લંડનઃ હિન્દુ ફોરમ ઓફ બ્રિટન (HFB)ની આગેવાની હેઠળ મલ્ટી-ફેઈથ સંગઠનોએ હોમ એફેર્સ સિલેક્ટ કમિટી દ્વારા સત્તાવાર માન્યતા ન અપાય તે પહેલા ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપ ઓન બ્રિટિશ મુસ્લિમ્સની ‘ઈસ્લામોફોબિયા’ પરિભાષાને બહાલી નહિ આપવા યુકેના સ્થાનિક સત્તાવાળાઓ, કોમ્યુનિટી અગ્રણીઓ અને સાંસદોને અનુરોધ કર્યો છે.
હિન્દુ ફોરમ ઓફ બ્રિટનને તાજેતરમાં અભ્યાસપૂર્ણ પત્ર પ્રાપ્ત થયો હતો જેમાં ‘ઈસ્લામોફોબિયા’ વ્યાખ્યા સંબંધે પશ્નો કરવામાં આવ્યા હતા. તેમાં આ વ્યાખ્યાનો ઉપયોગ વ્યક્તિ પર ગુનાઈત રીતે રેસિસ્ટ હોવાનો આક્ષેપ કરવામાં થશે. તેને કોઈ પણ ચર્ચા અને સંસદીય તપાસ વિના જ સ્વીકારી પસાર કરી દેવાશે તેની ચિંતા દર્શાવાઈ હતી. મુસ્લિમફોબિયા તદ્દન અસ્વીકાર્ય છે અને તેને ઈક્વલિટી લેજિસ્લેશનના વર્તમાન સંરક્ષિત લક્ષણોના વિસ્તારમાં આવરી લેવાય છે. તેને વિચારધારાના ભય ઈસ્લામોફોબિયા સાથે સુસંગત બનાવાઈ રહ્યો છે. આ સંશોધનપત્રમાં કાશ્મિરી પંડિતોના હત્યાકાંડ અને વંશીય નિકંદન જેવા વિષયો પણ ઉઠાવાયા હતા. જો પંડિતો ‘ઈસ્લામવાદી’ઓના હાથે તેમના માટે સર્જાયેલી સમસ્યાઓ વિરુદ્ધ લોબિઈંગ કરે તો તેમને રેસિસ્ટ ગણાવી શકાય તેવો પ્રશ્ન પણ કરાયો હતો. સૂચિત વ્યાખ્યામાં પેલેસ્ટાઈન અને કાશ્મીરનો વિશેષ ઉલ્લેખ કરાયો હોવાથી જાહેરમાં દાન અપાયેલા નાણાનું પેલેસ્ટાઈનને કરાતા વિતરણને પણ ઈસ્લામોફોબિક ગણી શકાય.
હોમ સેક્રેટરી સાજિદ જાવિદને ખુલ્લો પત્ર
ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપ હિન્દુ ગ્રૂપની પ્રથમ મીટિંગ ૨૦૧૯ની ૧૯ માર્ચે યોજાઈ હતી. તેમણે અન્ય ધર્મો સાથે મળી મુસ્લિમો વિરુદ્ધ હેઈટ ક્રાઈમ્સને વખોડતો ખુલ્લો પત્ર હોમ સેક્ર્ટરી સાજિદ જાવિદને લખ્યો હતો. ન્યૂ ઝીલેન્ડની મસ્જિદ પરના હુમલા પછી લખાયેલા પત્રમાં અસ્પષ્ટ વ્યાખ્યાની ટીકા કરવા સાથે અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય પર નકારાત્મક અસર અને નાગરિક આઝાદી સામે જોખમો સંબંધે ચિંતા દર્શાવાઈ હતી.
કોમ્યુનિટી અને ધર્મોના લગભગ ૪૦ અગ્રણીની સહી સાથેના પત્રમાં જણાવાયું હતું કે અસ્પષ્ટ વ્યાખ્યા અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય અને એકેડેમિક અને જર્નાલિસ્ટિક આઝાદી પરની નકારાત્મક અસર વિશે પૂરતી ચકાસણી અને યોગ્ય વિચાર કરાયા વિના જ માન્ય કરાઈ રહી છે. તેનાથી સામાજિક સુમેળને હાનિ પહોંચશે તેમજ મુસ્લિમો વિરુદ્ધ તેનો ઉપયોગ કરાશે.
પત્રમાં વધુ જણાવાયું હતું કે જર્નાલિસ્ટ્સ, શિક્ષણમાં ધાર્મિક અને લૈંગિક અલગાવના વિરોધ, પશુ કલ્યાણના નામે હલાલ સ્લોટર, સમલૈંગિકતા વિશે મુસ્લિમ મતનો LGBT કેમ્પેઈનર્સ દ્વારા વિરોધ, સ્ત્રીઓ સંબંધિત ઈસ્લામિક મત અને રીતરિવાજોનો પૂર્વ મુસ્લિમો અને નારીવાદીઓનો વિરોધ તેમજ છોકરીઓની ફસામણી કરતા ગેન્ગ્સના મુદ્દે ચિંતિત લોકો સહિત અનેક સામે ઈસ્લામોફોબિયાના આક્ષેપ લગાવાયા છે.
APPG આલેખકો દ્વારા વાણીસ્વાતંત્ર્ય સામે જોખમ ન હોવાની ખાતરી અપાયા છતાં અહેવાલનું સમગ્ર તથ્ય અને ખુદ પરિભાષાથી જણાય છે કે ખરેખર આમ થશે. મુસ્લિમવિરોધી પૂર્વગ્રહોને હલ કરવાના પ્રયાસમાં નાગરિક સ્વાતંત્ર્યને પાછળ મૂકી દેવાય નહિ. જાતિ અને ધર્મના સંમિશ્રણને ‘સાંસ્કૃતિક વંશીયતા’ના ગૂંચવાયેલા વિચારના અંચળામાં મૂકાયો છે, જે આ વ્યાખ્યાને ‘ઈસ્લામિક ધર્મની ગેરકાયદે ટીકાને સામેલ કરવા મુસ્લિમવિરોધી તિરસ્કારથી પણ આગળ લઈ જાય છે.
પત્રમાં વધુ જણાવાયું હતું કે લોકશાહી દેશમાં કોઈ પણ ધર્મને ટીકાઓ સામે વિશેષ રક્ષણ અપાવું જોઈએ નહિ. કાયદાઓ હેઠળ ધર્મના નામે ગેરકાયદે ભેદભાવ અને હુમલાઓ વિરુદ્ધ વ્યક્તિઓને રક્ષણ મળે છે ત્યારે વર્તમાન વૈધાનિક જોગવાઈઓ પૂરતી છે. નવી પરિભાષા આમાં મદદ કરવાના બદલે સેલ્ફ-સેન્સરશિપનું વાતાવરણ સર્જે તેવી શક્યતા છે જેના પરિણામે, જાહેર હિતના મુદ્દાઓ પરત્વે ખુલ્લી ચર્ચાઓ બંધ થઈ જશે અને સામુદાયિક તણાવમાં વધારો થશે જેનો કોઈ ઉપાય નહિ હોય.

