PIOમાંથી OCI રજિસ્ટ્રેશનની અરજી ૩૦ જૂન સુધી થઈ શકશે

Monday 22nd May 2017 08:15 EDT
 
 

લંડનઃ ભૂતકાળના PIO કાર્ડધારકો દ્વારા OCI કાર્ડધારક તરીકે રજિસ્ટ્રેશન કરાવવા માટે અરજી સુપરત કરવાની તારીખ લંબાવી ૩૦ જૂન,૨૦૧૭ કરવામાં આવી છે. ભારતીય હાઈ કમિશનના કોમ્યુનિટી એફેર્સ વિભાગ દ્વારા મહત્ત્વની યાદીમાં જણાવાયું છે કે OCI કાર્ડધારક તરીકે રજિસ્ટ્રેશન કરાવવા અરજદારોએ મૂળ દસ્તાવેજોની નકલના સેટ સાથે મૂળ દસ્તાવેજો પણ કાઉન્ટર પર સુપરત કરવાના રહેશે.

રજૂ કરાયેલા દસ્તાવેજો સંતોષકારક હોવાની ચકાસણી અને સંતોષ પછી ભારતીય હાઈ કમિશન દ્વારા મૂળ દસ્તાવેજો અરજદારને પરત કરવામાં આવશે. તમામ ફોટોકોપી સ્વપ્રમાણિત હોવી આવશ્યક છે. માન્ય PIO કાર્ડના બદલામાં OCI કાર્ડ મેળવવાની અરજી કોઈ પણ ચાર્જ વિના કરી શકાશે. જોકે, આઉટસોર્સિંગ એજન્સી માટેના સર્વિસ ચાર્જ અને પોસ્ટલ ચાર્જીસ અરજદારે ચુકવવાના રહેશે.

અરજદારે PIO કાર્ડના બદલામાં OCI કાર્ડ મેળવવાની અરજી તેમના નિવાસના અધિકારક્ષેત્રમાં આવતી સંબંધિત ઈન્ડિયન મિશન/FRRO ખાતે કરવાની રહેશે. ભારત સરકારે ૯ જાન્યુઆરી, ૨૦૧૫ના ગેઝેટ નોટિફિકેશન નંબર 26011/01/2014IC.I દ્વારા જાહેર કર્યું હતું કે ૯ જાન્યુઆરી, ૨૦૧૫ સુધી ઈસ્યુ કરાયેલા તમામ PIO કાર્ડને OCI કાર્ડ ગણવામાં આવશે. જોકે, આ પછી PIO કાર્ડ સ્કીમ પાછી ખેંચી લેવાઈ હોવાથી અરજદારો માત્ર OCI કાર્ડ માટે જ અરજી કરી શકશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter