લંડનઃ નીસડન ટેમ્પલના લોકપ્રિય નામે ઓળખાતા BAPS સ્વામીનારાયણ મંદિરની સ્થાપનાની રજતજયંતી ઉજવાઈ રહી છે ત્યારે સાધુ યોગવિવેકદાસ સ્વામીએ ધ ટાઈમ્સના શનિવાર ૨૨ ઓગસ્ટના અંકમાં કોવિડ મહામારીના કપરા કાળે બ્રિટિશ હિન્દુઓને આધ્યાત્મિક દૃષ્ટિએ એક કર્યા હોવાનું જણાવતો લેખ લખ્યો હતો. ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ સમાચાર સાપ્તાહિકોના તંત્રી અને પ્રકાશક સી.બી. પટેલે BAPS સ્વામીનારાયણ મંદિરના સ્વામી યોગવિવેકદાસ સ્વામીને ઈમેલ પાઠવી તેમના દ્વારા ધ ટાઈમ્સમાં પ્રકાશિત લેખની ભરપૂર સરાહના કરી હતી.
સનાતન હિન્દુ ધર્મની સેવામાં સદા તત્પર સી.બી. પટેલે આ પત્રમાં વિશ્વભરમાં BAPS સ્વામીનારાયણ મંદિરોની સ્થાપના પાછળ દિવ્ય પ્રેરણામૂર્તિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે સનાતન હિન્દુ ધર્મને પ્રતિષ્ઠા અપાવવામાં લીધેલી જહેમત અને માર્ગદર્શનનો પણ સપ્રેમ ઉલ્લેખ કર્યો હતો. સાધુ યોગવિવેકદાસ સ્વામીના લેખમાં નીસડન સ્વામીનારાયણ મંદિરની સ્થાપના અને પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના શુભ હસ્તે કરાયેલી ભવ્ય પ્રાણપ્રતિષ્ઠાને પણ વણી લેવાઈ છે. સી.બી.એ BAPS સંસ્થાને જીવનના તમામ પાસાઓની સેવા કરતી અને સમગ્ર વિશ્વમાં સનાતન હિન્દુ ધર્મની અગ્રણી પ્રવર્તક અને પ્રહરી સંસ્થા ઉપરાંત, તેને માત્ર ધાર્મિક નહિ પરંતુ, આધ્યાત્મિકતાને વરેલી સંસ્થા તરીકે બિરદાવી હતી.
સી.બી.એ ઈમેઈલ મારફત કોવિડ મહામારીના સમયગાળામાં હિન્દુઓની એકતાની સક્રિયતા અને માનવસેવા સંબંધે કરાયેલા વર્ણનને હૃદયસ્પર્શી ગણાવ્યું હતું. મહામારીના સમયમાં પરંપરાગત પૂજા-અર્ચના બંધ રહી હતી ત્યારે દેશભરના ૪૦ મંદિરો અને સેન્ટરોએ ભક્તોને ભગવાન અને એકમેક સાથે તાર જોડવાના વિશેષ માર્ગો અપનાવી લીધા હતા. તેમણે ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના વાચકો તરફથી સ્વામીનારાયણ સંસ્થાન દ્વારા આત્મજ્ઞાનનું આંદોલન આગળ વધારી રહેલા પૂજ્ય મહંત સ્વામીજી, અન્ય પવિત્ર સંતો અને લાખો સમર્પિત ભક્તોને પ્રણામ પાઠવવા વિનંતી પણ કરી હતી.
સાધુ યોગવિવેકદાસ સ્વામીજીએ સી.બી પટેલ દ્વારા કરાયેલી પ્રાર્થના અને શુભેચ્છાઓને શિરે ચડાવી આભાર વ્યક્ત કર્યો હતો અને આર્શીવચન પાઠવ્યા હતા.