લંડનઃ રોયલ ડેવોન એન્ડ એક્સટર હોસ્પિટલના ચેપલન્સી સેન્ટર ખાતે દેવાધિદેવ શિવજીની આરસની મૂર્તિ છેલ્લાં 10 વર્ષથી પેશન્ટ્સ, તેમના સ્નેહીજનો અને ડોક્ટર્સ તથા પરિચારિકાઓ પર મબલખ આશીર્વાદ વરસાવી રહી છે. ચેપલિન્સી સેન્ટર ઓફ રોયલ ડેવોન યુનિવર્સિટી હોસ્પિટલ વોન્ફોર્ડ એક્સટર ડેવોન ખાતે ઓમ ડેવોનેશ્વર મહાદેવ શિવાલય માટે ભક્તિપૂર્ણ સમર્પણના આ દસકો છે. એક્સટરમાં રોયલ ડેવોન યુનિવર્સિટી ટ્રસ્ટ હોસ્પિટલના ઈતિહાસમાં આ સપ્તાહ શિવાલયની સ્થાપના માટે સીમાચિહ્ન બની રહેલ છે.
હોસ્પિટલના સ્ટાફ અને પેશન્ટ્સ માટે મહાદેવજીના આશીર્વાદ જરૂરી હોવાની સ્થાનિક હિન્દુ કોમ્યુનિટીના સભ્યોની લાગણીના પરિણામે, અસંખ્ય કલાકોની કારીગીરી, જયપુરથી 4,000 માઈલના પ્રવાસ તેમજ બે વર્ષથી વધુ સમયગાળા પછી દેવાધિદેવ શિવજીની આરસની મૂર્તિ આખરે રોયલ ડેવોન એન્ડ એક્સટર હોસ્પિટલના ચેપલિન્સી સેન્ટર ખાતે પહોંચી હતી. બ્રિસ્ટોલના પૂજારી પંડિતજી અનિરુદ્ધ ભટ્ટ દ્વારા મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠાની પૂજાવિધિ કરવામાં આવી હતી. એક્સટરમાં 40 વર્ષ કરતાં વધુ વર્ષથી રહેતા અને NHS ટ્રસ્ટને સપોર્ટ કરી રહેલા યુનિવર્સિટી ઓફ એક્સટરના હિન્દુ ચેપ્લિન રવિન્દ્રભાઈ નથવાણીના અવિરત પ્રયાસોના કારણે આ શક્ય બન્યું હતું.
રોયલ ડેવોન એન્ડ એક્સટર ફાઉન્ડેશન ટ્રસ્ટ ખાતે ચેપ્લિન્સીના વડા ડો. સિમોન હેરિસને ઓમ ડેવોનેશ્વર મહાદેવની આરસની મૂર્તિનાં આગમનને વધાવી લીધું હતું. મૂર્તિની સ્થાપના પછીના મહિનાઓમાં હોસ્પિટલમાં હિન્દુ દર્દીઓને સપોર્ટ કરવા ધાર્મિક પુરાણો, પુસ્તકો અને પ્રાર્થનાઓની સીડીની ખરીદી પણ કરવામાં આવી હતી. મહાદેવજીના આગમનથી હોસ્પિટલના સ્ટાફને દર્દીઓ અને તેમના સ્નેહીજનોની ધાર્મિક અને આધ્યાત્મિક જરૂરિયાતો પ્રત્યે સંવેદનશીલ રહેવા ઉપરાંત, ઉચ્ચ ગુણવત્તાની સારસંભાળ પૂરી પાડવાનો આત્મવિશ્વાસ મળી રહ્યો હોવાનું પણ ડો. હેરિસને જણાવ્યું હતું.
શિવજીની મૂર્તિની સ્થાપના પછી દર સોમવારે સ્વયંસેવક રવિન્દ્રભાઈ નથવાણીની આગેવાની હેઠળ નિયમિત શિવપૂજા અને પ્રાર્થના પણ કરવામાં આવે છે જેમાં, ડોક્ટર્સ, પેશન્ટ્સ અને સ્થાનિક નાગરિકો પણ ઉપસ્થિત રહે છે. શિવાલય દર્શન અને પ્રાર્થના માટે દરરોજ ચોવીસે કલાક ખુલ્લું રહે છે. શિવજીની મૂર્તિની સ્થાપનાને એક દસકો વીતી ગયાની ઘટના નિમિત્તે 12 ઓક્ટોબર, 2023ની શિવરાત્રિની સાંજે અભિષેક આરતી અને પ્રસાદનું આયોજન કરરવામાં આવ્યું હતું. માર્ત 2024માં મહાશિવરાત્રિ નિમિત્તે ભવ્ય ઉજવણીનું આયોજન પણ કરાઈ રહ્યું છે. આ 10 વર્ષના સમયગાળામાં બાળકો સહિત સંખ્યાબંધ દર્દીઓએ મહાદેવજીના આશીર્વાદ થકી ગંભીર બીમારીઓમાંથી પણ સ્વાસ્થ્ય પ્રાપ્ત કર્યું છે.


