FCDO મિનિસ્ટર ઉમા કુમારને યુકે-ભારત વેપાર અને ‘જીવંત સેતુ’ ડાયસ્પોરાને બિરદાવ્યાં

Wednesday 25th November 2026 05:27 EST
 
 

લંડનઃ ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ (FCDO) મિનિસ્ટર ઉમા કુમારને પ્રતિષ્ઠિત લેન્કેસ્ટર હાઉસ ખાતે 18 નવેમ્બરે દિવાળી ઉજવણીનું આયોજન કર્યું હતું. લાલ રેશમી ડ્રેસ અને પરંપરાગત ભારતીય જ્વેલરીમાં સજ્જ મિનિસ્ટર ઉમા કુમારને યુકે-ઈન્ડિયા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થકી બ્રિટન અને ભારતને શું લાભ મળવાનો તેની વાત કરી જણાવ્યું હતું કે બંને દેશો રિસર્ચ અને ટેકનોલોજી ક્ષેત્રોમાં સહકારને ગાઢ બનાવી રહ્યા છે. મહેમાનોમાં યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર પી. કુમારન, લોર્ડ જીતેશ ગઢિયા, લોર્ડ કરન બિલિમોરીઆ, બેગી શંકર MP, કોમ્યુનિટી પ્રતિનિધિઓ, બિઝનેસ અગ્રણીઓ, કળાકારો અને કન્ટેન્ટ ક્રીએટર્સ સહિતનો સમાવેશ થયો હતો.

મિનિસ્ટર કુમારને જણાવ્યું હતું કે, ‘દ્વિપક્ષી વેપારનું મૂલ્ય આશરે 47 બિલિયન પાઉન્ડ છે અને FTA થકી બિઝનેસીસ માટે વ્યાપકપણે દ્વાર ખુલી રહ્યા છે. બ્રિટન અને ભારતે સંયુક્તપણે ગત દાયકામાં સંશોધન ક્ષેત્રે 400 મિલિયન પાઉન્ડથી વધુનું રોકાણ કરેલું છે. આપણે AIથી ટેલિકોમ્સ, ક્લાઈમેટથી ક્લીન એનર્જી સુધીના ક્ષેત્રોમાં મહાન પડકારોને સુલઝાવવા અને સાથે મળીને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવા કાર્ય કરીએ છીએ.’ તેમણે પ્રિન્સ અને પ્રિન્સેસ ઓફ વેલ્સની મુંબઈ મુલાકાત, દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત અને અર્થશોટ પ્રાઈઝ કાર્યક્રમનો પણ ઉલ્લેખ કર્યો હતો.

બ્રિટિશ તામિલ મૂળનાં ઉમાએ બ્રિટનનાં રાજકીય, આર્થિક અનેો સાંસ્કૃતિક જીવનમાં ભારતીય કોમ્યુનિટીના યોગદાનની પ્રસંશા કરી તેને બંને દેશો વચ્ચે જીવંત સેતુ સમાન ગણાવી હતી. તેમણે ભારતના ચેન્નાઈ, ત્રિવેન્દ્રમ, આગ્રા, જયપુર, મુંબઈ અને દિલ્હીમાં વીતાવેલાં વર્ષોને યાદ કરતાં જણાવ્યું હતું કે, ‘હું 2024માં પ્રથમ વખત લેબર સાંસદ બની ત્યારે ભગવદ્ ગીતા હાથમાં રાખી પાર્લામેન્ટરી શપથ લીધાં હતાં. તેનાથી મારા જીવનના બે હિસ્સા સાથે થયા હતા, મારો હિન્દુ વારસો અને જેની સેવાનો મને ગર્વ છે તે દેશ પ્રતિ મારું કર્તવ્ય.’ તેમણે 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે પ્રાઈમ મિનિસ્ટર એન્ડી બર્નહામ દ્વારા દિવાળી ઉજવણીને પણ યાદ કરી હતી.

યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર પી. કુમારને કહ્યું હતું કે કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ (CETA) થકી સંબંધોની ભાવના બદલાઈ ગઈ છે, બંને પક્ષો કરારને વ્યવહારમાં મૂકવા ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે ભારત માત્ર વેચાણ કરવા માટેનું બજાર રહ્યું નથી. તે ટેકનોલોજીના વિકાસ, સપ્લાય ચેઈન્સની મજબૂતી અને આવતી કાલના ઉદ્યોગોના સર્જન માટેનું પાર્ટનર બન્યું છે.

નૃત્ય ટેલ્સ યુકેના હિસ્સારૂપ બેંગાલ હેરિટેજ ફાઉન્ડેશનના સભ્યો દ્વારા ડાન્સ પરફોર્મન્સ સાથે સાંજનું સમાપન થયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter