NHS ૨૦૦૦ વિદેશી GPની ભરતી કરશે પણ ભારતથી નહિ

Monday 24th July 2017 10:33 EDT
 
 

લંડનઃ સ્ટાફની અછતને પૂરવા માટે NHS દ્વારા દરિયાપારના ૨૦૦૦થી વધુ જીપીની ભરતી કરવામાં આવનાર છે પરંતુ, ભારતમાંથી કોઈની ભરતી કરવામાં નહિ આવે. NHS ઈંગ્લેન્ડના વડા સિમોન સ્ટીવન્સે જણાવ્યા અનુસાર ન્યૂ ઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને બાકીના ઈયુ દેશોમાંથી વધારાના ૨,૦૦૦ ડોક્ટરની ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે. સરકારે ૨૦૨૦ સુધીમાં વધુ ૫,૦૦૦ જીપીની ભરતીનું લક્ષ્ય રાખ્યું હતું જે પૂર્ણ થાય તેવા અણસાર નથી.

જોકે, ૧૯૯૦ના દાયકામાં NHSમાં ડોક્ટરોની અછત પૂર્ણ કરવા ભારતીય ડોક્ટરોને લાવવામાં આવ્યા હતા, જે પોતાના નિષ્ણાત જ્ઞાનથી આ દેશ માટે સંપત્તિ પૂરવાર થયા છે. આ વખતે ભારતનો વિચાર જ કરવામાં આવ્યો નથી તેનાથી ડાયસ્પોરાને આઘાત લાગ્યો છે. યુકેમાં ભારતીય મૂળના ૪૦,૦૦૦ ડોક્ટર્સ કાર્યરત છે.

પેશન્ટ્સને સલામત સંભાળ મળે તે માટે A&E યુનિટ્સમાં ફરજ પરના કન્સલ્ટન્ટ્સની સંખ્યા તાકીદે બમણાથી વધુ કરવા જણાવાયું છે. NHS ઈંગ્લેન્ડે આગામી પાંચ વર્ષમાં વધુ ૨,૨૦૦ A&E કન્સલ્ટન્ટ્સ ભરતી કરવા પડશે. અત્યારે ૧,૬૩૨ ડોક્ટર્સ આ યુનિટ્સમાં કામ કરે છે. રોયલ કોલેજ ઓફ ઈમર્જન્સી મેડિસિનના પ્રેસિડેન્ટ ડો. તાજ હાસને જણાવ્યું હતું કે હોસ્પિટલોએ સ્ટાફની અછતના લીધે હંગામી અને એજન્સી ડોક્ટર્સ પાછળ વર્ષે ૪૦૦ મિલિયન પાઉન્ડ ખર્ચવા પડે છે તેને આવી ભરતીથી સરભર કરી શકાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter