NHS સહિત જાહેર સેવા પાછળ ખર્ચેલા £૪૮.૫ બિલિયન પાણીમાં ગયા?

Sunday 12th July 2020 07:44 EDT
 
 

લંડનઃ બોરિસ સરકારે કોરોના વાઈરસ મહામારીના ગાળામાં પબ્લિક સર્વિસીસ પાછળ વધારાના ૪૮.૫ બિલિયન પાઉન્ડ ખર્ચી નાખ્યાં છે જેમાંથી ૩૧.૯ બિલિયન પાઉન્ડ તો NHS માટે ખર્ચાયા હતા. NHS માટે ખર્ચાયેલા નાણામાં ટેસ્ટ એન્ડ ટ્રેસ પ્રોગ્રામ પાછળ ૧૦ બિલિયન તેમજ ફ્રન્ટલાઈન હેલ્થ સ્ટાફ માટે પર્સનલ પ્રોટેક્શન ઈક્વિપમેન્ટ (PPE)ના ૧૫ બિલિયન પાઉન્ડનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ૫.૫ બિલિયન પાઉન્ડ પ્રાઈવેટ હેલ્થ સેક્ટરની સુવિધાઓ ભાડે લેવા માટે ખર્ચાયા હતા. ચોંકાવનારી બાબત એ છે કે ટેસ્ટ એન્ડ ટ્રેસ પ્રોગ્રામ હજુ અપેક્ષા પ્રમાણે કામ કરતો નથી. કરદાતાના નાણાના દુર્વ્યય બદલ સરકારની આકરી ટીકા થઈ રહી છે.

હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે મે મહિનાના અંત ભાગમાં ટેસ્ટ એન્ડ ટ્રેસ પ્રોગ્રામની જોરશોરથી જાહેરાત કરી હતી. જોકે, કોરોના માટે ટેસ્ટ પોઝિટિવ આવેલા લગભગ ૨૫ ટકા પેશન્ટ્સને શોધી શકાયા નથી. આ પ્રોગ્રામ પાછળ ૧૦ બિલિયન પાઉન્ડનો ખર્ચ થઈ જ ગયો છે. વિજ્ઞાનીઓએ ચેતવણી આપી જ હતી કે વાઈરસનો ફેલાવો અંકુશમાં લાવવાની ખાતરી માટે કોન્ટેક્ટ ટ્રેસિંગ પ્રોગ્રામ્સમાં ઈન્ફેક્શન્સના ઓછામાં ઓછાં ૮૦ ટકાને ઝડપી લેવા જરુરી રહેશે. આ પ્રોગ્રામના ઈન્ચાર્જ બેરોનેસ ડિડો હાર્ડિંગે સ્વીકાર્યું હતું કે સરકારના લક્ષ્યાંકો પૂર્ણ કરી શકાયા નથી. તેમણે કહ્યું હતું કે લોકોના સહકાર વિના ટ્રેસિંગ સિસ્ટમ અને એપ કામ કરી શકશે નહિ.

NHSના ફ્રન્ટલાઈન હેલ્થ સ્ટાફ માટે PPE ખરીદવા પાછળ માત્ર ત્રણ મહિનાના ગાળામાં ૧૫ બિલિયન પાઉન્ડનો જંગી ખર્ચ કરાયો છે જે, હોમ ઓફિસના કુલ વાર્ષિક બજેટ કરતાં પણ વધારે છે. આ રકમ હોસ્પિટલ્સ અને કેર હોમ્સમાં ગ્લોવ્ઝ, એપ્રન્સ અને માસ્ક માટે ખર્ચાઈ હતી. કોરોના વાઈરસ મહામારીની શરુઆતમાં ભારે ચેતવણીઓ અપાયા છતાં સરકાર PPEનો સ્ટોક કરવામાં નિષ્ફળ રહી હતી અને છેલ્લી ઘડીએ કેટલાક સપ્લાયર્સને ઊંચી કિંમતો આપીને તેની ખરીદી કરવી પડી હતી.

 ખાનગી ક્ષેત્રની તબીબી સેવાઓ ઉપયોગમાં લેવા, જેઓ અશક્ત હોય કે સલામતી કવચ હેઠળ હોય તેમને દવાઓ પહોંચાડવા, બેન્ક હોલીડેઝ દરમિયાન જીપી સર્જરીઝ અને ફાર્મસીઝ ખોલવાની કામગીરી પાછળ વધુ ૫.૫ બિલિયન પાઉન્ડ ખર્ચાયા હતા. આ ઉપરાંત, તબીબી દૃષ્ટિએ સ્વસ્થ પેશન્ટસ સલામત રીતે વહેલા હોસ્પિટલમાંથી રજા મેળવી શકે તે માટે ડિસ્ચાર્જ પ્રક્રિયાને વધુ સક્ષમ બનાવવા, ડોમેસ્ટિક વેક્સીન્સ, સંશોધન અને વિકાસ અને ઉત્પાદન પાછળ પણ નાણા ખર્ચ કરાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter