વ્યથિત હિંદુઓએ બ્રુકલીન, ન્યૂયોર્કમાં હેડક્વાર્ટર ધરાવતી ઈ-કોમર્સ કંપની Etsy, Inc.ને હિંદુ ભગવાન ગણેશજીની તસવીર સાથેની સેક્સી ગણેશ થોંગ પેન્ટી ખૂબ અયોગ્ય હોવાનું જણાવીને તેને બજારમાંથી તાત્કાલિક પાછી ખેંચી લેવા અને હિંદુઓની માફી માગવા અનુરોધ કર્યો હતો. અગાઉ હિંદુ રાજનેતા રાજન ઝેડના નેતૃત્વ હેઠળ થયેલા વ્યાપક વિરોધને પગલે Etsyએ ભગવાન ગણેશની તસવીર સાથેની ટોઈલેટ -સીટ, ફ્લીપ -ફ્લોપ અને એશ ટ્રે બજારમાંથી પાછી ખેંચી હતી.
યુનિવર્સલ સોસાયટી ઓફ હિંદુઈઝમના પ્રેસિડેન્ટ રાજન ઝેડે નેવાડામાં એક નિવેદનમાં જણાવ્યું કે Etsyને અત્યાર સુધીમાં ખ્યાલ આવી જવો જોઈએ કે હિંદુ ધર્મમાં ભગવાન ગણેશ ખૂબ પૂજનીય છે. તેઓ મંદિર અથવા ઘરના પૂજાસ્થાનમાં પૂજવા લાયક છે, કોઈની જાંઘની શોભા વધારવા માટે નથી. હિંદુ ધર્મગ્રંથો અથવા દેવી-દેવતાઓ અથવા પ્રતીકોનો અયોગ્ય ઉપયોગ કોમર્શિયલ અથવા અન્ય હેતુસર થાય તે યોગ્ય નથી કારણ કે તેનાથી હિંદુઓની લાગણી દુભાય છે.
રાજન ઝેડે Etsy અને તેના સીઈઓ જોશ સિલ્વરમેનને સેક્સી ગણેશ થોંગ પેન્ટીઝ પાછી ખેંચી લેવા ઉપરાંત ઔપચારિક માફી માગવા અનુરોધ કર્યો હતો, કારણ કે કંપનીએ આ પહેલી વખત હિંદુઓની લાગણી દુભાય તેવી પ્રોડક્ટ બજારમાં મૂકી નથી. ૨૦૦૫માં સ્થપાયેલી Etsy પોતાને 'ગ્લોબલ માર્કેટપ્લેસ' ગણાવે છે. આ વિવાદાસ્પદ પેન્ટીનું નંગદીઠ ૧૬.૯૫ ડોલરમાં વેચાણ થાય છે.
ઝેડે ઉમેર્યું હતું કે હિંદુ ધર્મ સૌથી પ્રાચીન ધર્મો પૈકીનો એક ધર્મ છે અને વિશ્વભરમાં તેના ૧.૨ બિલિયન જેટલા અનુયાયી છે. હિંદુ ધર્મમાં તત્ત્વચિંતનના સમૃદ્ધ વિચારો છે તેને નજરઅંદાજ કરી શકાય નહીં. નાના અથવા મોટા કોઈ પણ ધર્મના પ્રતીકોનો દુરુપયોગ કરી શકાય નહીં.