લંડનઃ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (યુકે) લિમિટેડ (SBI UK) દ્વારા તેની સાઉથોલ બ્રાન્ચની 50મી વર્ષગાંઠ ધામધૂમથી શાખાના પરિસરમાં ઊજવાઈ હતી. આ પ્રસંગે SBI UK અને સ્થાનિક કોમ્યુનિટીના નામી વ્યક્તિત્વો ઊજવણીમાં સામેલ થયા હતા.
SBI UKના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સુધીર શર્માએ બ્રાન્ચની સફળતાના સહભાગી રહેલા વફાદાર કસ્ટમર્સ અને મહેનતુ સ્ટાફ પ્રત્યે હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ‘આ 50 વર્ષની યાત્રા અમારા પ્રતિષ્ઠિત ગ્રાહકો પાસેથી મળેલા અપાર વિશ્વાસ અને સપોર્ટ અને ખંતપૂર્વક કામ કરનારા સમર્પિત કર્મચારીઓની સાબિતી છે. અમે ગોલ્ડન જ્યુબિલી ઊજવી રહ્યા છીએ ત્યારે અમારા કસ્ટમર્સને ઈનોવેટિવ બેન્કિંગ સોલ્યુશન્સ અને અજોડ સેવા પૂરી પાડવાની અમારી પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કરીએ છીએ. આ નક્કર પાયા પર સતત નિર્માણ કરવા અને કોમ્યુનિટીની ભાવિ સફળતાઓના વિશ્વાસપાત્ર પાર્ટનર બની રહેવાનું અમારું લક્ષ્ય છે.’ SBI UKના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને ડેપ્યુટી સીઈઓ મિસ શકુંતલા સાન્યાલે સંબોધનમાં બેન્કના વ્યૂહાત્મક વિઝન અને સમુદાયલક્ષી અભિગમ પર ભાર મૂક્યો હતો.
ઈલિંગ સાઉથોલના પૂર્વ સાંસદ વિરેન્દ્ર શર્માએ ઉદાહરણરૂપ સેવા અને સાઉથોલ કોમ્યુનિટી પ્રત્યે અવિરત પ્રતિબદ્ધતા બદલ બેન્કની પ્રસંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે,‘ વર્ષો દરમિયાન આપણી કોમ્યુનિટી પર SBI UKની વિધેયાત્મક અસરનો હું સાક્ષી રહ્યો છું. વિશ્વાસપાત્ર અને સરળતાથી પ્રાપ્ય બેન્કિંગ સેવા પૂરી પાડવાની તેમની નિષ્ઠા અમૂલ્ય રહી છે અને સાઉથોલ પ્રતિ બેન્કની કટિબદ્ધતાની હું કદર કરું છું. SBI UKની હાજરી અસંખ્ય વ્યક્તિઓ અને બિઝનેસીસ માટે સ્થિરતા અને સપોર્ટની આધારશિલા બની રહેલ છે.’



