BAPS ચેરિટીએ ઘરવિહોણાં લોકો માટે કપડાં અને ખોરાક એકત્ર કર્યાં

Wednesday 10th January 2018 06:42 EST
 
 

લંડનઃ BAPS ચેરિટીઝ જરુરિયાતમંદોની સેવા અને સહાય અર્થે પ્રતિબદ્ધ છે. ચેરિટીના સ્વયંસેવકોએ ડિસેમ્બરની કડકડતી શિયાળાની ઠંડીના ગાળામાં ઘરવિહોણાં લોકો માટે કપડાં અને ખોરાક એકત્ર કર્યો હતો. ઘરવિહોણાં હોવું તે એકલવાયી અને જોખમી પરિસ્થિતિ છે. સરેરાશ જોઈએ તો, ઘરવિહોણાં લોકો માત્ર ૪૭ વર્ષની વયે મોતને ભેટે છે. શેરીઓમાં સૂતાં લોકો હિંસાનો શિકાર બને તેવી શક્યતા ૧૭ ગણી રહે છે અને સામાન્ય વસ્તીની સરખામણીએ ઘરવિહોણાં લોકો આત્મહત્યા કરે તેની શક્યતા ૯ ગણી હોય છે.

ડિસેમ્બર મહિનાના પ્રથમ બે સપ્તાહ દરમિયાન લંડનમાં નીસડન ટેમ્પલની સામી બાજુએ સ્વામીનારાયણ સ્કૂલ તથા અન્ય કલેક્શન પોઈન્ટ્સ પર જમ્પર્સ, કોટ્સ, હેટ્સ અને સ્કાર્ફ સહિત વિવિધ જાતના ગરમ વસ્ત્રો એકત્ર કરાયા હતા. મંદિરના ભક્તોએ સ્થાનિક બિઝનેસીસના માલિકો સાથે પણ તેમની દુકાનો અને ઓફિસો પર વસ્ત્રો એકત્ર કરાય તેવી વ્યવસ્થા ગોઠવી હતી. આ અભિયાનના પગલે વસ્ત્રો ભરેલી ૧૫૦થી વધુ મોટી બેગ્સ એકલવાયા ઘરવિહોણાં લોકોની મદદગાર રાષ્ટ્રીય ચેરિટીઓ Crisis, The Passage તેમજ Glass Doorને મોકલવામાં આવી હતી.

આ ઉપરાંત, BAPSચેરિટીઝના સ્વયંસેવકોએ ૧૮૦ કિલોગ્રામના ડબાબંધ ખોરાક, બિસ્કિટ્સ, સીરીઅલ્સ, ફળો સહિત વિવિધ ખાદ્યપદાર્થો Harrow Foodbank ને પહોંચાડ્યા હતા. હેરો ફૂડબેન્કના મેનેજર જુડી કનિંગ્ટને આ ઉદાર દાન બદલ BAPSચેરિટીઝનો આભાર વ્યક્ત કર્યો હતો. ગ્લાસ ડોરના ગેસ્ટ સર્વિસ મેનેજર સ્ટીવ ગેમ્બલે કહ્યું હતું કે આ વસ્ત્રો શિયાળા દરમિયાન ઘણા ઘરવિહોણા લંડનવાસીઓને મદદમાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter