ભારતના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની યુકેની પાંખ હિન્દુ સ્વયંસેવક સંઘ (HSS UK) દ્વારા હર્ટફોર્ડશાયરના જૈન ઓશવાલ સેન્ટર ખાતે RSSના વડા ડો. મોહન ભાગવતનું સ્વાગત કરવા રવિવાર 6 સપ્ટેમ્બરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે ની 100મી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં 600થી વધુ બ્રિટિશ હિન્દુ, જૈન અને શીખ લોકો ઉપસ્થિત રહ્યા હતા. ડો. ભાગવતે તમામ સમુદાયોમાં એકતા અને પ્રેમનો સંદેશો આપ્યો હતો અને હિન્દુત્વ વિવિધતામાં એકતાની વિચારધારા હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે RSS રાજકીય નહિ, પરંતુ સાંસ્કૃતિક સંગઠન છે અને તમામ ભારતીયોઃ હિન્દુ, જૈન, શીખ, બૌદ્ધ, ઝોરોસ્ટ્રિયન્સ, બહાઈ, ક્રિશ્ચિયન્સ અને મુસ્લિમોને એકતાની ગાંઠે બાંધે છે. તેમણે રાષ્ટ્રનો અર્થ હિન્દુ રાષ્ટ્રવાદ નહિ, પરંતુ 5000 વર્ષથી વધુ સમય અસ્તિત્વ જાળવી રહેલી આપણી સંસ્કૃતિ એ જ રાષ્ટ્ર હોવાનું પણ કહ્યું હતું. તેમણે બ્રિટિશ હિન્દુઓને સૌપ્રથમ કર્મભૂમિ બ્રિટનને અને તે પછી આધ્યાત્મિક ભૂમિ ભારત પ્રત્યે વફાદારી દર્શાવવાની શીખ આપી હતી.


