ન્યૂ યોર્કઃ BAPSસ્વામિનારાયણ સંસ્થા દ્વારા યુનાઈટેડ સ્ટેટ્સની 250મી વર્ષગાંઠ (America250)ની ઉજવણી નિમિત્તે દેશના 100 શહેરોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વોલન્ટીઅર ડ્રાઈવ્સ અને વોકાથોન્સ અને સિવિક ઈવેન્ટ્સનો સમાવેશ થાય છે. આ ઈનિશિયેટિવ BAPS ચેરિટીઝ દ્વારા હાથ ધરાયો છે તેમજ 30 મેના વીકએન્ડ દરમિયાન આશરે 50,000 કાર્કરો કામે લાગશે તેમજ હોસ્પિટલ્સ, હોમલેસ શેલ્ટર્સ, યુવા ફાઉન્ડેશનો અને ફાયર ડિપાર્ટમેન્ટ સહિત 100થી વધુ સ્થાનિક સંસ્થાઓને સપોર્ટ પૂરો પાડશે.
BAPS દ્વારા જણાવાયું હતું કે તેમની America250 પ્રવૃત્તિઓ સ્વયંસેવા અને નાગરિકોની ભાગીદારી પર ધ્યાન કેન્દ્રિત કરશે તેમજ આરોગ્યમેળાઓ, રક્તદાન અભિયાનો, દુર્ઘટના રાહત ઓપરેશન્સની જે પ્રવૃત્તિઓ સંસ્થા દ્વારા હાથ ધરાય છે તેના કાર્યક્રમો પણ ચાલુ રખાશે. તાજેતરમાં BAPS ચેરિટીઝ દ્વારા રક્તદાન અભિયાનમાં 600 પિન્ટ રક્ત એકત્ર કરાયું હતું જ્યારે સ્વયંસેવકોએ લોસ એન્જલસ, પાસાડેના અને અલ્ટાડેનામાં લાગેલી કેલિફોર્નિયા વાઈલ્ડફાયર્સમાં વિસ્થાપિત થયેલા પરિવારોને સહાય કરી હતી.
BAPSના વોલન્ટીઅર અને ફીઝિશિયન અક્ષરભાઈ પટેલે જણાવ્યું હતું કે એનિવર્સરી ઈવેન્ટ્સમાં સેવા અને કોમ્યુનિટીની ભાગીદારીને હાઈલાઈટ કરવાનો ઈરાદો રખાયો છે. તેમણે કહ્યું હતું કે,‘અમેરિકન હોવું એઐટલે શું તેના પર ચિંતન કરવાની આ પળ છે. આ ઐતિહાસિક સીમાચિહ્નની નિકટ પહોંચી રહ્યા છીએ ત્યારે અમે સેવા, એકતા અને કૃતજ્ઞતાના મૂલ્યોને હાઈલાઈટ કરવા માગીએ છીએ.’ અનેક BAPS મંદિરો 4 જુલાઈની ઉજવણીઓના ગાળામાં ધ્વજારોહણ અને નાગરિક સન્માન ઈવેન્ટ્સ યોજી શકે છે.
ભારતમાં 1907માં સ્થાપિત BAPS મહંત સ્વામી મહારાજની રાહબરીમાં વિશ્વભરમાં હજારો કોમ્યુનિટીઓમાં કાર્યરત છે. નોર્થ અમેરિકામાં આ સંસ્થાની સ્થાપના 1974માં કરાઈ હતી અને ત્યારથી યુનાઈટેડ સ્ટેટ્સમાં 100થી વધુ મંદિર સુધી વિસ્તરી છે. પશ્ચિમ ગોળાર્ધમાં સૌથી વિશાળ હિન્દુ મંદિર તરીકે ગણાવાયેલા BAPS સ્વામિનારાયણ અક્ષરધામના નિર્માણમાં એક દાયકાથી વધુ સમય લાગ્યો હતો અને હજારો વોલન્ટીઅર્સ નિર્માણકાર્યમાં જોડાયા હતા. ન્યૂ જર્સીમાં 2023માં અક્ષરધામનું ઉદ્ઘાટન કરાયા સાથે મોટા પાયા પર સાંસ્કૃતિક અને સેવાના ઈનિશિયેટિવ્ઝ હાથ ધરાયા છે.


