NAPS, કરમસદ સમાજ અને વસો નાગરિક મંડળ યુકે દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ ઉજવાઇ

Saturday 15th November 2014 14:44 EST
 
 

નેશનલ એસોસિએશન અોફ પાટીદાર સમાજ, કરમસદ સમાજ અને વસો નાગરીક મંડળ યુકે દ્વારા ભારતના ઘડવૈયા અને લોખંડી પુરૂષ શ્રી સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ અને દિવાળી ઉત્સવની શાનદાર ઉજવણી ટૂટીંગ સ્થિત સંસ્થાના હોલમાં કરવામાં આવી હતી. આ પ્રસંગે અગ્રણી નેતાઅો, અધિકારીઅો, વિવિધ સંસ્થાના અગ્રણીઅો અને સદસ્યો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને બન્ને પર્વની ઉજવણી કરી હતી.

આ પ્રસંગે વોન્ડ્ઝવર્થના મેયર કાઉન્સિલર શ્રી થોમ, ભારતીય હાઇ કમિશનના મિનિસ્ટર ફોર કો-અોર્ડીનેશન શ્રી સુખદેવ સિંઘ સિધ્ધુ, ટૂટીંગના એમપી શ્રી સાદિક ખાન, 'એશિયન વોઇસ – ગુજરાત સમાચાર'ના તંત્રી શ્રી સીબી પટેલ, વોન્ડ્ઝવર્થ કાઉન્સિલના ડેપ્યુટી લીડર કાઉન્સિલર લીયોન કૂપરે દીપ પ્રગટાવીને કાર્યક્રમનો વિધિવત શુભારંભ કર્યો હતો.

શેડો લોર્ડ ચાન્સેલર અને એમપી શ્રી સાદિક ખાને જણાવ્યું હતું કે 'શ્રી સરદાર વલ્લભભાઇ પટેલને અંજલિ અર્પણ કરવા ઉપસ્થિત સૌને જઇને ખૂબજ આનંદ થાય છે. સરદારે ભારતને એક કરવામાં ખૂબજ મહત્વનો ભાગ ભજવ્યો હતો અને તેમના અનેરા યોગદાન બદલ તેઅો હંમેશા પ્રજાના મનમાં છવાયેલા રહેશે. આજે ભારતે તેના પડોશી દેશોની સરખામણીએ ખૂબજ પ્રગતિ કરી છે.'

વોન્ડ્ઝવર્થ કાઉન્સિલના મેયર કાઉન્સિલર થોમે સરદાર વલ્લભભાઇ પટેલના મહત્વપૂર્ણ યોગદાનને યાદ કરતાં જણાવ્યું હતું કે 'ભારતીયોએ વોન્ડઝવર્થ વિસ્તારમાં ખૂબજ મહત્વનું યોગદાન આપ્યું છે.'

મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહેલા ભારતીય હાઇકમિશનના મિનિસ્ટર ફોર કો-અોર્ડીનેટર શ્રી સુખદેવ સિંઘ સિધ્ધુએ જણાવ્યું હતું કે 'NAPSના ભારતીય હાઇકમિશન સાથે હંમેશા મહત્વપૂર્ણ સંબંધો રહ્યા છે. આ વર્ષે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિની સમગ્ર દેશભરમાં અને વિદેશોમાં પણ ઉજવણી થઇ રહી છે અને લાખ્ખોની સંખ્યામાં લોકો જોડાઇ રહ્યા છે. ગુજરાતમાં સરદાર શ્રીની સૌથી વિરાટ પ્રતિમા સ્થાપવા તૈયારીઅો થઇ રહી છે. ગુજરાતી સમુદાયે સમગ્ર વિશ્વમાં ખૂબજ પ્રગતિ સાધી છે.'

'ગુજરાત સમાચાર'ના તંત્રી અને પ્રકાશક શ્રી સીબી પટેલે જણવ્યું હતું કે 'શ્રી સિદ્ધુએ હજુ હમણાં જ પોતાનું પ્રવચન કર્યું. ભારતના રાષ્ટ્રગીતમાં બધા રાજ્યના લોકોનો ઉલ્લેખ છે. તેમાં પંજાબીઅોનો પણ ઉલ્લેખ છે. આ પંજાબીઅો હંમેશા યુધ્ધ મોરચે મેદાન મારે છે. દેશના વડાપ્રધાન મોદીજીએ આજના પ્રસંગે 'રન ફોર યુનિટી' કાર્યક્રમ આપ્યો હતો અને હવે સ્વચ્છ ભારત અભિયાન આદર્યું છે. આજના દિવસ પહેલા ૬૭ વર્ષ સુધી કોઇએ આવું આભિયાન આદર્યું નહતું. આજે સરદાર શ્રીની જન્મ જયંતિ છે તો કમનસીબે શ્રીમતી ઇન્દિરા ગાંધીની મૃત્યુ તિથિ પણ છે. સરદાર શ્રીએ ૫૭૫ રાજ્યોને એક કર્યા હતા અને ગાંધીજીને વિશ્વાસ હતો કે સરદાર જ આવું કરી શકશે.'

શ્રી સીબી સરદારશ્રીની લાક્ષણિકતાઅો અને ગુણોની પ્રસંશા કરતાં જણાવ્યું હતું કે 'મને આનંદ છે કે NAPSએ આજે આ કાર્યક્રમનું આયોજન કરી અંજલિ આપી છે અને તેમાં વિવિધ ગામના અગ્રણીઅો અને પરિવારો જોડાયા છે. જેમને નેતા કે કાઉન્સિલર થવું હોય તેમણે સેવા કાર્યો કરવા જોઇએ જેથી તેઅો ગર્વ લઇ શકે. અપણા સમાજને સેવાની જરૂર છે અને જો તમે સેવા ન કરી શકો તો તમને હોદ્દા પર રહેવાનો અધિકાર નથી. સરદાર પોતે વડાપ્રધાન બની શકે તેમ હતા અને તેમને પણ ૧૨થી ૧૫ કમીટી મેમ્બરનો ટેકો હતો.'

ક્રોયડનના મેયર કાઉન્સિલર મંજુ શાહુલ-હમીદે જણાવ્યું હતું કે 'સરદાર શ્રી અને ગાંધીજીએ સાથે ક્વીટ ઇન્ડિયા મુવમેન્ટમાં કામ કર્યું હતું. સરદાર હંમેશા લાખો લોકોના પ્રેરણાસ્તોત્ર રહ્યા છે. તેમણે મહિલાઅોને પણ આગળ આવવા અપીલ કરી હતી.

વોન્ડ્ઝવર્થ કાઉન્સિલના ડેપ્યુટી લીડર કાઉન્સિલર લીયોન કૂપર અને ટૂટીંગના કોન્ઝર્વેટીવ પાર્લામેન્ટરી કેન્ડીડેટ શ્રી ડેન વોટકિન્સે સૌને દીપાવલિ અને નૂતન વર્ષની શુભેચ્છાઅો પાઠવી હતી.

વિખ્યાત કવિ શ્રી પંકજભાઇ વોરાએ સરદારશ્રીને અંજલિ આપતા ખૂબ જ સુંદર કવિતા 'અર્જુનના યોગેશ્વર : સરદાર' રજૂ કરી હતી. એ ગૌરવપૂર્વક અત્રે પ્રસ્તુત છે.

અર્જુનના યોગેશ્વર : સરદાર

સરદાર!

અમારી સ્વપ્નસિદ્ધિનું ગૌરીશંકર છો -

સરદાર!

અમને કર્મયોગી અર્જુન કરનાર યોગેશ્વર છો -

સરદાર!

તમે વતનની હર સમસ્યાનો ઉત્તર છો - -

ઝવેરાતના બધા મણિ

અમૂલા કોહીનૂર નથી હોતા

ભારતના સૌ જવાંમર્દો

વલ્લભ શા શૂર નથી હોતા

સાબરમતીના હર અંતેવાસી

ગાંધીનું ઉર નથી હોતા

સરદાર!

તમે યુગને ઉજ્જવલ કરનાર ધૂરંધર છો

સરદાર!

તમે ભારતને ગરિમા દેનાર પયગંબર છો

ગુજરાતનું અમૂલ્ય મોતી ને

ભારતનો દુર્લભ ખજાનો છો

ધરાના આ લોહપુરુષમાં

સ્વપ્નના આસમાનો છે

ગાંધીના સાથમાં સરદારનું હોવું

વિધિના વરદાનો છે

સરદાર!

કરમના ખેતરમાં નિષ્ઠાનું વાવેતર છે

સરદાર!

શાંતિની લહેર, ક્રાંતિનો સમુંદર છે

તમે પ્રતિ અને પ્રતીતિ છો

ગૂર્જર અસ્મિતાની

તમે ગરિમા ને ગતિ છો

ભારત ભાગ્ય વિધાતાની

તમે સંવાદ ને સંગતિ છો

વિરોધાભાસી નાતાની

સરદાર!

તમે અમારી આસ્થાનું અંબર છો -

સરદાર!

અમારા અંતર આત્માના ઈશ્વર છો -

સરદાર!

તમે જનગનમનના દિવ્ય સ્વર છો -

NAPS જનરલ સેક્રેટરી શ્રી ઉમેશભાઇ અમીને સૌ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. ઉજવણીમાં ખૂબજ સુંદર સહયોગ આપનાર કરમસદ સમાજના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઇ પટેલ અને વસો નાગરિક મંડળના પ્રમુખ શ્રી પ્રદીપભાઇ અમીને પ્રાસંગીક પ્રવચન કર્યા હતા. તો દેવિકા પટેલે સુંદર નૃત્ય રજૂ કર્યું હતું અને કાર્યક્રમનું સંચાલન કવિતા પટેલે કર્યું હતું.

સંસ્થાના અગ્રણી અને ટ્રસ્ટી શ્રી પ્રવીણભાઇ અમીને ઉપસ્થિત મહેમાનો, સહયોગ આપનાર સંસ્થાઅો કરમસદ સમાજ તેમજ વસો નાગરીક મંડળ, મ્યુઝીક ગૃપના નિલમ, ચિરાગ અને અર્પણ, યોગી ડીવાઇન સોસાયટીના વોલંટીયર્સ, ફોટોગ્રાફર રાજ બકરાણીયાનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં ભારત અને બ્રિટનના રાષ્ટ્રગીતનું ગાન કરાયું હતું.

0000000૦૦૦૦

બન્ને દેશના રાષ્ટ્રગીતને ઉભા થઇને સન્માન આપતા શ્રોતાઅો

૦૦૦૦૦૦૦


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter