NHSનું સૌથી મોટું મેટરનિટી કૌભાંડઃ 201 બાળકો અને 9 માતાનાં કમોત

Wednesday 06th April 2022 02:03 EDT
 
 

લંડનઃ NHS ઈંગ્લેન્ડના સૌથી મોટા અને ખરાબ મેટરનિટી કૌભાંડના ડોના ઓકેન્ડન ઈન્ક્વાયરી રિપોર્ટમાં 201 નવજાત બાળકો અને ૯ માતાના મોત ટાળી શકાય તેવા હોવાનું જણાવાતા ખળભળાટ મચી ગયો છે. મિડલેન્ડ્સના શ્ર્યુસબરી એન્ડ ટેલ્ફોર્ડ હોસ્પિટલ NHS ટ્રસ્ટ ખાતે 2000થી 2019ના ગાળામાં સંખ્યાબંધ બાળકોનાં ગર્ભમાં જ મોત (સ્ટિલબર્થ), જન્મના થોડા સમયમાં જ મૃત્યુ (નીઓનેટલ ડેથ) તેમજ જરૂરી સીઝેરિઅન સેક્સનના બદલે કદુરતી બાળજન્મના દુરાગ્રહના કારણે મગજમાં ગંભીર નુકસાન અને બેકાળજીની ઘટનાઓ બાબતે આ ઈન્ક્વાયરી હાથ ધરાઈ હતી. 94 બાળકો ટાળી શકાય તેવા બ્રેઈન ડેમેજનો શિકાર બન્યાં હતાં. આ હોસ્પિટલોએ પોતાની ભૂલમાંથી કોઈ બોધપાઠ લીધો ન હતો. હોસ્પિટલો દ્વારા 40 ટકા સ્ટિલબર્થ અને 43 ટકા નીઓનેટલ મોતની કોઈ તપાસ કરાઈ ન હતી.

હેલ્થ સેક્રકેટરી સાજિદ જાવિદે આઘાતજનક રિપોર્ટનો સંપૂર્ણ સ્વીકાર કરવા સાથે NHSઈંગ્લેન્ડને તમામ હોસ્પિટલોમાં તેની ભલામણોનો અમલ કરવાની સૂચના આપી હતી અને જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવાની શોકગ્રસ્ત પરિવારોને ખાતરી આપી હતી. જાવિદે જણાવ્યું હતું કે ઓપરેશન લિંકન હેઠળ પોલીસ આશરે 600 કેસની તપાસ કરી રહી છે. પૂર્વ હેલ્થ સેક્રેટરી જેરેમી હન્ટે 2017માં શ્ર્યુસબરી હોસ્પિટલમાં ખરાબ કાળજીના મુદ્દે 23 ઘટનામાં ઈન્ક્વાયરીનો આદેશ આપ્યો હતો. મૃત બાળકોના કેટલાક પેરન્ટ્સે જવાબદારોને ન્યાયના કઠેડામાં લાવવા પોલીસ કાર્યવાહીની માગણી કરી છે.

લેન્ડમાર્ક ઓકેન્ડન રિપોર્ટની ભલામણો

રિપોર્ટમાં ઈંગ્લેન્ડના 10માંથી 4 NHS મેટરનિટી યુનિટ્સને અપૂરતા અથવા સુધારાને લાયક ગણાવાયા છે જ્યાં સલામતી માપદંડોનું પાલન થતું નથી. હાલ 2000 મિડવાઈવ્ઝની અછત છે. ઓકેન્ડન રિપોર્ટમાં સ્ટાફની સંખ્યા, ટ્રેનિંગ, પરિવારના સભ્યોની વાત સાંભળવા તેમજ હોસ્પિટલો દ્વારા કરાતી તપાસ સુધારવા અને ગંભીર ઘટનાઓમાંથી બોધપાઠ લેવા તેમજ રોયલ કોલેજ ઓફ મિડવાઈવ્ઝ અને રોયલ કોલેજ ઓફ ઓબ્સ્ટટ્રિશિયનના સ્વતંત્ર મેટરનિટી વર્કિંગ ગ્રૂપ રચવા ભલામણ કરાઈ છે.

NHSના સૌથી મોટા મેટરનિટી કૌભાંડમાં 201 નવજાત બાળકો અને 9 માતા પર પૂરતું ધ્યાન અને કાળજી રખાયાં હોત તો તેમનાં મોત થયાં ન હોત તેમ પાંચ વર્ષની તપાસના અંતે લેન્ડમાર્ક રિપોર્ટમાં સીનિયર મિડવાઈફ ડોના ઓકેન્ડને સ્પષ્ટ કર્યું છે. ઓકેન્ડને જણાવ્યું હતું કે NHSના સૌથી મોટા અને ખરાબ મેટરનિટી કૌભાંડ મુદ્દે રિપોર્ટમાં ભલામણોનો સંપૂર્ણ અમલ નહિ કરાય ત્યાં સુધી ઈંગ્લેન્ડમાં સ્ત્રીઓ માટે બાળકોને જન્મ આપવો સલામત નહિ રહે.

ઓકેન્ડનના રિપોર્ટમાં શ્ર્યુસબરી એન્ડ ટેલ્ફોર્ડ હોસ્પિટલ NHS ટ્રસ્ટમાં 2000થી 2019ના ગાળામાં બાળજન્મના 1,862 કેસ પર ધ્યાન અપાયું હતું. આમાંથી 1,592 કિસ્સામાં બાળકો અને સ્ત્રીઓને મરવા, અશક્ત-અપંગ થવા અને માનસિક આઘાત માટે છોડી દેવાઈ હતી. પોતાની ભૂલોમાંથી બોધપાઠ લેવા તે તપાસ કરવાના બદલે આ હોસ્પિટલોએ માતાઓ પર દોષનો ટોપલો ઢોળી દીધો હતો, કેટલાક કેસમાં માતાને જ પોતાના મોત માટે જવાબદાર ઠેરવાઈ હતી. રિપોર્ટમાં જણાવાયું હતું કે ધાકધમકીના વાતાવરણ હેઠળ હોસ્પિટલનો સ્ટાફ આ મુદ્દે બોલવામાં ભયભીત હતો. ઘણી બાહ્ય સંસ્થાઓએ ટ્રસ્ટ હોસ્પિટલોની તપાસ કરી હતી પરંતુ, ચેતવણી આપવામાં નિષ્ફળ રહી હતી. ઈંગ્લેન્ડમાં NHSનું નિયમન કરતી સંસ્થા કેર ક્વોલિટી કમિશને તો 2015માં શ્ર્યુસબરી હોસ્પિટલની મેટરનિટી સેવાને શ્રેષ્ઠ ગણાવી હતી.

પેરન્ટ્સે ઈન્ક્વાયરીની માગણી ઉઠાવી

માર્ચ 2009માં રિહાનોન ડેવિસ અને રિચાર્ડ સ્ટેન્ટનની દીકરી કેટ જન્મના થોડા કલાકમાં મોતને ભેટી હતી. તેમની દીકરીનું મોત શા કારણે થયું તે જાણવા તેમણે ઈન્ક્વાયરી માટે જોરદાર અવાજ ઉઠાવ્યો હતો. કેલે અને કોલીન ગ્રિફિથ્સની દીકરી પિપાનું 2016માં મોત થયું હતું અને તેમણે પણ કૌભાંડના પર્દાફાશ માટે લડત આપી હતી. મિસ ઓકેન્ડને ડિસેમ્બર 2020માં વચગાળાનો રિપોર્ટ આપ્યા પછી પણ ઘણા પરિવારોએ રજૂઆતો કરી હતી જે આજે પણ થતી હોવાનું જણાવાયું છે. ઓકેન્ડન રિપોર્ટના પગલે 11 બાળકના ટાળી શકાય તેવા મોત થયાં છે તે મોરકામ્બે બે સહિત અન્ય NHS મેટરનિટી કૌભાંડોની તપાસ માટે પણ માગણી ઉઠી છે. નોટિંગહામ એન્ડ ઈસ્ટ કેન્ટ હોસ્પિટલ ટ્રસ્ટ્સ ખાતે બાળકોના મોતમાં પણ ઈન્કવાયરીઓ હાથ ધરાઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter