લંડનઃ કોરોના વાઈરસ મહામારીમાં અભૂતપૂર્વ કામગીરી બજાવનારી નેશનલ હેલ્થ સર્વિસ (NHS)ની ૭૨મી વર્ષગાંઠ પાંચ જુલાઈએ ઉજવાઈ હતી. આ નિમિત્તે લોકોનું જીવન બચાવનારા હેલ્થ વર્કર્સના માનમાં લોકોએ તાળીઓનો ગડગડાટ કરી તેમને વધાવી લીધા હતા. ડાઉનિંગ સ્ટ્રીટ, લંડન આઈ, વિન્ડસર કેસલ, ધ શ્રાડ સહિત જાહેર સ્થળોએ બ્લુ રંગની રોશની છવાઈ ગઈ હતી. વડા પ્રધાન બોરિસ જ્હોન્સન તેમનો જીવ બચાવનારા NHS હીરોને મળ્યા હતા. ક્લેપ ફોર કેરર્સ અંતર્ગતના કાર્યક્રમમાં વડા પ્રધાન જ્હોન્સન ઉપરાંત, પ્રિન્સ ચાર્લ્સ, ડ્યૂક એન્ડ ડચેસ ઓફ કેમ્બ્રિજ અને તેમના ત્રણ બાળકો, NHSના ફંડરેઈઝર ‘કર્નલ’ સર ટોમ મૂર, લેબર નેતા સર કેર સ્ટાર્મર અને લાખો લોકોએ હેલ્થ વર્કર્સનો આભાર વ્યક્ત કર્યો હતો. અગાઉ શનિવાર ૪ જુલાઈએ, તમામ લોકોએ એક મિનિટનું મૌન પાળી કોરોના વાઈરસના મૃતકો પ્રતિ સંવેદના વ્યક્ત કરી મિણબત્તીઓ પ્રગટાવી હતી.
વડા પ્રધાન બોરિસ જ્હોન્સન કોરોના વાઈરસ સામેના જંગમાં સેન્ટ થોમસ હોસ્પિટલમાં તેમની સઘન સારવાર કરી જીવ બચાવનારા NHSના તબીબ નિક પ્રાઈસ અને નિકોલસ હાર્ટ, નર્સ લૂઈ પિટારમા અને જેની મેક્ગી સહિત હેલ્થ વર્કર્સને ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે મળ્યા હતા અને અંગત આભાર વ્યક્તિ કર્યો હતો. તેઓ સાંજે પાચ વાગ્યે NHSની ૭૨મી વર્ષગાંઠ નિમિત્તે ક્લેપ ફોર કેરર્સ કાર્યક્રમના સ્થાપક એન મેરી પ્લાસ સાથે વડા પ્રધાન નિવાસની બહાર તાળીઓ પાડવામાં સામેલ થયા હતા. મિસ પ્લાસે વડા પ્રધાન સાથે તાળીઓ પાડવાના બહુમાન બદલ ગૌરવ દર્શાવ્યું હતું. વડા પ્રધાને નિવેદનમાં જણાવ્યું હતું કે,‘ NHS પરિવારે સતત ૭૨ વર્ષ અને ખાસ કરીને ગત થોડા મહિનામાં જે કામગીરી બજાવી છે તે અદ્ભૂત છે. તમે દેશની શ્રેષ્ઠતાનું પ્રદર્શન કર્યું છે. તમારા પ્રત્યે અમારો આભાર શાશ્વત બની રહેશે.’
પ્રિન્સ ઓફ વેલ્સે વર્તમાન મહામારીનો સમય NHS અને સમગ્ર દેશ માટે મુશ્કેલ બની રહ્યો હોવાનું જણાવી કહ્યું હતું કે ‘આપણા નિઃસ્વાર્થ નર્સીસ, ડોક્ટર્સ, પેરામેડિક્સ અને અસંખ્ય અન્ય કર્મચારીઓએ કોરોના વાઈરસથી સંક્રમિત લાખો લોકોને સારવાર આપવા સાથે મહાન બલિદાનો આપ્યાં છે. તેમના કૌશલ્ય, પ્રોફેશનાલિઝમ અને સમર્પણયુક્ત નિષ્ઠાનો આપણે આભાર માનીએ છીએ.’ તેમણે આ વાર્ષિક પરંપરા બની રહેશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી.