NHS હોસ્પિટલો માટે કાર પાર્કિંગ ચાર્જ મબલખ કમાણીનું સાધન

Monday 31st December 2018 00:49 EST
 
 

લંડનઃ ઈંગ્લેન્ડની હોસ્પિટલો કાર પાર્કિંગના ચાર્જિસમાંથી મિલિયન્સ પાઉન્ડની કમાણી કરે છે. NHS Digitalના પ્રસિદ્ધ ડેટા મુજબ ૧૨૪ ઈંગ્લિશ NHS ટ્રસ્ટોએ વર્ષ ૨૦૧૭-૧૮માં કાર પાર્કિંગ ચાર્જિસ અને પેનલ્ટી ફાઈન્સ થકી જ ૨૨૬ મિલિયન પાઉન્ડથી વધુ કમાણી કરી હતી. ગત વર્ષમાં જ ૪૦ ટકાથી વધુ ટ્રસ્ટોએ પાર્કિંગ ચાર્જિસ વધાર્યા હતા. લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીને તેમનો પક્ષ હોસ્પિટલ કાર પાર્કિંગ ચાર્જ નાબૂદ કરવા માગતો હોવાનું જણાવ્યું છે. લિબરલ ડેમોક્રેટ પાર્ટી પણ પાર્કિંગ ચાર્જિસનો વિરોધ કરે છે.

પાર્કિંગ ચાર્જિસ અંગે પ્રેસ એસોસિયેશનની વિનંતીનો ઈંગ્લેન્ડના ૧૨૪ NHS ટ્રસ્ટોએ જવાબ આપ્યો હતો, જેમાં ૫૩ ટ્રસ્ટે (૪૩ ટકા) ગત વર્ષે મુલાકાતીઓ અથવા સ્ટાફ માટે ભાવ વધાર્યા હોવાનું અને બાકીના ૭૧ ટ્રસ્ટે (૫૭ ટકા) ભાવવધારો નહિ કર્યાનું જણાવ્યું હતું. વેલ્સ અને મોટા ભાગના સ્કોટલેન્ડમાં આવા પાર્કિંગ ચાર્જ નાબૂદ કરી દેવાયા છે. ઈંગ્લેન્ડની કેટલીક હોસ્પિટલોએ આવી કમાણીનો બચાવ કરતા જણાવ્યું છે કે આ નાણાનો મોટા ભાગનો હિસ્સો પેશન્ટ કેર અથવા કાર પાર્ક્સના નિભાવ પાછળ જ ખર્ચાય છે.

કેટલાક ટ્રસ્ટ પાર્કિંગમાંથી દર વર્ષે મિલિયન્સ પાઉન્ડ કમાય છે. સરેમાં ફ્રિમલી હેલ્થ ટ્રસ્ટે ૨૦૧૭-૧૮માં સ્ટાફ, પેશન્ટ્સ અને વિઝિટર્સ પાસેથી કાર પાર્કિંગ ચાર્જ તરીકે ૪,૪૫૨,૪૮૧ પાઉન્ડની કમાણી કરી હતી, જે તેની અગાઉના વર્ષે ૪,૧૨૬,૫૮૭ પાઉન્ડ હતી. ગયા વર્ષે ચાર્જિસ વધારનારી લેસ્ટરની યુનિવર્સિટી હોસ્પિટલે ૨૦૧૭-૧૮માં પાર્કિંગ ચાર્જ તરીકે ૪,૪૨૧,૮૬૨ પાઉન્ડની કમાણી કરી હતી, જે તેની અગાઉના વર્ષે ૩,૮૮૦,૫૮૭ પાઉન્ડ હતી. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter