BLM સમર્થક અશ્વેત મહિલાની પ્રતિમા ૨૪ કલાકમાં દૂર કરાઈ

Wednesday 22nd July 2020 02:39 EDT
 
 

બ્રિસ્ટોલ, લંડનઃ ગુલામીપ્રથાના સમર્થક એડવર્ડ કોલ્સ્ટનની ઉખાડી નખાયેલી પ્રતિમાના સ્થાને બ્લેક લાઈવ્ઝ મેટર (BLM)ના સમર્થક અશ્વેત મહિલા જેન રેઈડની રાતોરાત લગાવી દેવાયેલી પ્રતિમા ‘A Surge of Power’ માત્ર ૨૪ કલાકમાં બ્રિસ્ટોલ કાઉન્સિલે ઉતરાવી લીધી હતી. ઉલ્લેખનીય છે કે કોલ્સ્ટનની પ્રતિમા ઉખાડી દેવાયા પછી પૂર્વ વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલ, ઓલિવર ક્રોમવેલ, એડમિરલ લોર્ડ નેલ્સન તેમજ લેસ્ટરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સહિત બ્રિટનના ભૂતકાળના હિસ્સારુપ ઐતિહાસિક વ્યક્તિત્વોની પ્રતિમાઓ અને સ્મારકો સામે હુમલાઓનો દોર ચાલ્યો હતો.

ગયા મહિને બ્રિસ્ટોલમાં BLMના દેખાવકારોએ ૭ જૂને એડવર્ડ કોલ્સ્ટનની પ્રતિમા ઉખાડી, ગબડાવીને  બ્રિસ્ટોલ હાર્બરમાં પધરાવી દીધી હતી. આ પછી, બુધવાર ૧૫ જુલાઈએ આ જ સ્થળે BLMના દેખાવકાર જેન રેઈડની રેઝિન અને સ્ટીલમાંથી બનાવાયેલી પ્રતિમા રાતોરાત લગાવી દેવાઈ હતી. BLMના ૧૦ જેટલા સમર્થકો આ પ્રતિમાને લગાવવા વહેલી સવારે ૫ વાગે આવી પહોંચ્યા હતા. મિસ રેઈડે આ પ્રતિમા સાથે પોતાની તસવીર પણ ખેંચી હતી.

જોકે, આ પ્રતિમા માત્ર ૨૪ કલાક જ તે સ્થળે રહી હતી. બ્રિસ્ટોલ કાઉન્સિલના કર્મચારીઓએ ૧૬ જુલાઈની વહેલી સવારે ૫.૨૦ કલાકે હાઈડ્રોલિક ક્રેનની મદદથી પ્લીન્થમાંથી જ પ્રતિમાને દૂર કરી હતી. બ્રિસ્ટોલ સિટી કાઉન્સિલે જણાવ્યું હતું કે નવી મૂકાયેલી પ્રતિમા તેની વિનંતીથી ઉતરાવી લેવાઈ છે. હાલ બ્રિસ્ટોલ મ્યુઝિયમમાં મૂકાયેલી પ્રતિમા તેના સર્જક આર્ટિસ્ટ ઈચ્છે તો તેને લઈ જઈ શકે અથવા અમારા સંગ્રહમાં દાનમાં આપી શકે છે. બ્રિસ્ટોલના મેયર માર્ટિન રીસે જણાવ્યું હતું કે શહેર તમામ બ્રિસ્ટોલવાસી માટે બની રહે તેવા પ્રયાસો માટે તેઓ પ્રતિબદ્ધ છે.

લંડનસ્થિત શિલ્પકાર માર્ક ક્વિને BLMના દેખાવકાર જેન રેઈડની પ્રતિમા તૈયાર કરી હતી. માત્ર ૨૪ કલાક જ પ્લીન્થ પર રહેલી કાળા રંગની પ્રતિમા વિશે ક્વિને જણાવ્યું હતું કે કોલ્સ્ટનની પ્રતિમા ઉખાડાયા પછી મિસ રેઈડ ખાલી પ્લીન્થ પર હાથ ઊંચો કરી ઉભી રહી તે ક્ષણ મારા મનમાં જડાઈ ગઈ હતી. આ પ્રતિમા કેટલો સમય રહેશે તેના વિશે તેણે કોઈ ધારણા બાંધી ન હતી. વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ગયા મહિને ચેતવણી આપી હતી કે, આપણે હવે આપણા ભૂતકાળ સાથે છેડછાડ કે બદલી શકીએ નહિ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter