BAMEના વડપણ હેઠળની ચેરિટીઝ માટે NLCF દ્વારા £૧.૪ મિલિયનનું ફંડ જાહેર

Tuesday 11th August 2020 11:18 EDT
 
 

લંડનઃ નેશનલ લોટરી કોમ્યુનિટી ફંડ (NLCF) દ્વારા આખરે કોરોના વાઈરસથી પીડિત સંસ્થાઓ અને કોમ્યુનિટીઓને મદદ કરવા BAME ના વડપણ હેઠળ ૧.૪ મિલિયન પાઉન્ડના ફંડની જાહેરાત કરવામાં આવી છે. આ ફોનિક્સ ફંડ બાળકો અને યુવાનોને મદદ કરતી કોમ્યુનિટીઓને ભંડોળ આપતા અને સહાય કરી રહેલા આંતરરાષ્ટ્રીય સંગઠન ‘ગ્લોબલ ફંડ ફોર ચિલ્ડ્રન’ની સાથે ભાગીદારીમાં અપાશે. આ ફંડ થોડાં સપ્તાહોમાં લોન્ચ કરાશે અને કોવિડ-૧૯થી સૌથી વધુ અસરગ્રસ્ત કોમ્યુનિટીઓને સપોર્ટ કરી રહેલા નાના અને માઈક્રો સંગઠનો-સંસ્થાઓને તાકીદના ધોરણે ભંડોળ પુરું પાડશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ દ્વારા વાસ્તવિકતા દર્શાવાઈ હતી કે નેશનલ લોટરી ગ્રાન્ટ્સ ભાગ્યેજ એશિયન કોમ્યુનિટી સુધી પહોંચી છે. સ્થાનિક કોમ્યુનિટી ગ્રૂપ્સ અને ચેરિટીઝને વહેંચવાના હેતુસર નેશનલ લોટરી કોમ્યુનિટી ફંડને ૨૦૦ મિલિયન પાઉન્ડ આપવામાં આવ્યા હતા. આ ગ્રાન્ટ્સની પ્રાથમિક ફાળવણી મુદ્દે તપાસમાં સ્પષ્ટ થયું હતું કે આ ફાળવણીમાં એશિયન કોમ્યુનિટીને કેટલો અન્યાય થયો હતો.

NLCF દ્વારા જણાવાયું છે કે અશ્વેત અને વંશીય લઘુમતીઓના સંગઠનોના કોર ગ્રૂપ દ્વારા ફંડની રચના અને વિકાસ કરાશે. તેનો હેતુ ઈંગ્લેન્ડમાં BAME નેતાગીરી પ્રેક્ટિસ અને કોમ્યુનિટીઓને મદદનો છે. અરજીની પ્રક્રિયા વિશે વધુ માહિતી ફંડના લોન્ચિંગ સમયે જાહેર કરવામાં આવશે. વંશીય લઘુમતી પશ્ચાદભૂ સાથેની કોમ્યુનિટીઓના લોકોને કોવિડ-૧૯ની અપ્રમાણસર અસર થઈ હોવાનું સંશોધન અભ્યાસોમાં સ્પષ્ટ થયા પછી તેને ધ્યાનમાં રાખી ઈમર્જન્સી ભંડોળની વહેંચણી કરાય તે માટે ગ્રાન્ટ આપનારાઓ પર દબાણ વધી ગયું હતું. #CharitySoWhite દ્વારા માગણી કરાઈ હતી કે તમામ ઈમર્જન્સી ફંડના ૨૦ ટકા BAMEના વડપણ હેઠળના સંગઠનોને ફાળવવામાં આવે અને તેમના ખુલ્લા પત્રમાં ૧૮૦થી વધુ વ્યક્તિઓ અને સંસ્થાઓ દ્વારા હસ્તાક્ષર કરાયા હતા.

NLCFએ જણાવ્યું છે કે ‘તે સમાનતા, વૈવિધ્યતા અને સમાવેશીતાના દૃષ્ટિકોણ થકી તેની પદ્ધતિઓની સમીક્ષા કરવા પ્રતિબદ્ધ છે.’ સંગઠને ૨૪ માર્ચથી ૨૪ જૂનના ગાળામાં કોમ્યુનિટીઓને ૨૦૦ મિલિયન પાઉન્ડની વહેંચણી કરી હતી તેમજ નાની ચેરિટીઝને મદદ કરવાના સરકારના પેકેજના ૨૦૦ મિલિયન પાઉન્ડની વહેંચણીની કામગીરી પણ તેને સોંપાયેલી છે. ગયા મહિને NLCFએ કોરોના કટોકટીથી ભારે અસરગ્રસ્ત વંશીય લઘુમતી પશ્ચાદભૂ સહિતની કોમ્યુનિટીઓને સપોટ કરવા ૪૫ મિલિયન પાઉન્ડની પાર્ટનરશિપની જાહેરાત કરી હતી.

Phoenix Fund પર કામ કરનારી સંસ્થાઓમાં Ubele Initiative જેવી સામાજિક સંસ્થા પણ હશે જેણે એપ્રિલ મહિનામાં કરેલા સર્વેમાં જણાયું હતું કે BAMEના વડપણ હેઠળની માઈક્રો અને નાની ચેરિટીઝમાંથી ૮૭ ટકા પાસે માત્ર ત્રણ મહિના કે તેથી ઓછું ચાલે તેટલું રીઝર્વ હતું અને બંધ થવાના જોખમ હેઠળ હતી.

Ubele Initiativeના સ્થાપક અને સીઈઓ યુવોને ફિલ્ડે કહ્યું હતું કે,‘અમારી કોમ્યુનિટીઝને કોવિડ-૧૯થી તીવ્ર અસર પહોંચી છે ફ્રન્ટ લાઈન ઓર્ગેનાઈઝેશનો ભંડોળ મેળવવાની તાતી જરુરિયાત ધરાવે છે. અમને તો મોટા ભાગે ગ્રાન્ટ આપવામાંથી બાકાત રાખવામાં આવે છે તેમજ તેની વ્યવસ્થા કે નિર્ણયપ્રક્રિયા પર અસર પાડી શકતા ન હોવાતી અમે પાર્ટિસિપેટરી-સહયોગના અભિગમનો ઉપયોગ કરીએ છીએ. આપણે આ મૂળિયાં નાખી ગયેલા પાવર ડાયનેમિક્સને બદલવાની જરુર છે અને આ અભ્યાસના ઉપયોગથી અમે લાંબા ગાળે સિસ્ટમ્સમાં પરિવર્તન લાવવાનું શરુ કરીશું.’

નેશનલ લોટરી કોમ્યુનિટી ફંડના સીઈઓ ડોન ઓસ્ટવિકે જણાવ્યું હતું કે,‘ સંપૂર્ણ સમાવેશી ભંડોળકાર બનવાની અમારી યાત્રામાં પાર્ટનરશિપ મહત્ત્વનું પગલું છે. અશ્વેત અને વંશીય લઘુમતીના વડપણ હેઠળના ઓર્ગેનાઈઝેશન્સ તરફથી અને તેમની સાથે કામ કરવાથી શીખવાની તક મળશે તેનાથી અમે ઉત્સુકતા અનુભવીએ છીએ. આ સમર્પિત ફંડ અમારા રિસ્પોન્સિવ ફંડની સાથે રહેશે અને અમને આશા છે કે અમે સમાનતા, વૈવિધ્યતા અને સમાવેશીતાના અમારા દૃષ્ટિકોણને વિકસાવતા રહ્યા છીએ ત્યારે અમને માહિતી પૂરી પાડવા સાથે અમારી બધી કાર્યપદ્ધતિઓને પ્રભાવિત કરશે.

‘ગ્લોબલ ફંડ ફોર ચિલ્ડ્રન’ના પ્રેસિડેન્ટ અને સીઈઓ જ્હોન હેકલિન્ગરે જણાવ્યું હતું કે,‘અમે માનીએ છીએ કે પ્રણાલીગત રંગભેદ અને પૂર્વગ્રહો BAME કોમ્યુનિટીઝના બાળકો અને પરિવારોને દૈનિક ધોરણે અસર પહોંચાડે છે. ગ્લોબલ ફંડ ફોર ચિલ્ડ્રન સંસ્થામાં અમે માનીએ છીએ કે કોમ્યુનિટીના લોકોની આગેવાનીમાં સ્થાનિક સંસ્થા-સંગઠનો સામાજિક પરિવર્તન લાવવામાં શ્રેષ્ઠ સ્થાન ધરાવે છે. ધ ફોનિક્સ ફંડ રંગભેદી-વંશીય ન્યાયના દૃષ્ટિકોણ થકી યુવાનો માટે ઉજ્જવળ ભાવિના નિર્માણ માટે આ કોમ્યુનિટી નેતાઓના હાથમાં સત્તા સોંપવામાં મદદરુપ બની રહેશે.’

નોંધપાત્ર બાબત એ છે કે કાન્તિ નાગડા MBEએ ગુજરાત સમાચારના ૨૫ જુલાઈ,૨૦૨૦ના અંકમાં સ્પષ્ટ કર્યું હતું કે એશિયન ગ્રૂપ્સને નેશનલ લોટરી ફંડમાંથી માત્ર ૨ ટકાની ફાળવણી કરાઈ છે. લોકલ ઓથોરિટીઝ, સરકારી વિભાગો, ગ્રાન્ટ આપતી મુખ્ય સંસ્થાઓ તેમજ અન્ય સુસ્થાપિત જૂથો દ્વારા એશિયન કોમ્યુનિટીઓને આમાંથી કેટલું ભંડોળ ફાળવવામાં આવ્યું છે તે શોધવાનો કે જાણવાનો શા માટે કોઈ જ પ્રયાસ કરાયો ન હતો. લોકડાઉનના મહિનાઓ દરમિયાન, £૧૦,૦૦૦ થી £૪૯,૯૯૯ વચ્ચેની ગ્રાન્ટ્સ નેશનલ લોટરી કોમ્યુનિટી ફંડ દ્વારા પૂરી પડાઈ હતી. કુલ £૭,૧૫૭,૬૧૨ની ગ્રાન્ટ્સ ૫૧૮ પ્રોજેક્ટ્સ વચ્ચે વહેંચવામાં આવી તેમાંથી માત્ર ૭ સંસ્થા એશિયન કોમ્યુનિટીઝ સાથે સંકળાયેલી હતી અને તેમને કુલ ફાળવણીના માત્ર બે ટકા- £૧૫૮,૨૫૦ મળ્યાં હતાં. હવે, £૫૦,૦૦૦ થી £૯૯,૯૯૯ વચ્ચેની ગ્રાન્ટ્સ બાબતે વધુ તપાસમાં જાણકારી પ્રાપ્ત થઈ કે કુલ £૩,૮૨૩,૮૯૧ની ગ્રાન્ટ્સ ૫૪ ગ્રૂપ્સ વચ્ચે વહેંચવામાં આવી હતી અને તેમાંથી પણ £૧૬૧,૩૫૦ જેટલી નજીવી રકમ બે BAME ગ્રૂપને આપવામાં આવી હતી. આ પુરાવા નરી વાસ્તવિકતા દર્શાવે છે કે નેશનલ લોટરી ગ્રાન્ટ્સ ભાગ્યેજ એશિયન કોમ્યુનિટી સુધી પહોંચી છે.

એમ જણાય છે કે ઓફિસરો પૂર્વગ્રહિત અને કપોળકલ્પિત માન્યતા ધરાવે છે કે તમામ એશિયનો સમૃદ્ધ છે અને તેથી તેમને કોઈસહાયકારી ભંડોળની આવશ્યકતા નથી. ગ્રાન્ટ ઓફિસર્સ તરીકેની જવાબદારીમાં એશિયનોને યોગ્ય પ્રતિનિધિત્વ મળશે નહિ ત્યાં સુધી તો એશિયનો વિરુદ્ધનો પૂર્વગ્રહ ચાલતો જ રહેશે. ઈંગ્લેન્ડમાં એશિયનોની વસ્તી વધી રહી છે તેને ધ્યાનમાં રાખતા કમિટીમાં જો બે નહિ તો ઓછામાં ઓછું એક સભ્યપદ પણ એશિયનોને મળે તેવી અપેક્ષા રાખવી જરા પણ ખોટી ન કહેવાય.

લોકડાઉનનો આરંભ થયો ત્યારથી જ એશિયન સંસ્કૃતિના આધારરુપ નિઃસ્વાર્થ સેવાના મંત્રને અનુસરી એશિયન કોમ્યુનિટીઝના ગ્રૂપ્સ તેમજ ગુરુદ્વારાઓ, ઈસ્માઈલી જમાત ખાનાઓ, હિન્દુ મંદિરો, જૈન કેન્દ્રો, મસ્જિદો, આધુનિક ઈવેન્જલિકલ ચર્ચો અને કોમ્યુનિટી સેન્ટર્સ જરુરિયાતમંદોને સહાય કરવા અથાક કામગીરી બજાવી રહ્યા છે. આમાં હજારો લોકોને દરરોજ શાકાહારી અને સ્પેશિયલ ડાયેટના ભોજન પૂરા પાડવાનો, એકાંતવાસ સેવતા લોકોને ખરીદારી અને દવાઓ મેળવવામાં મદદ, ઝૂમ દ્વારા ધાર્મિક પ્રવૃત્તિઓ કરવાનો, આવશ્યક PEP પૂરાં પાડવા, વેલ્ફેર બેનિફિટ્સ મેળવવામાં લોકોને મદદ, માનસિક આરોગ્યની સમસ્યા સાથેના લોકોના કાઉન્સેલિંગ તેમજ કોમ્યુનિટીને સલામત રાખવાની અનેક પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થતો રહ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter