લંડનઃ શનિવાર રાતના ત્રાસવાદી હુમલાની જવાબદારી ઈસ્લામિક સ્ટેટ (ISIS) સંગઠને સ્વીકારી છે. જૂથે જણાવ્યું હતું કે હુમલામાં તેના લડવૈયા સંડોવાયેલા છે. જૂથે થોડા સમય અગાઉ જ આતંકી હુમલા માટે ચાકુ, હેન્ડગન અને ટ્રક્સનો ઉપયોગ કરવા તેના અનુયાયીઓને જણાવ્યું હતું. આ જૂથના સમર્થકોએ ટ્વીટર સહિત મીડિયા પર ‘વેર વાળ્યા’ના દાવાઓ સાથે ઓનલાઈન ઉજવણીઓમાં રમજાન મહિનામાં હજુ વધુ ત્રાસ ફેલાવવાની જાહેરાતો કરી હતી.
ત્રાસવાદી જૂથની એજન્સી વેબસાઈટ પર દાવો કરાયો હતો કે ઈસ્લામિક સ્ટેટના ફાઈટર્સના એક જથ્થાએ લંડન હુમલાને અંજામ આપ્યો હતો. જોકે, નિષ્ણાતો હુમલાની જવાબદારીના આ દાવાઓને સાચા માનતા નથી. તેમના કહેવા અનુસાર હુમલાઓ સાથે કોઈ સંબંધ ન હોવાં છતાં આ જૂથ પોતાની કુખ્યાતિ વધારી રહ્યું છે. માન્ચેસ્ટર હુમલામાં પણ જૂથે આવો દાવો કર્યો હતો પરંતુ તેના દાવામાં અનેક વિસંગતિ હતી.
ત્રાસવાદી જૂથના સમર્થકોએ ઓનલાઈન દાવાઓ કર્યા હતા. એક સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ફ્રેન્ચ અને ઈંગ્લિશ ભાષામાં જણાવાયું હતું કે, ‘હુમલો વેર વાળવાનો હતો. મુસ્લિમોની સલામતીમાં કોઈ સમાધાન નહિ થાય’ આ પોસ્ટમાં લોરી, હાથમાં ખંજર સાથેની વ્યક્તિ, લોહીના ખાબોચિયાં અને આગમાં લપેટાયેલા ટાવર બ્રિજ દર્શાવાયાં હતાં. એક અન્ય સંદેશામાં યુરોપમાં અન્ય હુમલાઓમાં માર્યા ગયેલા જેહાદીઓના ચહેરા દર્શાવાયા હતા. તેમાં એમ પણ જણાવાયું હતું કે રમજાન મહિનામાં આવા હુમલાઓથી લાભ મળશે. એક વધુ સંદેશામાં જણાવાયું હતું કે, ‘તમને ત્રાસ આપવાનું અને જીવનને બદતર બનાવવાનું ચાલુ રહેશે. આજે અમારી ભૂમિ પર તમારી સામે લડીએ છીએ અને કાલે તમારી ભૂમિ પર લડીશું. ટુંક સમયમાં તમારી શેરીઓમાં વાહનોના હુમલા જોવા મળશે.’

