના કામના કલાકો ઘટ્યાની પણ શક્યતા છે. નાણાકીય સહાયના અભાવ અને કામના કલાકો કપાવાથી BAME લોકોએ વધુ આર્થિક તકલીફ સહન કરવી પડી હતી.
ચેરિટી સંસ્થા ‘Hope Not Hate’ દ્વારા ૧૦૦૧ વંશીય લઘુમતી બ્રિટિશરોનો અભ્યાસ કરાયો હતો જેમાં ૭ ટકાએ મહામારીના ગાળામાં નોકરી ગુમાવ્યાનું જણાવ્યું હતું. આની સામે રાષ્ટ્રીય સરેરાશ ૩ ટકાની છે. બીજી તરફ, ૫ ટકાની રાષ્ટ્રીય સરેરાશ સામે ૯ ટકા BAME લોકોએ આ ગાળામાં રેન્ટ ચૂકવવામાં ભારે તકલીફ પડ્યાનું કહ્યું હતું. ચાન્સેલર સુનાક ફર્લો સ્કીમ બંધ કરવા આગળ વધી રહ્યા છે ત્યારે BAME લોકોના ૧૩ ટકાએ તેમના એમ્પ્લોયર્સે જૂન મહિનામાં કામના કલાકો કાપી નાખ્યાં હોવાનું કહ્યું હતું, જેની રાષ્ટ્રીય સરેરાશ ૯ ટકાની હતી.
અભ્યાસમાં જણાયું હતું કે બહુમતી (૫૭ ટકા) મતદારોની લાગણી એવી હતી કે કોરોના મહામારીના ગાળામાં BAME કોમ્યુનિટીઓનું રક્ષણ કરવામાં મિનિસ્ટર્સ નિષ્ફળ ગયા હતા. આશરે બે તૃતીઆંશ (૬૨ ટકા) લોકોએ કહ્યું હતું કે સરકાર આ રોગચાળાને યોગ્યપણે હેન્ડલ કરી શકી નથી. રિપોર્ટના આલેખક રોઝી કાર્ટરે જણાવ્યું હતું કે આંકડા દર્શાવે છે કે મહામારીની સૌથી ખરાબ અસર BAME કોમ્યુનિટીઝને સહન કરવી પડી હતી.