લંડનઃ NHSને મળતાં ઓછાં ભંડોળ, સ્ટાફની તંગી અને સાસસંભાળની તીવ્ર માગણીના કારણોસર કેટલીક હોસ્પિટલો વાર્ષિક ૧૪૧ મિલિયન પાઉન્ડ જેટલું નુકસાન ભોગવે છે. વોચડોગ નેશનલ ઓડિટ ઓફિસ (NAO) અનુસાર ૧૦ હોસ્પિટલ ટ્રસ્ટોએ ૨૦૧૭-૧૮માં સંયુક્તપણે ૭૫૮ મિલિયન પાઉન્ડ જેટલી ખોટ કરી હતી, જે તમામ ટ્રસ્ટોની સંયુક્ત ૯૯૧ મિલિયન પાઉન્ડ ખોટના ૬૯ ટકા થવા જાય છે.
લંડનમાં બે હોસ્પિટલો ચલાવતા કિંગ્સ કોલેજ હેલ્થકેર ટ્રસ્ટે ગયા વર્ષે ૧૪૧.૪ મિલિયન પાઉન્ડની ખોટ કરી હતી, જો ઈંગ્લેન્ડના ૨૩૨ ટ્રસ્ટોમાં સૌથી વધુ છે. લંડનના વધુ એક ટ્રસ્ટ બાર્ટ્સ હેલ્થે ૧૦૮.૮ મિલિયન પાઉન્ડ તેમજ યુનાઈટેડ લિંકનશાયર હોસ્પિટલ્સ ટ્રસ્ટે ૮૧.૨૩ મિલિયન પાઉન્ડની ખોટ કરી હતી. આ ઉપરાંત, ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ સોશિયલ કેર દ્વારા ગંભીર નાણાકીય કટોકટીમાં આવેલી હોસ્પિટલોને ૩.૨ બિલિયન પાઉન્ડની ઈમર્જન્સી લોન અપાઈ હતી, જે તેની અગાઉના વર્ષ કરતાં ૨.૮ બિલિયન પાઉન્ડ વધુ હતી.
NAOએ હેલ્થ સર્વિસીસ ફાઈનાન્સિસની વાર્ષિક સમીક્ષામાં જણાવ્યું છે કે ઈંગ્લેન્ડમાં NHS નભાવી ન શકાય તેવી બજેટરી સમસ્યાઓથી ઘેરાયેલ છે. આઠ વર્ષ દરમિયાન બજેટમાં નહિવત્ વધારા પછી આરોગ્યસેવાઓ સમગ્રતયા ૪.૩ બિલિયન પાઉન્ડની નોંધપાત્ર ખોટનું ભારણ ધરાવે છે. વોચડોગે જણાવ્યું હતું કે છેક ૨૦૧૦થી નહિવત્ બજેટવધારા સાથે વધતી માગને પહોંચી વળવા સંઘર્ષ કરતી આરોગ્યસેવાને ૨૦૨૩-૨૪ સુધી વાર્ષિક ૨૦.૫ બિલિયન પાઉન્ડનું ભંડોળ વધારવાની સરકારની ખાતરી આવકારદાયક છે.
જોકે, રિપોર્ટમાં એમ પણ જણાવાયું છે કે સ્ટાફની તંગીના કારણે સારસંભાળ વધારવાની આરોગ્યસેવાની ક્ષમતાને ભારે ધક્કો વાગે છે. વધારાની સેવા આપવા એજન્સી દ્વારા અપાતા વધુ ખર્ચાળ સ્ટાફ પર મદાર રાખવો પડે છે.


