વિએનાઃ BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થા (BAPS) દ્વારા વિએના ઈન્ટરનેશનલ સેન્ટર (VIC) ઈન્ડિયન ક્લબના સહયોગથી સોમવાર 16 નવેમ્બરે ‘દિવાળી 2026ઃ લાઈટ, હેરિટેજ એન્જ શેર્ડ હ્યુમનિટી’ ઉજવણી કાર્યક્રમનું આયોજન યુનાઈટેડ નેશન્સની વિએનાસ્થિત ઓફિસે કરવામાં આવ્યું હતું. શાંતિ, સંવાદિતા, અને આંતરરાષ્ટ્રીય સહકારના સહભાગી મૂલ્યોને હાઈલાઈટ કરતા આ ઈવેન્ટમાં યુએનના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ 60થી વધુ દેશના પ્રતિનિધિઓ સહિત 1000થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. 2025માં યુનેસ્કોન માનવતાની સાંસ્કૃતિક ધરોહર યાદીમાં દિવાળીના ઉલ્લેખના પગલે આ ઉજવણી યોજાઈ હતી.
વિએના ઈન્ટરનેશનલ સેન્ટરના રોટુન્ડામાં યોજાએલા કાર્યક્રમમાં પરંપરાગત દીપપ્રાગટ્ય, સાંસ્કૃતિક પરફોર્મન્સીસ તેમજ દિવાળીની પરંપરાઓ અને ભારતના સમૃદ્ધ વારસા સંબંધિત પ્રદર્શનનો સમાવેશ થયો હતો. મુલાકાતીઓએ પરંપરાગત સંગીત, નૃત્ય, વસ્ત્રો અને કળાની પ્રવૃત્તિઓ તેમજ વિશ્વભરમાં દિવાળીની ઉજવણી કેવી રીતે થાય છે તેના ડિસ્પ્લેઝ નિહાળ્યા હતા. પ્રદર્શનમાં નિઃસ્વાર્થ સેવાનું મહત્ત્વ દર્શાવાયું હતું તેમજ BAPS ના માનવતાવાદી ઈનિશિયેટિવ્ઝ અને યુનાઈટેડ નેશન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ સંબંધે તેના યોગદાનને હાઈલાઈટ કરાયું હતું. શાકાહારી આહારની સુંદર અને કળામય ગોઠવણી પરંપરાગત ‘અન્નકૂટ’ થકી કૃતજ્ઞતા અને કરુણાની લાગણી પ્રદર્શિત કરવામાં આવી હતી. મહેમાનોએ ખાસ તૈયાર કરાયેલી શાંતિદીવાલ પર અંગત સંદેશાઓ પણ ઉમેર્યા હતા.
ઈન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સી (IAEA)માં ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ અને ડિપાર્ટમેન્ટ ઓફ મેનેજમેન્ટના વડા માર્ગારેટ ડોઆનેએ ઈવેન્ટના ચાવીરુપ વિષયો સંદર્ભે વિચારો વ્યક્ત કર્યાં હતાં. ઓસ્ટ્રીઆમાં ઓસ્ટ્રેલિયાના એમ્બેસેડર અને વિએનાસ્થિત યુનાઈટેડ નેશન્સમાં ઓસ્ટ્રેલિયાના કાયમી પ્રતિનિધિ ઈઆન બિગ્સે હિન્દુઓ, જૈનો, શીખો અને બૌદ્ધોનો તહેવાર હોવા સાથે પારદર્શિતા અને આનંદને પ્રતિબદ્ધ તમામ લોકો માટે મહત્ત્વનો ઉત્સવ હોવાનું જણાવ્યું હતું. IAEAમાં ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ અને ડિપાર્ટમેન્ટ ઓફ ન્યુક્લીઅર સાયન્સીઝ એન્ડ એપ્લિકેશન્સના વડા નજત મોખ્તારે કહ્યું હતું કે દિવાળીમાં હજારો નાના દીપક મળીને તેજસ્વી પ્રકાશ સર્જે છે તે રીતે વિએનામાં સરહદો, સંસ્કૃતિઓ અને શાખાઓથી પાર જ્ઞાનને વૈશ્વિક શાંતિ અને નિરંતર વિકાસના શક્તિશાળી બળમાં ફેરવવાનું કાર્ય થઈ રહ્યું છે.
વિએનામાં BAPSના વોલન્ટીઅર કંચન કિગાબીએ જણાવ્યું હતું કે, ‘વિવિધ સંસ્કૃતિઓ, ધર્મો અને પરંપરાઓ ધરાવતા આ વિશ્વમાં દિવાળી આપણને યાદ અપાવે છે કે આપણને વિભાજિત કરવા કરતા પણ ઘણી બાબતો એવી છે જે આપણને એક બનાવે છે. પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજ અન્યોમાં સારી બાબતો નિહાળવા અને કરુણા સાથે જીવન જીવવાની પ્રેરણા આપે છે.’


