TiE London એવોર્ડ્ઝમાં ઉદ્યોગસાહસિકતાનો જુસ્સો

પ્રિયંકા મહેતા Wednesday 13th November 2019 02:47 EST
 
ચોઈસ ઈન્ટરનેશનલના સહસ્થાપક કુશ કનોડિયા (સોશિયલ એન્ટ્રેપ્રીન્યોર ઓફ ધ યર), માહિબેન મારુથાપ્પુ (એન્ટ્રેપ્રીન્યોર ઓફ ધ યર), જ્ઞાનના સ્થાપક અને સીઈઓ જોયીતા દાસ (વુમન ઓફ ધ યર),  ક્લોવ ડેન્ટલ, ડેન્ટલ કેર સર્વિસીસના લુઈસ શાકિનોવસ્કી (ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ બિઝનેસ ઓફ ધ યર) અને S-CUBEના સહસ્થાપક અને સીઈઓ ડો. નિખિલ શાહ (યંગ એન્ટ્રેપ્રીન્યોર ઓફ ધ યર) ઉપરાંત, યુનિવર્સિટી  ઓફ ઓક્સફર્ડમાં ટ્રાન્સલેશનલ મેડિસીનના પ્રોફેસર ચરણજિત બૌન્ટ્રા (ઈન્ટરપ્રીન્યોર ઓફ ધ યર), યોટી ડિજિટલ આઈન્ડેન્ટિટી એપ (ટેકનોલોજી કંપની ઓફ ધ યર)ને પણ એવોર્ડ વિજેતા જાહેર કરાયા હતા.
 

લંડનઃ બ્રેક્ઝિટ, વર્તમાન વેપારયુદ્ધો અને મંદી તરફ સરકી રહેલા અર્થતંત્રો સંબંધિત સર્જાયેલી અરાજકતાના પરિણામે નાણાકીય પરિદૃશ્ય નિરાશાજનક દેખાઈ રહ્યું છે. આ ચિંતાજનક સંજોગોમાં શુક્રવાર પહેલી નવેમ્બરે ધ લેન્ડમાર્ક લંડન ખાતે TiE London એવોર્ડ્ઝમાં ઉદ્યોગસાહસિકતાની ભાવનાનો જુસ્સો જોવાં મળ્યો હતો. TiE Londonના પ્રમુખ નીના અમીન MBE દ્વારા આયોજિત સમારંભમાં લોર્ડ જિતેશ ગઢિયા, લોર્ડ રેમી રેન્જર, જી.પી. હિન્દુજા, ડેપ્યુટી મેયર ઓફ લંડન ફોર બિઝનેસ રાજેશ અગ્રવાલ તેમજ ભારતીય ડાયસ્પોરાના પ્રતિષ્ઠિત મહાનુભાવો, યુવાન ટેકનિકલ મહારથીઓ અને સંભવિત રોકાણકારો ઉપસ્થિત હતા.

ગૂગલના પૂર્વ વાઈસ પ્રેસિડેન્ટ અને હાલમાં OakNorthના નિયુક્ત સીઈઓ સુનિલ ચંદ્રે ચાવીરુપ પ્રવચનમાં લંડનના ‘વિસ્તરી રહેલાં સ્ટાર્ટ-અપ અને ફિનટેક માર્કેટ’માં પોતાનો આત્મવિશ્વાસ વ્યક્ત કરી કહ્યું હતું કે બ્રેક્ઝિટ સહિતની વૈશ્વિક અચોક્કસતાઓ છતાં, લંડન ફૂલીફાલી રહ્યું છે. આજે સૌથી મોટા યુનિકોર્ન માર્કેટમાં અમેરિકા અને ચીન પછી યુકે ત્રીજા સ્થાને છે.

ગિનેસ વર્લ્ડ રેકોર્ડ ધરાવતા ગાયક નવીન કુન્દ્રાની યજમાની હેઠળના ઈવેન્ટમાં એન્ટ્રેપ્રીન્યોર ઓફ ધ યરથી ઈન્ટરપ્રીન્યોર ઓફ ધ યર સુધીની કેટેગરીના એવોર્ડ્સ એનાયત કરાયા હતા. આ ઉપરાંત, આ વર્ષે ટેકનોલોજી કંપની ઓફ ધ યર અને સોશિયલ એન્ટ્રેપ્રીન્યોર ઓફ ધ યરની કેટેગરીના બે નવા એવોર્ડ પણ ઉમેરાયા હતા.

TiE London યંગ એન્ટ્રેપ્રીન્યોર ઓફ ધ યરનો એવોર્ડ S-CUBEના સહસ્થાપક અને સીઈઓ ડો. નિખિલ શાહના ફાળે ગયો હતો. એવોર્ડવિજેતા ડો. શાહે જણાવ્યું હતું કે વૈશ્વિક અર્થતંત્ર અને વર્તમાન પરિસ્થિતિના મુખ્ય પડકારોનું નિરાકરણ લાવવામાં ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) મદદરુપ થઈ શકશે. ડો. શાહે ઈમ્પિરિયલમાં ડોક્ટરેટડ અભ્યાસમાં એનર્જી ઈન્ડસ્ટ્રીમાં AI ના ઉપયોગ વિશે સંશોધન કર્યું છે. તેમણે ૨૦૧૫માં S-CUBEની સ્થાપના કરી હતી.

ટ્રિલિયન ડોલરના વિઝન સાથે સ્થપાયેલી સંસ્થા ‘જ્ઞાન’ના સ્થાપક જોયીતા દાસ વુમન ઓફ ધ યરનો એવોર્ડ જીત્યા હતા. તેમની સંસ્થા કોઈ પણ કંપની અનુભવ વિના પણ ડેટા સાયન્સ અને AI ના ઉપયોગથી પ્રગતિ કરી શકે તેમાં સહાય કરે છે. તેમણે કહ્યું હતું કે તેમનો સમગ્ર હેતુ સામાન્ય લોકોને કોડિંગ શીખ્યા વિના પણ ટેકનોલોજીથી સશક્ત બનાવવાનો છે.

CeraCare ના યુવાન સહસ્થાપક માહિબેન મારુથાપ્પુ એન્ટ્રેપ્રીન્યોર ઓફ ધ યર એવોર્ડના વિજેતા બન્યા હતા. સેરા ૨૦૧૬માં લોન્ચ કરી હતી અને હોમ કેરના પરિવર્તનનું કારણ બની છે. તેમણે પોતાના કાર્યમાં પ્રેરણારુપ દાદીમાને આ એવોર્ડ અર્પણ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ગૃહકાળજી ઈચ્છતા વૃદ્ધોની સંખ્યા વધે છે ત્યારે આવી સેવાસંભાળ આપતી સંસ્થાઓ ઓછી છે. આ અભાવને ટેકનોલોજી દ્વારા દૂર કરી શકાય છે.
અન્ય એવોર્ડવિજેતાઓમાં ક્લોવ ડેન્ટલને ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ બિઝનેસનો એવોર્ડ, યોટીને ટેકનોલોજી કંપની ઓફ ધ યર, પ્રોફેસર ચરણજિત બૌન્ટ્રાને ઈન્ટરપ્રીન્યોર ઓફ ધ યર તેમજ કુશ કનોડિયાને સોશિયલ એન્ટ્રેપ્રીન્યોર ઓફ ધ યર એવોર્ડ એનાયત કરાયા હતા.

સ્વતંત્ર જ્યુરીના સભ્યોમાં લોર્ડ જિતેશ ગઢિયા, પ્રિયા હિરાનંદાની-લાન્ડ્રેવાલા, જીન દ ફોગેરોલસ, ગ્રેગ નોર્ટન કોડનો સમાવેશ થયો હતો.

TiE London Awards 2019ના વિજેતાઓ

ચોઈસ ઈન્ટરનેશનલના સહસ્થાપક કુશ કનોડિયા (સોશિયલ એન્ટ્રેપ્રીન્યોર ઓફ ધ યર), માહિબેન મારુથાપ્પુ (એન્ટ્રેપ્રીન્યોર ઓફ ધ યર), જ્ઞાનના સ્થાપક અને સીઈઓ જોયીતા દાસ (વુમન ઓફ ધ યર),  ક્લોવ ડેન્ટલ, ડેન્ટલ કેર સર્વિસીસના લુઈસ શાકિનોવસ્કી (ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ બિઝનેસ ઓફ ધ યર) અને S-CUBEના સહસ્થાપક અને સીઈઓ ડો. નિખિલ શાહ (યંગ એન્ટ્રેપ્રીન્યોર ઓફ ધ યર) ઉપરાંત, યુનિવર્સિટી  ઓફ ઓક્સફર્ડમાં ટ્રાન્સલેશનલ મેડિસીનના પ્રોફેસર ચરણજિત બૌન્ટ્રા (ઈન્ટરપ્રીન્યોર ઓફ ધ યર), યોટી ડિજિટલ આઈન્ડેન્ટિટી એપ (ટેકનોલોજી કંપની ઓફ ધ યર)ને પણ એવોર્ડ વિજેતા જાહેર કરાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter