ધ નેશનલ હેલ્થ સર્વિસ (NHS)ને લાંબા સમયથી ભારતીય કોમ્યુનિટી દ્વારા ગણનાપાત્ર સાથ અને સહકારનું યોગદાન મળી રહ્યું છે, જેણે યુકેની હેલ્થકેર સિસ્ટમના ઘડતર અને જાળવણીમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. NHSના પ્રારંભિક દિવસોથી જ ભારતીય ડોક્ટર્સ, નર્સીસ, અને હેલ્થકેર પ્રોફેશનલ્સે આવશ્યક ભૂમિકાઓ-કામગીરીઓ બજાવી છે જેના પરિણામે, સ્ટાફની અછતની સમસ્યાનો નિકાલ આવ્યો અને તેમની તજજ્ઞતાથી હેલ્થકેરની ગુણવત્તા સમૃદ્ધ બની છે.
આજે ભારતીય મૂળના પ્રોફેશનલ્સ NHSના વર્કફોર્સમાં ફ્રન્ટલાઈન વર્કર્સથી માંડી સીનિયર કન્સલ્ટન્ટ્સ અને એડમિનિસ્ટ્રેટર્સમાં નોંધપાત્ર હિસ્સો ધરાવે છે.યુકેના જાહેર આરોગ્યમાં NHS સીમાચિહ્ન બની રહે તેમાં તેમની સમર્પિતતા અને સેવા કારણભૂત બની રહેલ છે.
ઘણા ભારતીય ડોક્ટરોએ ને તેમના યોગદાન, તેમણે સામનો કરવા પડતા પડકારો અને અન્ય મુદ્દાઓ પર ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ સાથે વાતચીત કરી હતી.
NHS ગત 20થી 25 વર્ષમાં વધુ સમાવેશી
બ્રિટિશ એસોસિયેશન ઓફ ફીઝિશિયન્સ ઓફ ઈન્ડિયન ઓરિજિન (BAPIO)ના વાઈસ પ્રેસિડેન્ટ ડો. જોયદીપ ગ્રોવરે જણાવ્યું હતું કે NHS ગત 20થી 25 વર્ષમાં વધુ સમાવેશી બનેલ છે, NHSને ભારતીય ડોક્ટર્સના યોગદાનની કદર થઈ છે ત્યારે નવા આવનારાઓને યુકે હેલ્થકેર સિસ્ટમ સાથે અનુકૂલન સાધવામાં ઘણી વખત પડકારોનો સામનો કરવો પડે છે. તેમણે જણાવ્યું હતું કે,‘શરૂઆતના થોડા મહિનાથી માંડી થોડા વર્ષ ખાસ કરીને મુશ્કેલ રહે છે કારણકે આ ડોક્ટર્સ સાંસ્કૃતિક તફાવતો, ભાષાકીય અવરોધો અને અજાણ્યા પ્રોટોકોલ્સમાંથી પસાર થાય છે. આ તબક્કામાં ઘણાને સિસ્ટમ સમજવામાં તકલીફ થવાથી મુશ્કેલી સર્જાય છે. આ ઉપરાંત, ભારતીય ડોક્ટરો માટે સ્વતંત્ર પ્રેક્ટિશનર બનવાનો માર્ગ ઘણો પડકારજનક બની રહે છે કારણકે યુકેમાં તાલીમ મેળવેલાને તેમજ સિસ્ટમની ઊંડી સમજ ધરાવનારાને વધુ પસંદ કરાય છે.
ઘણા ભારતીય ડોક્ટર્સને સબ-કન્સલ્ટન્ટ ભૂમિકા મળે છે જ્યાં કારકિર્દીની પ્રગતિ મર્યાદિત હોય છે. યુકેમાં તાલીમબદ્ધ ગ્રેજ્યુએટ્સને પણ આવી પોઝિશન્સ મળે છે પરંતુ, આવી ભૂમિકામાં ભારતીય ડોક્ટર્સનું પ્રમાણ ઊંચુ રહે છે. યુકેમાં જન્મેલા ડોક્ટર્સની સરખામણીએ તેમને કારકિર્દીના વિકાસમાં અવરોધોનો સામનો કરવો પડે છે.’
NHSની અંદર વૈવિધ્યતા અને સમાવેશીતા નીતિઓ પર પ્રભાવ પાડવામાં ભારતીય હેલ્થકેર પ્રોફેશનલ્સની હાજરી વિશે બોલતા તેમણે કહ્યું હતું કે ગત 20થી 25 વર્ષના ગાળામાં NHS વધુ સમાવેશી બનેલ છે. બે દાયકા અગાઉ, હું આવ્યો ત્યારે ભારતીય ડોક્ટર્સને કેટલીક હોસ્પિટલોમાં એમ્પ્લોયમેન્ટ અને કારકિર્દી વિકાસના અવરોધોનો સામનો કરવો પડતો હતો. જોકે, ગત દાયકામાં BAPIO જેવાં સંગઠનોના પરિણામે નોંધપાત્ર સુધારો થયો છે અને NHSમાં વૈવિધ્યતા અને સમાવેશીતા કેન્દ્રીય થીમ્સ બની ગયાં છે. આજે દરેક NHS હોસ્પિટલોમાં મજબૂત EDI નીતિઓ અને વિવિધ ફેઈથ્સ અને ઓરિજિન્સ સંબંધિત મુદ્દાઓની ચર્ચા કરવાના મંચ છે. સક્રિય મેન્ટોરશિપ પ્રોગ્રામ્સ વૈવિધ્યપૂર્ણ પશ્ચાદભૂને સપોર્ટ કરે છે તેમજ સાંસ્કૃતિક ઓળખ દિવાળી, ઈદ, ઓનમ જેવી ઊજવણીઓ અને અન્ય વિસ્તારોના યોગદાન સુધી વિસ્તરી છે.’
NHS માં ભારતીય વર્કફોર્સની ટકાવારી વધી
નોર્થ ઈસ્ટ એસેક્સ ICB માટે ડેપ્યુટી મેડિકલ ડાયરેક્ટર ડો. યુ એ. તનવીર આલમ ભારપૂર્વક કહે છે કે વર્ષો દરમિયાન NHSમાં ભારતીય વર્કફોર્સની ટકાવારી વધી છે. તેમણે જણાવ્યું હતું કે 60ના દાયકામાં સાઉથ એશિયાથી ડોક્ટર્સનો ધસારો થયો તેની સરખામણીએ વર્ષો દરમિયાન ભારતીય વર્કફોર્સની ટકાવારીમાં સ્થિરપણે વધારો થતો રહ્યો છે. પ્રાઈમરી અને સેકન્ડરી કેરમાં ફ્રન્ટલાઈનમાં સ્ટાફની અછત હતી અને મુશ્કેલીઓ સર્જાઈ ત્યારે તત્કાલીન હેલ્થ મિનિસ્ટર એનોક પોવેલની વર્કફોર્સને વધારવાની હાકલનું આ પરિણામ હતું અને તેમના વિના હેલ્થ સર્વિસ ભાંગી પડી હોત. 1971 સુધીમાં NHSમાં તમામ ડોક્ટર્સના 31 ટકાએ વિદેશમાં અભ્યાસ કરેલો હતો અને વર્તમાન આંકડા મુજબ લગભગ 61,000 ભારતીય હેલ્થકેર વર્કર્સ NHSમાં કાર્યરત છે.’
પોતાની કારકિર્દીનેને આગળ વધારવામાં અને રેસ અને વંશીયતા સંબંધિત અવરોધો પાર કરવામાં NHS તેમના ભારતીય હેલ્થકેર પ્રોફેશનલ્સને કેવી રીતે સપોર્ટ કરી શકે તે મુદ્દે બોલતા તેમણે જણાવ્યું હતું કે,‘ NHS વર્કપ્લેસમાં સાંસ્કૃતિક સુરક્ષાને સુધારી શકે, પ્રતિષ્ઠા અને વર્કફોર્સ સ્ટાન્ડર્ડ્સને સુધારી શકે, સતામણી વિના સાચા વ્હીસલબ્લોઈંગને સુધારી શકે, સંસ્થાગત ભેદભાવયુક્ત GMC અને CQC ને અંકુશિત રાખવામાં મદદ કરી ‘ગ્લાસ સીલિંગ’ તોડવામાં સફળતા અપાવી શકે, વરિષ્ઠ ભૂમિકાઓમાં વિકાસ કરાવી શકે- જે વર્તમાન વર્કફોર્સમાં 35 ટકા છે અને નોંધપાત્રપણે હરણફાળ ભરી શકે છે પરંતુ, માત્ર 17 ટકા (સંયુક્તપણે તમામ વંશીયતા)ને સીનિયર મેનેજમેન્ટ અને લીડરશિપ ભૂમિકા મળે છે.
લીડરશિપ ભૂમિકાઓમાં ઓછું પ્રતિનિધિત્વ
ઈમ્પિરિયલ કોલેજ લંડનમાં પ્રાઈમરી કેર વિભાગમાં ક્લિનિકલ સીનિયર ફેલો પ્રોફેસર માલા રાવે NHSની અંદર ભારતીય હેલ્થકેર પ્રોફેશનલ્સની ભૂમિકાનું મહત્ત્વ ઉજાગર કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે,‘લાંબા અને ટુંકા ગાળામાં તેમની સંખ્યા વધતી રહેવાની છે. વર્કફોર્સમાં નોંધપાત્ર પ્રતિનિધિત્વ સાથે કદાચ તેમની નેતૃત્વ ક્ષમતાનો સારો ઉપયોગ કરી શકાશે. પરંતુ, હું આશા પણ રાખું કે અન્ય પ્રકારના પૂર્વગ્રહો અને સત્તાની અસમતુલા વર્તમાન પરિસ્થિતિનું સ્થાન લેશે નહિ. મારી આશા એવી છે કે ભારતીય મૂળના નેતાઓ તેમની નેતૃત્વની તકોનો શ્રેષ્ઠ ઉપયોગ સમાવેશીતાની વૃદ્ધિ અને દરેકને અને ખાસ કરીને ઓછાં પ્રતિનિધત્વ સાથેની કોમ્યુનિટીઓને, હેલ્થ ઈસ્યુઝ અને સ્ટાફને અવાજ આપવામાં કરશે.’
ભારતીય હેલ્થકેર પ્રોફેશનલ્સના યોગદાનને NHSની અંદર અને વ્યાપક યુકે સમાજમાં પૂરતી માન્યતા મળી રહી હોવાં વિશે બોલતાં તેમણે જણાવ્યું હતું કે,‘તેઓને લીડરશિપ ભૂમિકાઓમાં ઓછું પ્રતિનિધિત્વ અપાય છે અને જેવાં હોવાં જોઈએ તેવા સશક્ત અને વિશ્વાસસભર હોવાની લાગણી અનુભવતા નથી,મહામારીમાં ભારતીય મૂળના ડોક્ટર્સ અનુભવે આ દર્શાવ્યું છે. હેલ્થ રિસર્ચ એકેડેમીઆમાં તેમનું પ્રતિનિધિત્વ ઘણું નબળું રહ્યું છે.’


