અમદાવાદ: શહેરના પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થાન SGVP (સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્) દ્વારા સંચાલિત દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયમાં સંસ્કૃત ભાષા અને હિન્દુ સંસ્કૃતિના જતન તથા પ્રચારના ઉદ્દેશ સાથે વિશાળ અને આધુનિક ગ્રંથાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું ભવ્ય ઉદ્ઘાટન તાજેતરમાં કરવામાં આવ્યું હતું.
આ મહાવિદ્યાલયમાં ચાર વેદ, વેદાંત, ન્યાય, મીમાંસા, વ્યાકરણ જેવા વિવિધ વૈદિક અને શાસ્ત્રીય વિષયોનું ઋષિકુમારોને અધ્યાપન કરવામાં આવે છે. વિવિધ રાજ્યોના 200 કરતાં વધુ ઋષિકુમારો અહીં ધોરણ 6 થી લઈને પીએચ.ડી. સુધીનો અભ્યાસ તદ્દન નિઃશુલ્ક કરી રહ્યા છે. આ ઋષિકુમારો દેશ-વિદેશમાં સંસ્કૃતિ અને સંસ્કૃતના પ્રચાર માટે કટિબદ્ધ થઈ રહ્યા છે. સંસ્થાના વડા પ.પૂ. ગુરુવર્ય માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી આ વિશાળ ગ્રંથાલયનું નિર્માણ શક્ય બન્યું છે. આ નૂતન ગ્રંથાલયનું ઉદ્ઘાટન મૂળ કચ્છના વતની અને હાલ કેન્યામાં સ્થિર થયેલા કાનજીભાઈ વરસાણી, તેમના ધર્મપત્ની ધનબાઈ વરસાણી તથા અમેરિકા નિવાસી વિજયભાઈ ધડુકના હસ્તે કરાયું હતું.
આ આધુનિક ગ્રંથાલયના નિર્માણમાં કે. વરસાણી પરિવારે મુખ્ય દાતા તરીકે સેવા આપી છે.નવનિર્મિત ગ્રંથાલયમાં હાલમાં 10 હજારથી વધારે સંસ્કૃત ગ્રંથો ઉપલબ્ધ છે અને બીજા ગ્રંથોનો ઉમેરો થઈ રહ્યો છે. આ આધુનિક સુવિધા ઋષિકુમારોને તેમના ઊંડાણપૂર્વકના વૈદિક અને શાસ્ત્રીય અભ્યાસમાં અત્યંત સહાયરૂપ થશે. આ ગ્રંથાલય શિક્ષણ અને સંશોધનનું કેન્દ્ર બની રહેશે.


