નમ્રતા પ્રકાશ, યાત્રી શાહ અને ભારતી ચઢ્ઢાને તાકીદે તબીબી સહાયની જરૂર પડી ત્યારે અમે NHS 111ને કોલ કર્યો અને NHS દ્વારા અપાયેલી સલાહનું એ ત્રણેએ પાલન કર્યું. તેમને લાગ્યું કે NHS 111 માત્ર હેલ્પલાઈન જ નથી, તેના કરતાં પણ વિશેષ છે. તેમણે અઠવાડિયાના તમામ ૭ દિવસ ૨૪ કલાક ઉપલબ્ધ સંપૂર્ણ તાલીમ પામેલા સલાહકારો સાથે વાતચીત કરી હતી. તેમણે તેમની શારીરિક પરિસ્થિતિને આધારે સીધો જ સંબંધિત હેલ્થકેર પ્રોફેશનલ સાથે સંપર્ક કરાવ્યો હતો.
નમ્રતાએ જણાવ્યું હતું,‘ મેં NHS 111નો ઘણી વખત ઉપયોગ કર્યો છે અને હંમેશા મારો અનુભવ ખૂબ સરસ રહ્યો છે. તાજેતરમાં જ મારા પુત્રને પેટમાં દુઃખાવો થતો હોવાથી મેં ફોન કરતા તેમણે દુઃખાવાની બાબતે થોડા પ્રશ્રો પૂછ્યા હતા અને તેની સારવાર કેવી રીતે કરવી તેની સલાહ આપી હતી. તબિયતમાં સુધારો ન થાય તો ફરીથી કોલ કરવાનું પણ કહ્યું હતું. હાલત ન સુધારતા મેં ફરીથી ફોન કરતા તેમણે મને GP પાસે ફોન કરાવ્યો અને GP એ એપોઈન્ટમેન્ટ ગોઠવી આપી હતી. મારે ઘરની બહાર પગ મૂકવાની પણ જરૂર ન પડી અને આ બધું થઈ ગયું.
યાત્રીએ આ વર્ષના પ્રારંભે પહેલી જ વખત NHS 111નો ઉપયોગ કર્યો હતો અને ત્યારથી અત્યાર સુધીમાં કેટલીક વખત તેનો ઉપયોગ કર્યો છે. યાત્રીએ જણાવ્યું હતું,‘ મારી ૪ મહિનાની દીકરીને ચાર કલાકના ગાળામાં છ વખત વોમિટ થતા મેં પહેલી વખત NHS 111ને ફોન કર્યો હતો. તેમણે નોર્થવિક પાર્ક હોસ્પિટલમાં બપોરના ૨ વાગ્યાની એપોઈન્ટમેન્ટની વ્યવસ્થા કરાવી. આટલી ઝડપી કામગીરી જોઈને મને ખૂબ જ આશ્ચર્ય થયું.
બીજી વખત મારી દીકરીને નેપીને લીધે ખૂબ રેશીસ થયા ત્યારે કોલ કરતા તેમણે મીડવાઈફ પાસે ફોન કરાવ્યો અને તેણે રેશીસથી દીકરીને રાહત થાય તેવી સલાહ આપી. આ સર્વિસ ખૂબ જ સરસ હોવાથી માત્ર મારી દીકરી માટે નહીં પરંતુ, પરીવારના અન્ય સભ્યો માટે પણ હું NHS 111ને ફોન કરું છું. આ એક ખૂબ કાર્યદક્ષ સર્વિસ છે અને જીવને જોખમ ન હોય તેવી તાકીદની તબીબી સહાય માટે A&E દોડી જવાને બદલે લોકો NHS 111ને કોલ કરે તો NHSના ઘણાં નાણાં બચી જાય.’
ભારતી એક વર્ષ અગાઉ જ યુકે આવી હતી અને તેમણે તેમની ૭ અઠવાડિયાની અને ૪ વર્ષની પુત્રીઓ માટે લગભગ ત્રણ વખત આ સર્વિસનો ઉપયોગ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું,‘ મારી ચાર વર્ષની પુત્રીને પેશાબની તકલીફ હતી ત્યારે ફોન કર્યો હતો. GP સર્જરી બંધ થઈ ગઈ હોવાથી તેમણે સ્થાનિક હોસ્પિટલમાં આઉટ ઓફ અવર્સ ક્લિનિકમાં એપોઈન્ટમેન્ટ ગોઠવી આપી. ડોક્ટરે કેટલાક ટેસ્ટ કરાવ્યા અને યુરિનરી ઈન્ફેક્શનની સફળ સારવાર કરી હતી. હું NHS 111નો ખૂબ આભાર માનું છું. તેમની સર્વિસ શ્રેષ્ઠ છે.’
આપને પણ જીવને જોખમ ન હોય તેવી તાકીદની તબીબી મદદની જરૂર જણાય ત્યારે NHS 111ને કોલ કરો.
વધુ માહિતી માટે વેબસાઈટ nhs.uk/111 જુઓ.


