લંડનઃ વ્યાપક કોમ્યુનિટીમાં યોગદાન આપવાની સાથે જ બ્રિટિશ સમાજની અંદર હિન્દુ મૂલ્યો અને પરંપરાઓનાં જતનને સમર્પિત સામાજિક-સાંસ્કૃતિક સંગઠન હિન્દુ સ્વયંસેવક સંઘ (યુકે) - HSS (UK) દ્વારા તેમના મુખ્ય વાર્ષિક લીડરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ‘સંઘ શિક્ષા વર્ગ’ (SSV)ની સુવર્ણજયંતી ઉજવવા સાથે નવો માઈલસ્ટોન હાંસલ કરાયો હતો. યુકેમાં બે સ્થળોએ આ પ્રોગ્રામમાં વિક્રમી 744 સભ્યો હાજર રહ્યા હતા જેમાં 605 પાર્ટિસિપેન્ટ્સ અને 139 વોલન્ટીઅર્સનો સમાવેશ થયો હતો.
પરંપરાગત મૂલ્યો આધારિત શિક્ષણ અને લીડરશિપ ટ્રેનિંગમાં કેટલો રસ પડે છે તે આનાથી સિદ્ધ થાય છે. યુકેના ચાર દેશના 65 ટાઉનમાંથી પ્રોગ્રામમાં ભાગ લેવા આવ્યા હતા જ્યારે 167 વર્કિંગ પ્રોફેશનલોએ ઈન્સ્ટ્રક્ટર તરીકે સેવા આપવા તેમજ તાલીમ કેમ્પ્સના સરળ સંચાલન અને ભાવિ પેઢીના વિકાસમાં રોકાણ કરવા સ્વેચ્છાએ તેમની વાર્ષિક રજાઓનો ભોગ આપ્યો હતો.
સેવા અને ચરિત્ર પર નિર્મિત પ્રોગ્રામ
એક સ્થળના સમગ્રતયા કોઓર્ડિનેટર બૈજુ શાહના જણાવ્યા મુજબ ચાર વર્ષના માળખા સાથેનો SSV પ્રોગ્રામ ‘અહંકારરહિત સ્વપ્રેરિત ભાવિ નેતાઓ અને સમાજને બહેતર બનાવવાની પ્રતિબદ્ધતા’ને વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. શારીરિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક વિકાસને સાંકળતા સુગ્રથિત અભિગમ સાથે તરુણોથી માંડી પચાસી સુધીના પુખ્ત વયજૂથના પાર્ટિસિપેન્ટ્સ સવારના 6થી રાતના 10 વાગ્યા સુધી યોગ, ટીમ પ્રવૃત્તિઓ, લેક્ચર્સ, ધ્યાન અને કોમ્યુનિટી સર્વિસ પ્રોજેક્ટ્સ સહિતના દૈનિક સમયપત્રકમાં પરોવાયેલા રહે છે. આ વર્ષના SSV પ્રોગ્રામમાં દાદા, પિતા અને પુત્રનો પરિવાર એક જ કેમ્પમાં ભાગ લેવાની અનોખી ઘટના જોવા મળી હતી. કોમ્યુનિટીની પહોંચ વધારવા પર વિશેષ ધ્યાન અપાવા સાથે ચેરિટીઝ, કોમ્યુનિટી સમૂહો, ધાર્મિક સંસ્થાઓ મેયર્સ, સ્થાનિક કાન્સિલર્સ અને ઈન્ટરફેઈથ કોમ્યુનિટીઓ સહિત બહારની સંસ્થાઓના 190થી વધુ પ્રતિનિધિને SSVના અભ્યાસ વાતાવરણનો અનુભવ અને ફેસિલિટીઝની મુલાકાત લેવા આમંત્રિત કરાયા હતા.વોકિંગહામ બરો કાઉન્સિલના કાઉન્સિલર પૌલીન જોર્ગેન્સને HSS (UK)ની અસરોને બિરદાવતા કહ્યું હતું કે, HSS શિક્ષણ અને ચેરિટીના ક્ષેત્રે ઘણું કામ કરે છે.
આવતી કાલના નેતાઓનો વિકાસ
SSVના અભ્યાસક્રમમાં સંસ્કાર (ધાર્મિક મૂલ્યો અને ચારિત્ર્ય કેળવવું), સેવા (કોમ્યુનિટી માટે નિઃસ્વાર્થ સેવા), અને સંગઠન (એકતા અને સંગઠન)ના ત્રણ મૂળભૂત સિદ્ધાંતો સમાવી લેવાયા છે. પાર્ટિસિપેન્ટ્સ પરંપરાગત હિન્દુ મૂલ્યોની સાથોસાથ વ્યવહારુ નેતૃત્વ કૌશલ્યને વિકસાવતી પ્રવૃત્તિઓમાં સંકળાય છે. પ્રોગ્રામના સમાપને પ્રેઝન્ટેશન દિવસે પરિવારના સભ્યો પાર્ટિસિપેન્ટ્સની એક સપ્તાહની સઘન તાલીમ થકી હાંસલ કરેલા કૌશલ્યો અને જ્ઞાનના પ્રદર્શનના સાક્ષી બને છે.
પ્રભાવક અસરના પાંચ દાયકા
SSV પ્રોગ્રામ દ્વારા 1975થી સ્નાતકોનું સર્જન કરાયું છે જેઓ વિકસાવાયેલા કૌશલ્યનો ઉપયોગ પ્રોફેશનલ કારકિર્દી, સરકાર અને એન્ટ્રેપ્રીન્યોરશિપમાં કરવાની સાથોસાથ તેમના સમુદાયોની પણ સેવા કરતા રહે છે. આ પ્રોગ્રામમાં નવી પેઢીઓ સાથે સુસંગત સહેવા અહંકારરહિત ‘જવાબદાર નાગરિકો’ વિકસાવવા પર ભાર મૂકાય છે.


