લોક મંચ
ચૂંટણી આવી રહી છે ત્યારે NHS સહિત વિવિધ સેવાઅો માટે કોન્ઝર્વેટીવ અને લેબર પાર્ટી દ્વારા અવનવી જાહેરાતો કરાય છે. લેબર પક્ષે તાજેતરમાં જ NHS પાછળ પાંચ વર્ષમાં £૩૭ બિલીયન વધારે ખર્ચ કરાશે તેવી જાહેરાત કરી. પરંતુ શું તમે માનો છો કે આ વધારે ખર્ચ તે કરી શકશે? તેમ થાય તો પણ NHSની સેવાઅો સુધરી જશે? આજે મોટાભાગના લોકોની ફરિયાદ છે કે તેમને જીપી સર્જરીની એપોઇન્ટમેન્ટ લેવામાં પુશ્કળ તકલીફ પડે છે. આવી જ હાલત હોસ્પિટલમાં સારવાર લેવા જાવ તો થાય છે. ઘણાં લોકોના અનુભવ NHS માટે સારા હોતા નથી. તમે જ્યારે બીમાર હો ત્યારે એપોઇન્ટમેન્ટ કે સારવાર ન મળે તો પછી વેરા ભરવાનો અર્થ શો?
અમારા વાચક મિત્ર, વિનુ સચાણીયાએ (મઝવેલ હીલ, લંડન) તાજેતરમાં જ પોતાના ૯૬ વર્ષના બીમાર માતાને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાવ્યા ત્યારનો ખૂબ જ વરવો કહી શકાય તેવો અનુભવ લખી જણાવ્યો છે જે ટૂંકમાં આ મુજબ છે.
તાજેતરમાં ચૂંટણીની જાહેરાત થતાં લેબર પાર્ટીએ પોતાની સરકાર આવશે તો એનએચએસના કામદારોનો પગાર વધારી આપવાની જાહેરાત કરી હતી. લેબર પાર્ટી કામદારો સંગંઠનોની હિમાયતી છે. પરંતુ આવા સંગઠનો - યુનિયનોની એકતા જનહિત માટે ક્યારેક ખતરનાક બની જતી હોય છે અને યુનિયનોના બળે કેટલીક વખત કર્મચારીઅો ફરજમાં ભયંકર બેદરકારી કરી ઉધ્ધાતાઇ ભર્યુ વર્તન કરે છે અને પ્રજા તેમને કશું જ કરી શકતી નથી. લેબર પાર્ટી સારી સેવાની વાત કરે તો સારૂ પરંતુ મત મેળવવા યુનિયનને પ્રોત્સાહન આપવું તે પ્રજાના હિતમાં નથી.
"તાજેતરમાં મારા ૯૬ વર્ષના અંધ અને સાંભળવાની તકલિફ ધરાવતા ડીમેન્શીયા અને અન્ય માનસિક બિમારીથી ગ્રસ્ત માતાને NHSની એક હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. તેમને ફેફસામાં પાણી ભરાવા સાથે છાતીમાં ખુબજ કફ ભરાયો હતો અને એસપ્રિએશન ન્યુમોનિયા થઈ ગયો હતો. તેમને ઇન્ટેન્સીવ કેર યુનિટમાં દાખલ કરવા જોઇતા હતા પણ સામાન્ય વોર્ડમાં દાખલ કર્યા હતા. મારા માતાને ખાંસી આવે ત્યારે કફ ભરાઇ જતો. પરંતુ તેને મશીનથી ખેંચવા માટે કર્મચારીઅો માત્ર ૨૦-૩૦ સેકંડ માટે આવતા અને પછી ચાલ્યા જતા. આ કફ તેમની શ્વાસનળીમાં જાય તો તેમનું મોત નિપજી શકે, પરંતુ નર્સ અને અન્ય કર્મચારીઅો આવા કેસમાં પૂરતું ધ્યાન આપતાં નથી. મારા માતાની સારવાર માટે મારે હોસ્પિટલ સત્તાવાળાઅો સમક્ષ ખૂબજ રજૂઆતો, ફરિયાદ અને મીટીંગો કરવી પડી હતી અને તે પછી તેમની સારવાર પર ધ્યાન આપવામાં આવ્યું હતું. જો મેં તેમ ન કર્યુ હોત તો તેઅો ઘરે પરત થઇ શક્યા ન હોત.
દર્દીની મુલાકાતના સમયે તમે જાવ ત્યારે આપણે માત્ર લાચાર થઈને તેમની હાલત જોવી પડે છે. તમે સારવાર બાબતે દબાણ કરો, બેલ મારો તો કોઈ જલ્દી જવાબ ન આપે, નર્સ આવે છે, અમે ખુબજ બીઝી છીએ, દર્દીની ઉંમર ખૂબ જ છે. સ્ટાફ ઓછો છે, અમે બધે ના પહોચી શકીએ જેવા ઉધ્ધત જવાબો મળવા લાગે. તેઅો પોતાના બચાવમા ખુબ જ સમય લે પણ કાળજી માટે કોઈ આત્મિયતા બતાવે નહી.
મારો અનુભવ જોતાં હવે બીમાર વ્યક્તિને હોસ્પીટલે પહોચાડી દેવાય તેટલું પૂરતું નથી. લોકોએ સારવારના નિયમો અને તેની કાળજી માટે ખુબજ સક્રિય થવુ પડશે. દર્દીના ડોકટર અને નર્સ કોણ છે? કઈ દવાઓ શા માટે આપે છે? કોઈ ચાલુ દવા બંધ કરી છે, તો શુ કામ કરી? તે સતત જાણવુ જરૂરી છે. સ્ટાફના હસતા ચહેરા કે મિઠી ભાષા ઉપર ભરોસો રાખવો નહિં. મોટા ભાગની નર્સ જાણે કે વર્ક ટુ રૂલ કામ કરે છે માટે સતર્કતા જરૂરી છે.
આપણા લોકો દર્દીઓને હેરાન થવુ પડશે તેવા ડરે ફરિયાદ કરતા અચકાય છે. પરંતુ તેમ કરીને આપણે જ આવા બેદકાર લોકોને પ્રોત્સાહન આપીએ છીએ. સાત્વિકતા, ન્યાય કે પવિત્રતાના ભોગે સ્વમાન સાચવવા જતા દુષ્ટ લોકો વધુ બળવાન બને છે. હોસ્પિટલ દ્વારા કરાવાતા સર્વે પણ બોગસ હોઇ શકે છે. સર્વે ફોર્મ પર પોતાના હકારાત્મક અભિપ્રાય લખી દે અને તેને પેટીમાં નાંખી દે તો કોને ખબર પડે! ઘણી વખત સામાન્ય હાઇજીન પણ જળવાતી નથી.
અમારા ઘણાં વાચકોએ જીપી સર્જરીની એપોન્ટમેન્ટ મેળવવામાં પડતી તકલીફો અંગે પણ ફરિયાદો કરી છે. આજકાલ મોટાભાગની જીપી સર્જરીમાં એપોઇન્ટમેન્ટ લેવી હોય તો સવારે ૮ કલાકે ફોન કરવો પડે અને જો અોનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તો સાંજે ૬ પછી બીજા દિવસ માટે એપોઇન્ટમેન્ટનું અોનલાઇન બુકિંગ કરાવવું પડે. પરંતુ તમને બન્ને પધ્ધતિમાં એપોઇન્ટમેન્ટ મેળવવામાં ઘણી જ તકલીફ પડે છે. આપણા વડિલો મોટેભાગે કોમ્પ્યુટર પર અોનલાઇન એપોઇન્ટમેન્ટ લઇ શકતા નથી. બીજી તરફ સવારે ૮ કલાકે તેઅો ફોન લગાડે કે તુરંત જ સર્જરીનો ફોન એંગેજ મળે છે અને લાગે ત્યારે સંદેશો સાંભળવા મળે. મોટેભાગે તમારો નંબર ૨૦મો કે ૨૫મો જ હોય અને જ્યારે નંબર લાગે ત્યારે કહે કે આજે કોઇ એપોઇન્ટમેન્ટ બાકી નથી, કાલે ફોન કરજો. બીજે દિવસે પણ એજ રામાયણ હોય. ઘણી સર્જરીવાળા તો આપણા લોકોને એમ જણાવે છે કે તમે રૂબરૂ સર્જરી પર પણ ન આવી શકો? આ તે કેવું? યુવાન મહિલાઅો જો મહિલા તબીબનો આગ્રહ રાખે તો મોટે ભાગે તે શક્ય ન બને. આવા સંજોગોમાં કરવું શું?
૦૦૦૦૦૦
મિત્રો જો આપ પણ આવી તકલીફોનો કે અન્ય તકલીફોનો ભોગ બન્યા હોય તો આપના પ્રશ્નની આજે જ અમારી સમક્ષ રજૂઆત કરો. અમે આપની પડખે છીએ અને આગામી ચૂંટણીમાં આપણા પ્રશ્નો અંગે યોગ્ય રજૂઆત થાય તે માટે આપની તકલીફોને ચૂંટણી લડતા ઉમેદવારો સમક્ષ પહોંચાડીશું. જેઅો આગામી પાર્લામેન્ટમાં આપના પ્રાણ પ્રશ્નોનો ઉકેલ લાવી શકે.
આપના પ્રશ્નો આજે જ કમલ રાવને પોસ્ટ, ફેક્સ 020 7749 4081 કે ઇમેઇલ [email protected] દ્વારા મોકલી આપો.
૦૦૦૦૦૦

