લંડનઃ આ વર્ષના એપ્રિલ મહિનાથી NHSના પ્રીસ્ક્રિપ્શન ૨૦ પેન્સના વધારા સાથે નવ પાઉન્ડ સુધી પહોંચવાની સરકારે જાહેરાત કરી છે. વર્ષ ૨૦૧૬થી પ્રીસ્ક્રિપ્શનમાં દર વર્ષે ૨૦ પેન્સનો વધારો થતો રહ્યો છે. ઈંગ્લેન્ડના પેશન્ટોએ ફાર્મસીમાંથી તેમની દવાઓ મેળવવા ૨૦ પેન્સ વધુ આપવા પડશે. પ્રીસ્ક્રિપ્શન વિગ્સ, બ્રાઝ અને સ્પાઈનલ સપોર્ટ્સની કિંમતો વધી જશે. જોકે, પ્રીપેઈડ સર્ટિફિકેટ્સ યથાવત રહેશે. નિષ્ણાતોએ ભાવવધારાને વખોડી કાઢતાં જણાવ્યું હતું કે આનાથી દર્દીઓ મહત્ત્વની દવાઓ લેવાનું પણ ટાળશે.
ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ સોશિયલ કેર દ્વારા સતત ત્રીજા વર્ષે પ્રીસ્ક્રિપ્શનની પ્રાઈસ ૨૦ પેન્સ વધારવાની જાહેરાત કરાઈ હતી. બચતમાં ૨૨ બિલિયન પાઉન્ડ બનાવવાની ૨૦૧૫ની યોજના તેમજ NHS માટે ૨૦૨૧ સુધીમાં ૧૦ બિલિયન પાઉન્ડનું રોકાણ કરવાના ભાગરુપે આ વધારો કરવામાં આવ્યો છે. જોકે, એક વર્ષ માટે અમર્યાદિત પ્રીસ્ક્રિપ્શન્સને આવરી લેતાં પ્રીસ્ક્રિપ્શન્સ પ્રીપેમેન્ટ સર્ટિફિકેટ્સ વાર્ષિક ૧૦૪ પાઉન્ડ અથવા ત્રિમાસિક ૨૯.૧૦ પાઉન્ડના ધોરણમાં ફેરફાર કરાયો નથી. સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં NHS પેશન્ટ માટે પ્રીસ્ક્રિપ્શન્સ મફત છે.
બીજી તરફ, કેમ્પેઈન જૂથ પ્રીસ્ક્રિપ્શન ચાર્જિસ કોઅલિશન, ફાર્માસ્યુટિકલ સર્વિસીસ નોગોશિયેટિંગ કમિટી, રોયલ ફાર્માસ્યુટિકલ સોસાયટીઝ ઈંગ્લિશ બોર્ડ સહિતની સંસ્થાઓએ આ ભાવવધારાનો વિરોધ કર્યો હતો.


