HCUKએ રમખાણોને વખોડી સાવચેતી રાખવા હિન્દુ સમાજ અને મંદિરોને અનુરોધ કર્યો

Wednesday 07th August 2024 05:17 EDT
 
 

લંડનઃ હિન્દુ કાઉન્સિલ યુકે (HCUK)એ સાઉથપોર્ટમાં અરેરાટીભરી હત્યાઓ સંદર્ભે અવિચારી હિંસા અને તાજેતરના રમખાણોને વખોડી કાઢી હિન્દુ કોમ્યુનિટીની સલામતી બાબતે ચિંતા વ્યક્ત કરી છે. કાઉન્સિલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે દ્વેષપૂર્ણ, મલિન ઈરાદા ધરાવતા લોકોએ આ કરૂણ ઘટનાઓનો ગેરલાભ લઈ માઈગ્રન્ટ્સ, અશ્વેતો અને એશિયન કોમ્યુનિટીઓ વિરુદ્ધ ભય અને વિભાજકતાને ફેલાવવામાં ઉપયોગ કર્યો છે.

આ અશાંતિના સંદર્ભે કાઉન્સિલે સાવધ રહેવા તેમજ સ્વરક્ષા અને પૂજાસ્થળોના રક્ષણાર્થે આવશ્યક સાવચેતી લેવા હિન્દુ કોમ્યુનિટીને અનુરોધ કર્યો છે. શાંતિ અને આધ્યાત્મિક આશ્રયના પ્રતીકરૂપ મંદિરોને પણ નફરત ફેલાવવા ઈચ્છનારાઓ દ્વારા નિશાન બનાવાઈ શકે છે. હિન્દુ મૂલ્યો ધારણ કરી રાખવા સાથે આપણી કોમ્યુનિટીની રક્ષા માટે એકસંપ રહી સક્રિયતા દર્શાવવા પણ નિવેદનમાં જણાવાયું છે. હિન્દુત્વમાં વસુધૈવ કુટુમ્બકમનો આદર્શ સમગ્ર વિશ્વ એક પરિવાર હોવાનું શીખવે છે. આપણે બધા અરસપરસ સંકળાયેલા છીએ અને સમાજના એક હિસ્સા પર થયેલું કોઈ પણ નુકસાન આપણા બધા માટે પણ નુકસાન છે. હત્યાઓના પગલે જે રેસિઝમ અને નફરત ફેલાવાઈ છે તે હિન્દુ મૂલ્યોથી વિપરીત છે. તેઓ આપસી આદર અને સહઅસ્તિત્વના સિદ્ધાંતો પર નિર્માયેલા આપણા વૈવિધ્યપૂર્ણ અને બહુવાદી સમાજના પોતને નષ્ટ કરી નાખવાની ધમકી આપે છે. આપણે પડકારરૂપ સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ ત્યારે ધર્મના રક્ષણાર્થે અને અવરોધોની સામે મક્કમ ઉભા રહેવાના કર્તવ્યને યાદ રાખવું જોઈએ.

નિવેદનમાં HCUKએ જણાવ્યું છે કે અંગત સુરક્ષા, કોમ્યુનિટીના રક્ષણ અને પૂજાસ્થાનોને સુરક્ષિત રાખવા સાવચેતીના પગલાં લેવા આવશ્યક છે.

આ પગલાંઓમાં • માહિતગાર રહેવા અને ઉશ્કેરણી ટાળવા, સમૂહોમાં પ્રવાસ કરવા, ઘરની સલામતી પર પૂરતું ધ્યાન આપવા સહિત અંગત સુરક્ષાની સાવચેતીઓ • મંદિરની સુરક્ષા મજબૂત બનાવવા, સ્થાનિક સત્તાવાળાઓ સાથે સંપર્કમાં રહેવા, કોમ્યુનિટી વોલન્ટીઅર્સ દ્વારા પેટ્રોલિંગ કરાવવું • કોમ્યુનિટી દ્વારા સાવચેતી, માહિતીની આપલે, અરસપરસ સપોર્ટ, સેફ્ટી કમિટીઓ બનાવવી, ધાર્મિક અને સાંસ્કૃતિક સહિત કોમ્યુનિટી ઈવેન્ટ્સમાં હાજરી આપતા રહેવું • ઈમર્જન્સીની યોજનાઓ હાથવગી રાખવા, ફર્સ્ટ એઈડની તાલીમ, કોન્ટેક્ટ નંબર્સ સહિત ઈમર્જન્સી સંપર્કો હાથવગા રાખવા • આપણા અધિકારોની જાણકારી રાખવી, ભેદભાવ, ધમકીઓ અથવા હિંસાની ઘટનાઓ સંદર્ભે કાનૂની સલાહ મેળવવા સહિતનીકાનૂની જાગરૂકતા રાખવી તેમજ • અન્ય ધર્મો અને કોમ્યુનિટી ગ્રૂપ્સ સાથી સંવાદ અને સંબંધોના નિર્માણની હિમાયત, હિંસાની જાહેર નિંદાનો સમાવેશ થાય છે.

જો તમારે અથવા મંદિરોને વિશેષ સપોર્ટની આવશ્યકતા હોય તો હિન્દુ કાઉન્સિલ યુકેનો સંપર્ક સાધવા પણ અનુરોધ કરાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter