BAPS ના ટ્રસ્ટી વિનુ ભટ્ટેશાને કિંગ ચાર્લ્સ ત્રીજાના હસ્તે OBE એનાયત

Wednesday 15th March 2023 06:32 EDT
 
 

લંડનઃ લાંબા સમયથી યુકેમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાના ટ્રસ્ટીપદે સેવા આપતા ચેરિટી સપોર્ટર અને હોટેલિયર વિનુ (કિશોરકાંત) ભટ્ટેશાને ક્વીન એલિઝાબેથ દ્વિતીય દ્વારા તેમના બર્થડે ઓનર લિસ્ટ 2022માં ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (OBE)ની જાહેરાત કરવામાં આવી હતી. કિંગ ચાર્લ્સ ત્રીજાના હસ્તે 14 ફેબ્રુઆરી 2023ના દિવસે વિન્ડસર પેલેસમાં આ સન્માન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

વિનુ ભટ્ટેશા આશરે 40 વર્ષથી યુકેમાં BAPS સ્વામિનારાયણ સંસ્થામાં સેવા આપી રહ્યા છે અને ભારતની બહાર નિર્માણ કરાયેલા સૌપ્રથમ પરંપરાગત મંદિરોમાં એક નીસડન ટેમ્પલના નિર્માણમાં તેમની ચાવીરૂપ ભૂમિકા રહી હતી. યુરોપમાં 12 કેન્દ્રોના નિર્માણ તેમજ નોર્થ અમેરિકામાં હિન્દુ મંદિરો અને નવી દિલ્હીના અક્ષરધામ મંદિરના નિર્માણમાં પણ તેમની સહાયકારી ભૂમિકા રહી છે.

BAPS સ્વામિનારાયણ સંસ્થામાં યોગદાન ઉપરાંત, યુકેમાં ભારતીય સંસ્કૃતિના સંવર્ધનમાં પણ તેમનો ફાળો રહ્યો છે જે સાંસ્કૃતિક ધરોહર માટે પ્રસિદ્ધ તેમની પેન્ડલે મેનોર હોટેલમાં દેખાઈ આવે છે. અહી તેમણે 40 વર્ષના ગાળામાં વાર્ષિક ઓપન-એર શેક્સપિઅર ફેસ્ટિવલનું આયોજન કર્યું છે જેનો લાભ 500,000 થી વધુ લોકોએ લીધો છે. આ ફેસ્ટિવલે ડેમ જૂડી ડેન્ચ, કેરોલિન ક્વેન્ટિન અને લિન્ડા બેલિંગહામ સહિત સફળ અભિનેતાઓને પ્લેટફોર્મ પુરું પાડ્યું છે.

વિનુ ભટ્ટેશાએ યુવાનો રોજગાર શોધવામાં મદદ કરતી ધ સ્પ્રિંગબોર્ડ ચેરિટી સહિત વિવિધ ચેરિટીઝ સાથે કામ કર્યું છે. તાજેતરમાં તેમણે ભારતમાં કોવિડ કટોકટીમાં વેન્ટિલેટર્સની વ્યવસ્થા કરી ઈમર્જન્સી અપીલને સપોર્ટ કર્યો હતો. તેમણે કો‘વિડ-19ના સમયગાળામાં લંડનની ચાવીરૂપ હોસ્પિટલોને પોતાની હોટેલ્સ મારફત સ્થાનિક કોમ્યુનિટીને કોન્સીએર્શ- દ્વારપાલની સેવા અને સપ્લાઈઝ પૂરાં પાડ્યા હતા. તેઓ બ્રિટિશ એશિયન ટ્રસ્ટના ફાઉન્ડર્સ સર્કલ મેમ્બર પણ છે.

કેન્યામાં જન્મેલા વિનુ ભટ્ટેશા UCL ખાતે કેમિસ્ટ્રીનો અભ્યાસ કરવા યુકે આવ્યા હતા. તેમણે શરૂઆતમાં નાઈરોબીમાં ફેમિલી બિઝનેસમાં પણ કામ કર્યું હતું. તેઓ 1981માં યુકેમાં કાયમી સ્થાયી થયા હતા અને તે જ વર્ષે તેમણે પ્રથમહોટેલ ખરીદી હતી. વિનુભાઈ એજ યુકે, ધ હાર્ટ ફાઉન્ડેશન, ડાયાબિટીસ યુકે અને કેન્સર રિસર્ચ જેવી સંસ્થાઓ સાથે સંકળાયેલા રહી તેમના માટે ઈવેન્ટ્સના આયોજનો થકી માનવતાવાદી કાર્યોને સપોર્ટ કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter